ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્. નિત્યાનંદ સ્વામીના દર્શન

ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્.નિત્યાનંદ સ્વામીના દર્શન

સદ્‌. નિત્યાનંદ સ્વામી એટલે શ્રીજીમહારાજના મહાન વિદ્વાન સંત. તેઓ પોતાની જોડે ગાડામાં હરતીફરતી લાઈબ્રેરી રાખતા. ગમે ત્યારે કોઈ વિદ્વાન કોઈ પ્રશ્ન લઈને આવે તો કહે કે અમારી પાછળના આ નંબરના ગાડામાં આ નંબરના પુસ્તકના થપ્પામાં આ નંબરનું પુસ્તક અને આ પાનાંની આ લીટીમાં તારા પ્રશ્નનો જવાબ છે. જા વાંચી લે. સ્વામીની આવી ફોટોગ્રાફિક મેમરી હતી.

વળી સદ્‌. નિત્યાનંદ સ્વામી એટલે સિદ્ધાંતવાદી પુરુષ. તેઓ સભા કરતા હોઈ ત્યારે એમનો દાબ પડતો.

આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ એવા જ સિદ્ધાંતવાદી પુરુષ. સદ્‌. નિત્યાનંદ સ્વામીના તમામ ગુણોના દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે.

 

૧) નિષ્ઠાની અડગતાનાં દર્શન :

જયારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ મહારાજને પૂછયું કે, “સત્સંગી જીવન ગ્રંથમાં આપ આપને કેવા લખવા માંગો છો ? ત્યારે મહારાજ કહ્યું કે, “અમે શ્રીકૃષ્ણ છીએ” એમ લખવા ધાર્યું છે.

ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, “મહારાજ, મોટેરા સંતો આ વાત જાણશે ત્યારે એ તો હા નહિ જ પાડે. કદાચ એ હા પાડે તોપણ હું તો હા પાડવાનો નથી જ.”

શ્રીજીમહારાજે કહ્યું, “અમે કેવી રીતે લખીએ તો તમે હા પાડો ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, “હે મહારાજ ! તમે સર્વોપરી સર્વકારણ, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ મહારાજાધિરાજ એવા લખો તો હું હા પાડું.”

શ્રીજીમહારાજે સભામાં બધા સંતોને કહ્યું કે, “તમે જેના પક્ષમાં રહેવા માંગતા હોય તે બાજુ જતા રહો.” ત્યારે બધા સંતો મહારાજના પક્ષમાં આવ્યા. એકલા સદ્‌. નિત્યાનંદ સ્વામી સામેના પક્ષમાં રહ્યા. બધા જ મહારાજના ફેરવ્યા ફરી ગયા.

આ પ્રસંગ જોતાં એવું જણાય છે કે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ નિષ્ઠાની બાબતમાં સ્વયં શ્રીજીમહારાજનું પણ વચન માન્યું નથી. સદ્. નિત્યાનંદ સ્વામીમાં નિષ્ઠાની જબરજસ્ત અડગતાના અહીં દર્શન થાય છે.

ગુરુવર્ય ૫.પૂ. બાપજી કહેતા હોય છે કે, “એ વખતે સંપ્રદાય નવો હતો. પાત્રતા વગરના ભક્તો-સંતોનો સમુદાય હતો એટલે હલકું પધરાવવું પડ્યું. હલકી વાત કરવી પડી. સૌને સાચવવા પડ્યા છતાં પણ સદ્‌. નિત્યાનંદ સ્વામીની દઢતા એવીને એવી રહી. પણ અત્યારે ક્યાં સંપ્રદાય નવો છે ? ક્યાં સત્સંગ નવો છે ? તો સ્વામિનારાયણના મંદિરોમાં હલકું પધરાવવાની શી જરૂર ? હલકું બોલવાની અને લખવાની શી જરૂર ?

ગુરુવર્ય પ.પૂ.બાપજીએ અત્યારે એક શ્રીજીમહારાજને જ રાજી કરવા, મહારાજના સંકલ્પને પૂરો કરવા, સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધિ અને વૃધ્ધિ માટે જબરદસ્ત ક્રાંતિ આણી છે. રાત્રિ-દિવસ અથાગ દાખડો કર્યો છે. એક એકના જીવમાં શ્રીજીમહારાજને પધરાવી રહ્યા છે. નિજમંદિરો ઊભા કરી રહ્યા છે. અજોડ સર્વોપરી મંદિરોની સ્થાપના કરી રહ્યા છે. જેમાં અક્ષરધામની પ્રતિકૃતિ તૈયાર કરી છે એટલે કે, મંદિરમાં મહારાજ અને એમના મુક્ત સિવાય કંઈજ ન હોય એવા સર્વોપરી મંદિરોની શરૂઆત કરી છે. એમના જોગમાં આવનાર હરિભક્તોના ઘરમાં પણ અને જીવમાં પણ એક મહારાજ અને મુકત સિવાય બીજું કંઈ ન રહે એવી જબરજસ્ત ક્રાંતિ તેઓ લાવ્યા છે. અને સદ્. નિત્યાનંદ સ્વામીમાં જેવી નિષ્ઠાની અડગતા હતી એવા અનેક સંતો-હરિભક્તોની વણઝાર ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઊભી કરી છે.

ટૂંકમાં સદ્‌. નિત્યાનંદ સ્વામીએ જેમ નિષ્ઠામાં અડગતા રાખી હતી તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ શ્રીજીમહારાજના લખેલા તથા લખાવેલા લખાણો સામે, પધરાવેલા સ્વરૂપો સામે તથા અત્યારે સંપ્રદાયના જૂની માનીનતાવાળા હજારો સંતો-હરિભક્તોનો સામનો કરીને પણ શ્રીજીમહારાજની અંતર્ગત રુચિ, અભિપ્રાય અને સર્વોપરી ઉપાસનાના સિદ્ધાંતોને પરાકાષ્ઠાની અડગતા સાથે જાળવી રાખ્યા છે.

 

૨) સિદ્ધાંતની બાબતમાં સમાધાન નહીં :

શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ પાસે ગ્રંથ લખાવવાની શરૂઆત કરી. સદ્‌. નિત્યાનંદ સ્વામીને ખબર પડી તેથી તેમણે લખેલાં પાનાં માંગીને ફાડી નાંખ્યા જે પાનામાં મહારાજને બીજા અવતાર જેવા લખેલા.

સદ્. નિત્યાનંદ સ્વામીએ નિષ્ઠાની બાબતમાં તો મહારાજનું પણ હલકું લખાણ નથી ચલવ્યું તો શું સદ્‌. નિત્યાનંદ સ્વામી શ્રીજીમહારાજનો દ્રોહ કરતા હતા ? શું એમના વિરોધી હતા ? શું એમનાથી વિમુખ હતા ? તો પાનાં કેમ ફાડી નાંખ્યા ? કેમ મહારાજની સામે પડ્યા હતા ?

તો એનું એક અને માત્ર એક જ કારણ હતું કે એ લખાણમાં ઉપાસનાનો ભંગ થતો હતો. પતિવ્રતાની ભક્તિ ખંડિત થતી હતી. ઉપાસના જળવાતી નહોતી. મહારાજને જેવા છે તેવા નહોતા લખ્યા એટલે પાનાં ફાડી નાંખ્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજના વચનામૃતમાં અને લખેલી શિક્ષાપત્રીમાં કોઈ એવા પરોક્ષના શબ્દોને મહારાજના સિદ્ધાંતો પ્રમાણે રહસ્યાર્થ સમજાવે તો શું ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની જીભ ઉપર પગ મૂકે છે ? શું તેઓ મહારાજનો દ્રોહ કરે છે ? ના..ના..ના. અત્યારે સંપ્રદાયમાં શ્રીજીમહારાજનો સૌથી અઢળક રાજીપો થતો હોય તો SMVSના સંસ્થાપક દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને એમને ધાયેલા નિષ્ઠાવાન નિયમ-ધર્મયુક્ત સાચા સંતો અને હરિભક્તો ઉપર થઈ રહ્યો છે કારણ કે શ્રીજીમહારાજનો શુદ્ધ સર્વોપરી અજોડ ઉપાસના પ્રવર્તાવવાનો સંકલ્પ હતો તે પૂર્ણ થઈ રહ્યો છે. એટલે તો જોતજોતામાં મહારાજની ઇચ્છાથી હજારો-લાખો એવા નિષ્ઠાવાન અને નિયમધર્મ યુક્ત સંતો-હરિભક્તો ઊભા થઈ ગયા છે.

 

૩) મહારાજનું કર્તાપણું :

સદ્. શુકાનંદ સ્વામીને મહારાજે સદ્. નિત્યાનંદ સ્વામી પાસે મોકલ્યા ને મહારાજનો સંદેશો કહ્યો કે સત્સંગના ધણી તો અમે છીએ તેથી અમને ગોઠે તેમ કરીએ. અમે જે કરતા હોઈએ એમાં તમારે સામા ન પડવું. સામા પડશો તો એમાંથી ઠીક નહીં થાય. ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, “મહારાજને કહેજો કે સત્સંગનો ધણી તો હું છું. તમે એવું ન જાણતા કે હું મહારાજને ભૂલીને બોલું છું. મહારાજ તો મારા પ્રાણ સમાન છે. સર્વે કર્તા-હર્તા મહારાજ જ છે.”

જેમ સદ્. નિત્યાનંદ સ્વામીમાં જેમ મહારાજનું સંપૂર્ણ કર્તાપણું હતું એવું જ ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં પણ મહારાજના સંપુર્ણ કર્તાપણાના દર્શન થાય છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ક્યારેય મહારાજને ગૌણ કર્યા નથી પણ મહારાજને જ મુખ્ય કર્યા છે અને હજારો સંતો-હરિભક્તોના જીવમાં એ જ રસ રેડ્યો છે કે મહારાજને કર્તા કરજો. એમને ભૂલતા નહીં. મહારાજને મૂકશો તો કોઈ તમારો ભાવ પૂછશે નહિ અને મહારાજને રાખશો તો મોટા સદ્‌ગુરુ થાશો.

ગુરુવર્ય ૫.પૂ. બાપજી હંમેશાં કહે છે કે, “આ કારણ સત્સંગની જે લીલીવાડી છે એ સદ્.મુનિ સ્વામીના પ્રતાપે છે. એમને લઈને છે. આ જે કંઈ થઈ રહ્યું છે એ મહારાજ જ કરી રહ્યા છે. કોઈ ધણી ન થતા. ધણી તો મહારાજને જ કરજો, તો મહારાજ સદાય ભેળા ભળશે, સદાય કર્તા બનીને રહેશે.” આવી રીતે સર્વે કાર્યોમાં મહારાજને જ કર્તા કર્યા છે.

 

૪) નિષ્ઠાની દઢતા :

સદ્‌. નિત્યાનંદ સ્વામીને સ્વયં મહારાજે ઘણા સમજાવ્યા પણ એકના બે ન થયા. ઘણી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો તોપણ ન સમજ્યા. સ્વામીએ કહ્યું, “તમે મને વિકટ વનમાં મૂકો કે ઉજજડ અરણ્યમાં મૂકો કે પર્વતની ટોચે પહોચાડો પણ હું તો તમને સર્વાપરી લખાવવાનો જ. મહારાજે સદ્‌. નિત્યાનંદ સ્વામીની ઘણી કસોટી કરી. વનમાં મૂકી આવ્યા. બીજા દિવસે સભામાં સદ્‌. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આજે આ સભા શોભતી નથી કેમ જે આ સભાનું ભૂષણ હતું તે ગયું. શું ભૂષણ ? તો સદ્‌. નિત્યાનંદ સ્વામી આ સભાનું ઘરેણું હતા. એવા સાધુ અનંતકોટિ બ્રહ્માંડમાં ગોત્યા જડે નહી. એવા સદ્‌ગુરુને વગર વાંકે કઢી મૂક્યા તે ઠીક તો ન થયું. સદ્‌. નિત્યાનંદ સ્વામીને બીજા દિવસે સભામાં લાવ્યા. આગળ બેસાર્યા. મહારાજે કહ્યું,“ સ્વામી, અમે તમારી ઘણી કસોટી કરી. તમે અમારા ડગાવ્યા પણ ડગ્યા નહીં. બીજા સંતોએ તો અમારી હા એ હા કરી પણ તમે અમને જીત્યા.

મહારાજ સભામાં ઊભા થઈ ગયા. સ્વામીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા. મહારાજે તેમની પૂજા કરી. કંઠમાંથી હાર પહેરાવ્યો અને મસ્તક પર હાથ મૂકીને સભા પ્રત્યે બોલ્યા, “હે સંતો ! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા પણ આ એક સ્વામી ફર્યા નહિ.”

જેમ સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે, હું શ્રીજીમહારાજને અન્ય અવતાર જેવા લખીશ નહિ કે લખવા દઈશ પણ નહિ. એમ ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા કે, “એવા હલકા લખેલા શબ્દોને માનવા નહીં, પણ તેનો પ્રત્યક્ષાર્થ કરીને જ બધાને સમજાવવા. અને ગુરુવર્ય ૫.પૂ. બાપજી વચનામૃત તથા શિક્ષાપત્રીના એક-એક પરોક્ષાર્થ શબ્દનો પ્રત્યક્ષાર્થ સમજાવી બધાને યથાર્થ જ્ઞાન આપે છે.

જેમ ઉપાસનાની બાબતમાં તમામ સંતોમાં એક જ સદ્‌. નિત્યાનંદ સ્વામી કોઈના ફેરવ્યા ફર્યા નહિ ને, જેમ મહારાજે ખૂબ રાજીપો દેખાડ્યો, ભેટી પડ્યા. તથા સ્વામીનો ખૂબ મહિમા કહ્યો તેમ અત્યારે સંપ્રદાયમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એવા સત્પુરુષ છે કે જેમાં મહારાજની સંપૂર્ણ નિષ્ઠાના-ઉપાસનાના દર્શન થાય છે.

પોતાના જીવનકાળ દરમ્યાન શ્રીજીમહારાજની ઉપાસના રાખવા માટે એવા હજારો પ્રતિકુળતાઓનો સામનો કર્યો છે. ઘણા વિકટ દેશકાળ આવ્યા છે છતાં પણ શ્રીજીમહારાજની નિષ્ઠામાં રંચમાત્ર પણ ફેર પડવા દીધો નથી કે લેશમાત્ર ક્યાંય લેવાયા નથી.

ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં તમામના દિવ્યગુણોના દર્શન થાય છે. ક્યાંય સ્વામિનારાયણ સિવાય બીજાનું નામ ન આવે. ક્યારેય સ્વામિનારાયણ સિવાય બીજું પધરાવે નહિ, ક્યારેય સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને મસ્તક પણ નમે નહિ. ક્યારેય સ્વામિનારાયણ સિવાય બીજા કોઈની વાત પણ કથામાં આવે નહિ. આવી જબરજસ્ત નિષ્ઠાની દઢતા, ઉપાસનાની દઢતાનાં દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સહેજે સહેજે થઈ આવે જે સદ્‌. નિત્યાનંદ સ્વામીમાં થતા.