Bapji Ni Vato

Bapji Ni Vato

ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતોના પ્રારંભે પ્રાર્થના

સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજી દિવ્ય રૂપે ને પ્રગટપણે બિરાજી આપણને લાભ આપી રહ્યા છે એવી સમજણ રાખવી અને પ્રાર્થના કરવી :

“હે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી ! આ૫ના સંપૂર્ણ કર્તા સ્વયં શ્રીજીમહારાજ છે ત્યારે આ અમૃત વાતો અમારા દેહભાવને યોગે કરી ભલે આ૫ના મુખમાંથી પ્રગટતી જણાય પણ સ્વયં શ્રીજીમહારાજના જ મુખકમળમાંથી પ્રગટેલી છે. ત્યારે આ અમૃત વાતોમાં સમાયેલ શ્રીજીમહારાજના અંતર્ગત અભિપ્રાયોને સમજી શકું અને વર્તનમાં મૂકી શકું એવી કૃપા કરજો...” ત્યારબાદ દરેક વાતના વાંચનનો પ્રારંભ : “સ્વામિનારાયણ હરે... પછી પ.પૂ. બાપજીએ વાત કરી જે...” એવા ઉચ્ચારણ કર્યા પછી જ કરવો.

Bapji Ni Vato સ્વામિનારાયણ હરે... પછી પ.પૂ. બાપજીએ વાત કરી જે, ગુરુદેવ પ.પૂ. બાપજીમાં શ્રીજીમહારાજના મહાત્મ્યની અતિશય ખુમારીનાં દર્શન થાય છે. તેઓ કથાવાર્તામાં મહારાજના અદ્ભુત મહાત્મ્યનું વર્ણન કરતા હોય છે. જેમાં પ્રશ્નોત્તરી રૂપે સહજમાં શ્રીજીમહારાજના સ્વરૂપની દૃઢતા કરાવવાની તેઓની રીત અનોખી છે. તેઓ પૂછતા હોય છે : “અનંતકોટિ બ્રહ્માંડમાં સનાતન ભગવાન કેટલા ?” “એક જ.” “આધુનિક ભગવાન કેટલા ?” “અનંત.” “આધુનિક ભગવાન કેવી રીતે થયેલા છે ?” “સનાતન ભગવાનની સત્તાથી અનંત આધુનિક ભગવાન થયેલા છે અને રહેલા છે.” “તો પછી સનાતન ભગવાન કેવી રીતે થયા ?” “એવું ન બોલાય. તેઓ કોઈના વડે થયેલા નથી.” “અનંત આધુનિક ભગવાન સનાતનની સત્તાથી થયા તો સનાતન ભગવાનમાંથી કેટલું ઓછું થયું ?” “ચપટીયે નહીં.” “હવે વ્યતિરેકની વાત... અનંત અનાદિમુક્ત કેવી રીતે થયા ?”  “શ્રીજીમહારાજના પ્રતિલોમ ધ્યાને કરીને થયા.” “આ અનાદિમુક્ત કેવા થયા ?” “એમના જેવા પુરુષોત્તમરૂપ.” “આવા અનાદિમુક્ત કેટલા થયા ?” “અનંત.” “તો શ્રીજીમહારાજમાંથી કેટલું ઓછું થયું ?” “ચપટીયે નહીં.” આવું મહાત્મ્યનું વર્ણન કરી તેઓ અહોભાવમાં ગરકાવ થતાં બોલ્યા, “આ... હા... હા... કેવા મહારાજ છે...! મુક્તો, આવા મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે. તેમની નિષ્ઠા પાકી કરજો. એમના સ્વરૂપને આવી રીતે બરાબર ઓળખી લેજો.”
Bapji Ni Vato શ્રીજીમહારાજ સુધી પહોંચવું હોય તો એમની ઓળખાણ યથાર્થ કરવી પડે. એ વાત કરતાં તેઓ બોલ્યા કે, “તમારે જ્યાં કાગળ (ટપાલ) મોકલવાનો હોય તો એનું સરનામું પૂરેપૂરું જોઈએ. જો અધૂરું સરનામું હોય તો કાગળ ન પહોંચે.
હવે આ સરનામું કોને કોને પૂરું લખવું પડે ? વડાપ્રધાન હોય એનેય કાગળ ઉપર સરનામું લખવું પડે અને આદિવાસી હોય એનેય સરનામું પૂરું લખવું પડે. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને યથાર્થ ઓળખ્યા વગર અને એમનો યથાર્થ મહિમા જાણ્યા વગર તથા એમની ઉપાસના દૃઢ થયા વગર એમના સુધી પહોંચાય જ નહીં. માટે હવે કહો કોણે કોણે મહારાજને યથાર્થ જાણવા પડે ? સંપ્રદાયના દરેક આશ્રિતમાત્રને જેમાં આચાર્યને, ગુરુને, સદ્ગુરુને, સાધુને, હરિભક્તને તે પછી જૂના હોય કે નવા હોય પણ બધાને સરનામું પૂરેપૂરું જોઈએ અર્થાત્ મહારાજની નિષ્ઠા પૂરેપૂરી જોઈએ. એના વગર મહારાજ સુધી પહોંચાય નહીં.”
Bapji Ni Vato સભામાં ગઢડા છેલ્લાનું ૩૨મું વચનામૃત વંચાયું જે, “અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, ભગવાનનો (અમારો) જે સાચો ભક્ત તેને ભગવાનનું (અમારું) મહાત્મ્ય સમજવાની કેવી રીત છે ?” વચનામૃતનું રહસ્ય સમજાવતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું કે, “અહીં મહારાજે સાચા ભક્તની જાહેરાત કરી. મહારાજનું એમ કહેવું છે કે, બધાય કંઠીવાળા ભક્ત સરખા નથી એટલે તેને કેમ ઓળખવા ?” તો પહેલું મહારાજે કહ્યું કે, ભગવાનનું કહેતાં અમારું મહાત્મ્ય સમજતો હોય. મહાત્મ્ય એટલે મોટપ કે ભગવાન કેવા છે ? મને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન તે સનાતન છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે. આમ સમજે. પરંતુ ખાલી કંઠી બાંધી હોય, તિલક-ચાંદલો કરતા હોય, દાન-ધર્માદો કરતા હોય, રોજ મંદિર જઈ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ માળા કરતા હોય એટલે સાચો ભક્ત એમ નહીં. મહારાજે અહીં જુદું પાડી દીધું. જુદું શું કામ પાડવું પડ્યું ? તો બધાય કંઠીવાળાને મહારાજની આવી નિષ્ઠા હોતી નથી. જે મહારાજની મોટપ સમજતો હોય એટલે કે જેને મહારાજની સર્વોપરી નિષ્ઠા પાકી હોય અને મહારાજના નિયમ પૂરેપૂરા પાળતો હોય એ જ સાચો ભક્ત. જેને મહારાજની સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાનમાં ખામી હોય તે મહારાજનો સાચો ભક્ત નથી.
Bapji Ni Vato મહારાજ તો સદાય તેજના સમૂહમાં છે, દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય છે. તેમને દેહ ધરવો પડે અને મૂકવો પડે એવો મનુષ્યભાવ તેમને વિષે નથી. જેમ પંચાળાના ૭માં વચનામૃત મુજબ “નટ મર્યો પણ નથી ને નટ બળ્યો પણ નથી.” એમ મહારાજ અવરભાવમાં જન્મ્યા એવું દેખાણું, દેહ મૂક્યો એવું દેખાણું પણ એવું દેહધારીઓને દેખાણું. જુઓ મહારાજ અંતર્ધાન થયા એવું દેખાણું પણ ત્યારે હજારો ઠેકાણે મહારાજે દર્શન આપ્યાં કે નહીં ! અલ્યા, આવી રીતે માણસ દર્શન આપે ? પરંતુ હજારો ઠેકાણે મહારાજ દેખાણા એ લીલા કહેવાય ! માટે મહારાજને દિવ્ય જ સમજવા. ખાલી કંઠી બાંધી અને મંદિરે આંટા મારીને જય જય કરશો તો કશુંય દા’ડા નહિ વળે. જેમ બે બે પૈસા ડબલામાં નાખશો તો પચ્ચીસ લાખનો ફલૅટ નહિ આવે ! તેમ મહારાજને જાણ્યા-ઓળખ્યા વગર ભજન-ભક્તિ થાય તો બે બે પૈસા ડબલામાં નાખ્યા કહેવાય પણ એમના સ્વરૂપને ઓળખીને, એમની નિષ્ઠા દૃઢ કરીને પ્રત્યક્ષપણે આશરો થાય તો એનું રંચમાત્ર પણ અધૂરું રહેતું નથી. અને એવી નિષ્ઠા ના થાય અને એવો દિવ્યભાવ ન સમજે તો અનંત જન્મે પણ પૂરું થતું નથી.
Bapji Ni Vato વચનામૃતમાં સર્વેના કારણ છે એમ આવ્યું એટલે પ.પૂ. બાપજીએ સભામાં પૂછ્યું, “સર્વમાં કોણ કોણ આવે ?” બધાયે કહ્યું, “એક સિવાય બધા !” પછી આ વાત સમજાવવા તેનું દૃષ્ટાંત આપી સભામાં પૂછ્યું, “સો માણસનું કુટુંબ હોય એનું કારણ કોણ ?” “ડોહો (ડોસા - વડદાદા). એમ શ્રીજીમહારાજ સર્વના કારણ છે. અન્વય અને વ્યતિરેક આ બંને લાઇનના કારણ મહારાજ છે. આ કારણ (મહારાજ)ને લઈને આ બધાય (અન્વય અને વ્યતિરેકવાળા) થયેલા છે અને રહેલા છે. અનંત અક્ષરોથી માંડીને અનંતાનંત જીવ-પ્રાણીમાત્રના અન્વય શક્તિના પ્રતાપે કરીને ઉત્તરોત્તર ઇનડાયરેક્ટ કારણ. જ્યારે અનંત ચાલોચાલ, એકાંતિક, પરમએકાંતિક અને અનાદિમુક્તોના ડાયરેક્ટ કારણ.  એનો ગુજરાતી અર્થ શું ? કોઈની પાસે સામર્થી, ઐશ્વર્ય કે સુખ પોતાનું આગવું નથી. બધુંય મહારાજ પાસે છે ને મહારાજનું જ છે. હવે આ વાત જીવસત્તાએ સમજાણી હોય કે મહારાજ સર્વના કારણ છે તો એને કોઈનીએ બીક રહે ?” “ના.” “ભાર રહે ?” “ના.” “પ્રતીતિ રહે ?” “ના.” “કર્તાપણું રહે ?” “ના.” “આશરો કરવાનો રહે ?” “ના.” “તો શું કરવાનું રહે ત્યારે ?” “બસ, એક મહારાજને રાજી કરવાના રહે.” “જુઓ એક શબ્દ (સર્વના કારણ)માં આખું જ્ઞાન આવી ગયું. સર્વના કારણ શબ્દમાં સર્વ શબ્દ બહુવચન છે. એમાં કોઈ બાકી રહે છે ? અનાદિમુક્તોય આવી ગયા, અન્વયના સંબંધવાળા અક્ષરકોટિ ને એ બધાય આવી ગયા. એમ આ કારણ (મહારાજ)ને લઈને અનંત કારણો થયેલાં છે. પણ આ એક (શ્રીજીમહારાજ) કોઈના વડે થયેલા નથી. માટે ખરા કારણ તો એકમાત્ર શ્રીજીમહારાજ જ છે.”
Bapji Ni Vato અતિ મહત્ત્વની પાંચ વાત કરતાં તેઓએ કહ્યું કે, તમે બધા શ્રીજીમહારાજના સ્વરૂપની દૃઢતા માટે : (૧) સનાતન, (૨) સર્વોપરી, (૩) સર્વના કારણ, (૪) અવતારી, (૫) વ્યતિરેક સ્વરૂપ - આ પાંચ બાબતો પાકી કરી નાખો પછી તેમાં કદી ફેરફાર કરશો નહીં ! એમ કહી તેઓએ હરિભક્તોને પૂછ્યું, “અનંતકોટિ બ્રહ્માંડમાં સનાતન ભગવાન કેટલા ?” હરિભક્તોએ જવાબ આપ્યો, “એક !” ફરી પૂછ્યું, “એ સનાતન ભગવાન કોણ છે ?” ત્યારે હરિભક્તોએ કહ્યું, “સ્વામિનારાયણ ભગવાન !” વળી પૂછ્યું, “એમને ને તમારે શું સગું થાય ?” ત્યારે ફરી હરિભક્તોએ જવાબ દીધો કે, “સ્વામિનારાયણ ભગવાન અમારા બાપ છે !” આ જ રીતે પ.પૂ. બાપજીએ હરિભક્તોને બીજા પ્રશ્નો પૂછ્યા કે, “અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વોપરી સ્વરૂપ કેટલાં ? અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વના કારણ સ્વરૂપ કેટલાં ? અનંતકોટિ બ્રહ્માંડમાં સર્વ અવતારના અવતારી સ્વરૂપ કેટલાં ? અનંતકોટિ બ્રહ્માંડમાં વ્યતિરેક સ્વરૂપ કેટલાં ?” હરિભક્તો બોલ્યા, “એક જ !” મર્માળું મલકાતાં પ.પૂ. બાપજીએ કહ્યું, “આ પાંચ વાતો જીવમાંથી નક્કી કરી નાખો કે અનંતકોટિ બ્રહ્માંડમાં સનાતન સ્વરૂપ બે નથી, સર્વોપરી સ્વરૂપ બે નથી, સર્વ અવતારના અવતારી બે નથી, સર્વના કારણ બે નથી અને વ્યતિરેક સ્વરૂપ પણ બે નથી; એક જ છે. હવે બીજું બોલો : કેમ બે નથી ? અને એક જ કેમ છે ?” હરિભક્તો બોલ્યા, “મહારાજનું સ્વરૂપ કોઈનું બનાવેલું નથી, કોઈના વડે થયેલું નથી એટલે બે નથી; એક જ છે.” આ સાંભળી પ.પૂ. બાપજી પ્રસન્ન થઈ બોલી ઊઠ્યા, “લ્યો વગાડો તાળી. બસ મુક્તો, આટલી બાબતો જીવનમાં એવી દૃઢ કરી દો કે એમાં કોઈ ફેરફાર કરાવી શકે નહીં.”
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ વર્તનની દૃઢતા માટે ટકોરતાં કહ્યું કે, “શ્રીજીમહારાજનો આપણને વ્યતિરેક સંબંધ થયો પછી ખટકો રાખવો. સાક્ષાત્ સંબંધ થયો અને પછી ટી.વી. ચાલુ કરીને બેસીએ તો મહારાજ ભાળે કે ના ભાળે ? ભાળે જ.  પછી બહારનાં ભજિયાં-ફાફડા ખાઈએ, ગાળ્યા-ચાળ્યા વગરનું ખાઈએ તો એ બધું મહારાજ ભાળે કે ના ભાળે ? જો એવું કરે તો એ પછી અન્વયની લાઇનમાં જતો રહે, શું કીધું ?  સત્સંગ કરવો તો પૂરો કરવો, નિષ્ઠા પૂરી રાખવી અને નિયમેય પૂરેપૂરા પાળવા તો જ શ્રીજીમહારાજનો રાજીપો થાય.”
Bapji Ni Vato “તમે દૂધપાક ઘરે બનાવો તો એમાં શું શું નાખો ?” હરિભક્ત બોલ્યા, “ઇલાયચી, પિસ્તા, બદામ, ચારોળી.” પછી પ.પૂ. બાપજીએ કહ્યું, “કેસર હોય તો એય નાખો ! પણ ઝેર કોઈ દી’ નાખો છો ?” “ના.” “એમ અત્યારે મહારાજના મહિમાની વાતો કરીને આ દૂધપાક કરીએ છીએ પછી તમે ઘરે જઈને ટી.વી.-સિનેમા ને મોબાઇલ-ઇન્ટરનેટ આ બધું લઈ બેસો એ ઝેર નાખ્યું કહેવાય. આપણે તો શ્રીજીમહારાજને જે ગમે તે જ કરાય. આંખે કરીને મહારાજનાં દર્શન કરાય. કાને કરીને મહારાજની જ કથા સંભળાય પણ પછી સિનેમાનાં ગાયનો ના સંભળાય. વળી ઘનચક્કર ને ચક્રમ કોણ વાંચે ? એના જેવા હોય એ એવું વાંચે. આપણે તો વચનામૃત, બાપાશ્રીની વાતો વાંચવી. એમ પાંચે પ્રકારે (પાંચ વર્તમાન) જે મહારાજના નિયમમાં વર્તે અને નિષ્ઠા પૂરેપૂરી હોય એ જ સાચો ભક્ત છે.”
Bapji Ni Vato બે ઘડિયાળ જોડે પડી હોય એમાં એક ચાલુ હોય અને એક બંધ હોય અને કોઈ પૂછે કે આ બેય શું છે ? તો કહેશે, ઘડિયાળ ! હવે એકના કાંટા બંધ છે ને એકના ચાલુ છે. પણ બેયને કહેવાય શું ? ઘડિયાળ ! પણ આ બેયમાં સાચી કઈ ? સાચી ઘડિયાળ સાચો ટાઇમ બતાવે પરંતુ ખોટી ન બતાવે. તિલક-ચાંદલો અને કંઠીયુંવાળા બે જણા હોય તો બેયને શું કહેવાય ? બેયને સત્સંગી જ કહેવાય. પણ જેનામાં મહારાજની પૂરી નિષ્ઠા ના હોય અને નિયમેય પાળતો ના હોય તો તે પેલી ખોટી ઘડિયાળ જેવો કહેવાય. ખોટી ઘડિયાળનો સમય જોઈને બસ કે ગાડી (રેલવે) પકડાય ? અને કદાચ જાય તો પાછો જ આવે. પરંતુ સાચી ઘડિયાળ જોઈને જાય તો પાછો આવે નહીં. એમ ગાડીએ બેસવું એટલે ધામમાં જવું ! જેને મહારાજની પૂરેપૂરી નિષ્ઠા પાકી હોય અને પૂરેપૂરા નિયમ પાળતો હોય તો એ મહારાજના ધામમાં ઠેઠ પહોંચે જ અર્થાત્ છતે દેહે ધામમાં જ છે. પણ જેનામાં નિષ્ઠા કે નિયમનું ઠેકાણું ના હોય એ પાછો જ આવે ! આવી રીતે સાચા અને કહેવાતા સત્સંગીની ઓળખ શ્રીજીમહારાજની નિષ્ઠા અને નિયમથી થાય છે.
Bapji Ni Vato એક ભાઈએ ખેતરમાં બોરડીઓ વાવી. તેમાં મીઠાં બોર થયાં. પછી એણે વિચાર કર્યો કે જો બધી બોરડી મીઠી હશે તો લોકો મીઠાં બોર રહેવા દેશે નહીં. એટલે એણે ઝાંપા આગળ તથા સેઢા ઉપર ખાટી બોરડીઓ ઉગાડી. એક દિવસ એના ભાઈબંધને કીધું કે, ‘મારા ખેતરમાં બોર બહુ મીઠાં પાક્યાં છે તે તું ખાવા આવજે.’ એટલે તેનો ભાઈબંધ એક દિવસ બોર ખાવા એના ખેતરે ગયો. પણ તે દિવસે આ ખેતરવાળો મિત્ર હાજર નહિ એટલે એણે તો આગળથી જ બોરડીના બોર ખાવા માંડ્યાં. પણ ખાટાં ખાટાં લાગ્યાં એટલે એ ત્યાંથી જ પાછો વળ્યો. પછી પેલો ખેતરવાળો મિત્ર મળ્યો એટલે કહેવા માંડ્યો કે, ‘બોર તો ખાટાં હતાં. તેં કીધું એવું એકેય બોર મીઠું ન હતું.’ પેલાએ કહ્યું, ‘તેં આગળની બોરડીનાં બોર ખાધાં હશે. તું અંદર ગયો હોત તો અંદરની બોરડીનાં બોર મીઠાં છે. બહાર તો ખાટી બોરડી જ છે. એ તો કોઈ મીઠાં બોર ખાઈ ન જાય એટલે આગળ ખાટાં બોર ઉગાડ્યાં છે.’ એમ શાસ્ત્રમાં હલકા શબ્દો છે એ ખાટી બોરડીઓ છે અને ભારે શબ્દો છે તે મીઠી બોરડીઓ છે. શાસ્ત્ર વાંચે ને હલકા શબ્દો હાથમાં આવે એટલે કહેશે કે બોરડી ખાટી જ છે. લખાણમાં આવ્યું કે “અમે તો નરનારાયણના દાસ છીએ.” હવે આ શું ? ખાટી બોરડી ! અને અમદાવાદના ૭મા વચનામૃતમાં આવ્યું કે, “મારા સિવાય બીજો કોઈ સનાતન ભગવાન નથી.” તો આ મીઠી બોરડી. એમ શાસ્ત્રના હલકા શબ્દો ખાટાં બોર જેવા છે ને ભારે શબ્દો છે તે મીઠાં બોર જેવા છે. પરંતુ જે ઊંડા ઊતરે એને હાથમાં આવે. છતાં દુ:ખની વાત છે કે સત્સંગમાં મોટેભાગે ખાટાં બોર જ હાથમાં આવે છે અને ત્યાંથી જ પાછા વળી જાય છે. જેથી શ્રીજીમહારાજના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કોઈને થતી જ નથી.
Bapji Ni Vato “રૅશનિંગની દુકાને કાર્ડ લઈને ગયો, ધીમે ધીમે કાર્ડ ઉપર થોકડો થઈ ગયો. હવે આપણું કાર્ડ શે ઉપર આવે ? પણ દુકાનવાળાએ આવીને કાર્ડનો થોકડો ફેરવી નાખ્યો. હવે કાર્ડ પહેલું આવી જાય કે નહીં ? અનંત જન્મોનો થપ્પો થાય તોય સ્વામિનારાયણ હાથમાં આવે એવા નથી અને અનંત જન્મ કાર્ય સત્સંગ કરે તોય જીવમાંથી શિવ (અનાદિમુક્ત) થાય નહિ પણ આપણી ઉપર એમણે દયા કરી અને આપણો થોકડો ફેરવી નાખ્યો.” એમ કહી પ.પૂ. બાપજીએ પ્રશ્ન પૂછ્યો કે, “તળિયાનું કાર્ડ એટલે શું ? અને ઉપરનું કાર્ડ એટલે શું ?”  સભામાંથી કોઈકે ઉત્તર કર્યો કે, “તળિયાનું કાર્ડ એટલે જીવ અને ઉપરનું કાર્ડ એટલે શિવ (અનાદિમુક્ત). અમને જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્ત કર્યા.” સચોટ ઉત્તર મળતાં તેઓએ પ્રસન્ન થઈ રાજીપો આપતાં સૌને કહ્યું, “વગાડો તાળી. આપણું તળિયાનું કાર્ડ હતું પણ દયા કરીને મોટાપુરુષે થોકડો ફેરવી નાખ્યો એટલે ઉપર આવી ગયું ! પહેલો નંબર મહારાજનો અને બીજો નંબર આપણો. આ કૃપા સિવાય થાય ? જીવ સાવ તળિયે પણ મોટાપુરુષે હાથ ઝાલ્યો અને થોકડો ફેરવી નાખ્યો એટલે જીવમાંથી સીધો ઉપર અનાદિમુક્ત કરી દીધો. આહાહા... આ એમની અનહદ દયા નહિ તો બીજું શું !”
Bapji Ni Vato મિનિસ્ટરને મળવું હોય તો એના પી.એ. જોડે ઘર જેવા સંબંધ હોય તો લાઇનમાં ઊભા ન રાખે; સીધા લઈ જાય એમની પાસે. પણ જો એની હારે વાંધો પડેલો હોય તો ? લઈ જ ન જાય.  એમ કહી ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઠાકોરજીની મૂર્તિ સમક્ષ હાથનો લટકો કરી કહ્યું, “આ છે ને તે મિનિસ્ટર છે અને એમના સત્પુરુષ છે તે એમના પી.એ. છે. એટલે એમની સાથે સંબંધ બાંધો, એમને રાજી કરો તો એમની પાસે લઈ જાય; લાઇનમાં ઊભા ના રાખે. સીધો થોકડો ફેરવે તો પહેલો નંબર આવી જાય ? આપણું એવું જ કર્યું છે. હવે જીવ માનશો નહીં. આપણને અનાદિમુક્ત કર્યા છે.”
Bapji Ni Vato “ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા ધામના વાસી.” આ પંક્તિ બોલીને પ.પૂ. બાપજીએ સહુને પૂછ્યું, “આ ગુજરાતી કે અંગ્રેજી ? ઘેર બેઠા મળ્યા ગોલોકધામ વાસી, વૈકુંઠધામ વાસી, બદ્રિકાશ્રમધામ વાસી એવું નથી કીધું. અક્ષરધામના વાસી મળ્યા છે એમ આ શુદ્ધ ગુજરાતી !” “તપ રે તીર્થમાં હું કાંઈ નવ જાણું, સ્હેજે સ્હેજે રે હું તો સુખડાં રે માણું.” “આપણે બહુ તપ કર્યું હતું ? દિવસ ઊગતા પહેલાં નાસ્તો કરવા જોઈએ તેમ છતાં પતી ગયું કે નહીં ? અલ્યા, પતી ગયું કે પતી જશે ?” પછી ભક્તો એકસાથે બોલ્યા : “પતી જશે એમ નહિ, પતી ગયું.” આ સાંભળી પ.પૂ. બાપજીએ રાજી થઈને ફરી પૂછ્યું, “અલ્યા, આપણને મહારાજ મળશે કે નહિ મળે ?” ત્યારે હરિભક્તોએ કહ્યું, “મહારાજ મળી ગયા.” ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “બસ, એટલું જ ને ?” હરિભક્તો ફરી બોલ્યા : “અરે ! એમના જેવા પુરુષોત્તમરૂપ કર્યા.” આ સાંભળી પ.પૂ. બાપજીના મુખારવિંદ ઉપર પ્રસન્નતા ફરી વળી ને બોલ્યા, “વાહ ! મરદ વાહ !”
Bapji Ni Vato તમે એક વાર કોઈ વસ્તુને પાકી કરી એ પછી તમારા મોઢે એના માટે બીજો શબ્દ આવવો જ ના જોઈએ. એક વખત શબ્દ નક્કી કર્યા પછી દુનિયાના છેડે જઈએ તોપણ આપણા મોઢે એ જ શબ્દ આવવો જોઈએ. મને (પ.પૂ. બાપજીને) સાંભરતું નથી કે સદ્. મુનિસ્વામી પાસેથી જે શબ્દ સાંભળ્યો હોય પછી એકેય શબ્દ વધારાનો ગોઠવ્યો હોય. ૪૦ વર્ષ પહેલાં જે સાંભળ્યું હોય એ જ આજે હોય. સેમ રિપ્લાય.  આ તો ઘડીકમાં સુરોખાચર કહે અને ઘડીકમાં અલૈયોખાચર કહે તો સાંભળનારની દશા શું થાય ? અલૈયો એટલે અલૈયો અને સુરો એટલે સુરો. પણ વાત નક્કી કેમ થઈ નથી ? તો શાસ્ત્રના હજારો શબ્દોના હિલોળે બધાય ચડી ગયા છે. આમાં આમ લખ્યું છે ને !!! મહારાજ આવું બોલ્યા છે ને !!! વગેરે.  પણ એક વાત આપણે જો નક્કી કરી હોય કે સ્વામિનારાયણ ભગવાન અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ સનાતન ભગવાન છે ને બીજા સર્વે આધુનિક છે તો પછી ભલે ને જાત જાતનું લખાણ આવે તોય સમજણ ફરે જ નહીં. એવી રીતે ગુરુદેવ પ.પૂ. બાપજીએ વાતને સૉલિડ નક્કી કરવી ને પછી તેમાં ફેરફાર કરવો નહિ તે ઉપર ખૂબ વાતો કરી.
Bapji Ni Vato શાસ્ત્રમાં બધાય પ્રકારના શબ્દો હોય તેમાં હલકાય હોય અને ભારે પણ હોય. આમ બેય પ્રકારના શબ્દો હોય પણ તેને સમજી રાખવા પડે. તમે મંદિરમાં જાઓ ત્યારે તમારા ખિસ્સામાં પાકિટ હોય અને પગમાં જોડાય હોય. હોય કે નહીં ? એ પાકિટ ક્યાં મુકાય અને જોડા ક્યાં મુકાય ? એ સમજે છે એટલે પાકિટ મંદિરમાં લઈ જાય છે અને જોડા બહાર મૂકે છે. એવી રીતે હલકા શબ્દ જોડા જેવા છે અને ભારે શબ્દો પાકિટ જેવા છે. હલકા શબ્દ સામાન્ય પાત્રતાવાળા માટે છે અને ભારે શબ્દ સિદ્ધાંતિક હોય એટલે તેનું મહત્ત્વ વધુ છે. જોડાની જરૂર છે ખરી પણ એને બંગલાની બહાર ગોખલામાં રખાય ને પાકિટ અંદર તિજોરીમાં રખાય. તેમ ભારે શબ્દો છે તે જ આપણા માટે છે. ભારે શબ્દોનું જ વાંચન, મનન કરવું ને તેને જ અનુસરવું.
Bapji Ni Vato છાસ ને ઘીની બરણી લઈને જનારાના બે હાથમાં બરણી છે. એ ચાલતાં અચાનક પડી ગયો અને એણે ઘીની બરણી ઢોળાવા દીધી અને છાસની પકડી રાખી. હવે આ કેવો કહેવાય ? છાસની જરૂર છે પણ એ છાસને સાચવવા જાય તો ઘી જાય અને ઘીને સાચવવા જાય તો છાસ જાય તો બેમાંથી કઈ સચવાય ? ઘીની જ સચવાય. એમ આ જગત છે, જગતનાં પદાર્થો છે તે છાસની બરણી જેવાં છે અને સત્સંગ ઘીની બરણી જેવો છે. જો બેય સચવાય તો સારું પણ એકાદું જતું કરવું પડે તેમ હોય તો શાને જવા દેવાય ? પણ આણે તો છાસની બરણીની સજ્જડ મુઠ્ઠી વાળી છે ! તે કેમ ? તો બૈરાં, છોકરાં, સંબંધીઓ અનંત જન્મો ઊભા કરે એવાં છે એમાંથી હેત ટાળવાનું છે એના બદલે હેત કરે છે. અને જે અનંત જન્મના ફેરા ટાળે એવા સાધુ છે તે ઘીની બરણી જેવા છે પણ તેને ઢોળાવા દે છે અર્થાત્ સાધુમાં હેત કરવાનું છે પરંતુ એમાં કરતો નથી ને જગતમાં કરે છે. એમ મુક્તો, બેયની કિંમત નક્કી કરી રાખવી ને વખત આવે કોને રાખવા ? એ આવડવું જોઈએ.
Bapji Ni Vato માણસ સમજતો હોય કે જગત બધું ખોટું છે અને ભગવાન સાચા છે છતાંય જગતમાં હેત કરે છે અને કુટાય છે એને શું કહેવાય ? એને દી’નો દહમોડ (ભૂલેલો) કહેવાય. કોઈ માણસ ચાલ્યો જતો હોય અને રાત્ય હોય તો દિશા ભૂલી જાય તો તે ભૂલો પડે પણ જે દી’નો જ ભૂલો પડ્યો પછી એને કઈ જગ્યા હાથ આવે ? આ તો દૃષ્ટાંત થયું. એનો સિદ્ધાંત એ છે કે અંધારી રાત્ય હતી એટલે ભૂલો પડ્યો એમ જેને જગત સાચું જ મનાણું છે એ તો ભૂલો પડેલો જ છે પણ આ તો કહે છે કે જગત ખોટું છે અને ભગવાન સાચા છે અને છતાં એણે જગતમાં હેત કર્યું. હવે આ દી’નો ભૂલેલો કેમ સુધરશે ? એણે જગતમાં હેત કર્યું તો અનંત જન્મ ધરવા પડે માટે હવે અનંત જન્મ ટાળવા છે તો જગતમાંથી હેત ટાળી ભગવાનમાં હેત કરવું પડશે; આની ખબર હોય ને છતાંય એમાં કુટાતો હોય તો એ રાત્યનો નહિ, દી’નો દહમોડ કહેવાય.
Bapji Ni Vato શિક્ષાપત્રીમાં લખ્યું કે કૂવે ના પડવું. પછી શિક્ષાપત્રી ઝાલીને કૂવામાં પડવા જાય તો મહારાજ રક્ષા કરે ખરા ? પણ અંધારું હોય અને માણસ પડી જાય તો મહારાજ જરૂર રક્ષા કરે. પરંતુ શિક્ષાપત્રી ને દીવો હાથમાં હોય ને કૂવામાં પડે તો મહારાજ રક્ષા કરે કે ન કરે ? ના જ કરે. કારણ કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કૂવામાં ના પડવું એની ખબર છે અને વળી હાથમાં દીવો છે એટલે બધું ભાળે છે તોય પડે તો મહારાજ રક્ષા કેમ કરે ? આવું મારે કરાય અને આવું ન કરાય. આવું કરવાથી મહારાજ નારાજ થાય અને આવું કરવાથી મહારાજ રાજી થાય એવું જાણતો હોય અને જો આજ્ઞા લોપે તો એમાં મહારાજ ભેગા ના ભળે. એની રક્ષા ના કરે. પણ અજાણતા ભૂલ્ય થાય તો મહારાજ રક્ષા કરે જ છે. માટે બધું જાણતા થકા અને બધું દેખતા થકા મહારાજની આજ્ઞા લોપાય નહીં. જો લોપે તો ડબલ ચોંટે.
Bapji Ni Vato જે માણસ જાગતો હોય અને એને તમારે ઉઠાડવો હોય તો બહુ કઠણ છે. એને તમે આખો ઉપાડો તોય ઊં... ઊં... કરે પણ ઊઠે નહીં. અને ખરેખર ઊંઘેલો માણસ હોય તેને અમથા અડી જવાય ને તોય તરત જાગી જાય; ફડકી જાય ને હેં... શું ? કોણ ? એમ તરત કરે. હવે જેને ઊઠવું જ નથી તે શું કરે ? પડખાં ફેરવે પણ ઊઠે નહીં. એમ જેને મહારાજને અને મોટાને રાજી કરવા હોય તે રુચિ સમજીને તરત જ કરે ને જેને કંઈ કરવું જ નથી તેને પરાણે કરાવો તોય ના કરે.
Bapji Ni Vato સનાતન અને આધુનિક એમ ભગવાનના બે પ્રકાર છે પણ ભગવાન બે નથી. જેમાં આધુનિક ભગવાન અનંત છે અને સનાતન ભગવાન એક છે. પ્રશ્ન થાય કે પેલા અનંત થયા તો આ એક જ કેમ ? તો, સનાતન ભગવાન છે તે કોઈના કરેલા નથી કે કોઈના વડે થયેલા નથી એટલે એ એક જ છે. અને આધુનિક ભગવાન અનંત છે કેમ કે તેઓ સનાતન ભગવાનની સત્તાથી થયેલા છે અને રહેલા છે. જે બનાવેલા હોય તે એક ના જ હોય; તે અનંત જ હોય !! અને જે કોઈના બનાવેલા ન હોય એ એક જ હોય. સનાતનની ખબર પડે પછી આધુનિકનો ભાર રહે જ નહીં. પણ રહે છે એનું કારણ એ જ છે કે હજુ સુધી સનાતન અને આધુનિક ભગવાનની ચોખવટ સત્સંગમાં જુદી પડી જ નથી.