સમર્થ સદ્. નિષ્કુળાનંદ સ્વામી જેઓ ત્યાગ-વૈરાગ્યની મૂર્તિ કહેવાય. જેમણે વાતો-કીર્તનો દ્વારા મુમુક્ષુઓને ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ કરી, સંસાર અસાર કરાવી ભગવાનના માર્ગે-મોક્ષના માર્ગે વાળ્યા. પોતાનાં પૂર્વાશ્રમના પુત્ર જે માધવજી તેમને ઉપદેશ આપીને વૈરાગ્ય પ્રેર્યો અને સંસાર અસાર કરાવી મહારાજ પાસે દિક્ષા અપાવી ‘સાધુ ગોવિંદાનંદ સ્વામી’ નામ પાડ્યું. તેઓ સદ્. ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા. કેટલી ત્યાગ-વૈરાગ્યની તીવ્રતા હશે કે પોતે તો સાધુ થયા પણ પોતાના પુત્રને પણ વૈરાગ્ય કરાવી એને પણ સાધુ કર્યા.
એક વખત સદ્. નિષ્કુળાનંદ સ્વામી બોટાદ ગામના પાદરેથી પસાર થતા હતા. ગામના હરિભક્તો આગ્રહ કરી ગામમાં લઈ ગયા. નગરશેઠ ભગા દોશીએ મોટા સાધુ સમજી બિરંજની રસોઈ તૈયાર કરાવી. સદ્. નિષ્કુળાનંદસ્વામી જમવા બેઠા. ભાણામાં બિરંજ જોઈ જમ્યા વિના આંખો મીંચી બોલ્યા, “નિષ્કુળાનંદ, તું તો મોટા માણસોનો મહોબતી છે. મોટાનું મન સાચવ. બિરંજ જમ.” નગરશેઠ આ સાંભળી ગયા અને સ્વામીના દઢ વૈરાગ્યને સમજી બિરંજ લઈ લીધો. સ્વામીની માફી માંગી અને જારના રોટલા અને છાશથી સ્વામીને જમાડ્યા. ટૂંકમાં સ્વામીએ પોતાના દેહ સામું ક્યારેય જોયું નથી. ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર સ્વામી કોઈને કેવું લાગશે ? કેવું વિચારશે ? એ વિચાર્યા વગર સદૈવ મનનું અને દેહનું દમન કરતા રહ્યા. પોતાના માટે સુખ-સગવડ-વ્યવસ્થા ક્યારેય વિચારી જ નથી. જ્યાં-ત્યાં, જેમ-તેમ, જે-તે, જેવું-તેવું જ ચલવ્યું છે.
આપણને મળેલા દિવ્યપુરુષમાં પણ આવો જ દિવ્ય કલ્યાણકારી ગુણ જોવા મળે છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ક્યારેય સારું સારું જમવાની રુચિ-ઇચ્છા બતાવી જ નથી. ગામો ગામ વિચરણમાં જાય. હરિભક્તો શીરો-લાડુ-દૂધપાકની રસોઈઓ આપે. દિવ્યપુરુષ બનાવે પણ ખરા પરંતુ પોતે ન જમે. બીજાને સારું જમાડે પણ પોતે તો ખીચડી જ જમે. ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા, “અમે લાડુ-દૂધપાક-શીરો જમવા નથી આવ્યા, પરંતુ હરિરસ જમાડવા આવ્યા છીએ.” ૭૫ વર્ષની ઉંમરમાં ક્યારેય સામેથી સારું-સારું જમવાની ઈચ્છા બતાવી નથી. ક્યારેક સેવકો આપે છતાં અરુચિ બતાવે. વળી જીવનમાં જ્યાં ત્યાં, જેમ તેમ, જેવું તેવું જ ચલવ્યું છે. ગુરુપદે હોવા છતાં કોથળા ઉપર બેસી અનાજ સાફ કરે, કોઠારની સેવા કરે, પૂનમે શાક સુધારવા બેસી જાય. સ્હેજ પણ મોટપ જોવા ન મળે. જીવનના કેટલાય દિવસો એવા હશે કે માત્ર ખોખા (મગફળી) જમાડીને દા'ડા કાઢ્યા હશે. ખીચડી જમાડી દા'ડા કાઢ્યા હશે છતાં તે તરફ દષ્ટિ નહોતી. કારણ કે સિધ્ધાંતોના પ્રચાર અને પ્રસાર સામે દષ્ટિ હતી. તેથી અન્ય બાબતો ગૌણ થઈ જતી.
વળી, જેમ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્ઠાનાં પદો તૈયાર કર્યા છે. નિષ્ઠા દઢ કરાવવાનો સ્વામીનો જેવો આગ્રહ હતો તેવો જ અત્યારે વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં જોવા મળે છે. સદ્. નિષ્કુળાનંદ સ્વામીના પદો જેવા કે,
“વિધિ પર તે વૈરાટ કહીએ, તે પર પ્રધાનપુરુષ લઈએ ,
તે પર મૂળ પ્રકૃતિપુરુષ, તેથી ૫૨ અક્ષર સુજશ;
અક્ષર પર પુરુષોત્તમ જેહ , તેણે ધર્યું મનુષ્યનું દેહ,
તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહું વિચારોને મનમાંથી;
જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ.”
ભક્ત ચિંતામણિ પ્રકરણ -૭૭
“પછી બોલીયા પ્રાણજીવન, તમે સાંભળજો સહુ જન,
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ;
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત,
ભક્ત જગમાંહી છે જો ઘણા, ઉપાસક અવતાર તણાં;
જે જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે,
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.”
ભક્ત ચિંતામણિ પ્રકરણ -૭૯
આવી રીતે સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠાની ઘણી બધી વાતો કહી છે, કરી છે, લખી છે અને અનેકને સમજાવી છે. તે જ રીતે વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં પણ આ બાબત ખૂબ જ જોવા મળે. જે જોગમાં આવે તેને ભગવાન આપવાનો જબરજસ્ત આગ્રહ. ભગવાનના સ્વરૂપને ઓળખાવવાનો જબરજસ્ત આગ્રહ. જે મળે તેને પછી નવો હોય કે જૂનો પણ તેને ઠાંસી ઠાંસીને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા સમજાવી, બીજા બધાથી ખોટો કરાવી, ભગવાન પછી બીજો નંબર આપી, ટોચ ઉપર બેસાડવાનો જબરજસ્ત આગ્રહ જોવા મળે. એક હોય કે દશ હોય કે સો-પાંચસો હોય પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખે નિષ્ઠાની વાત તો આવી જ જાય. આમ, સદ્. નિષ્કુળાનંદ સ્વામીના દરેક ગુણોના દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે.