ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્. મુક્તાનંદસ્વામીના દર્શન

ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્.મુક્તાનંદસ્વામીના દર્શન

સદ્. મુક્તાનંદ સ્વામી એટલે ‘સત્સંગની મા.’

સદ્. મુક્તાનંદ સ્વામી ઉપર શ્રીજીમહારાજનો અપાર રાજીપો હતો. શ્રીજીમહારાજ અન્ય સર્વે સંતો માટેની પોતાની અપેક્ષા દર્શાવતાં કે, “અમારે સર્વે સંતોને સદ્. ગોપાળાનંદસ્વામી અને સદ્. મુક્તાનંદ સ્વામી જેવા કરવા છે.” શ્રીજીમહારાજે આપણને સમર્થ સદ્દગુરુ મુક્તાનંદ સ્વામી જેવા જ દિવ્ય પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીની અમૂલ્ય ભેટ આપી છે. એમના જેવા જ ગુણો અને સામર્થીના દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે.

 

૧) દાસત્વપણું-નિર્માનીપણું :

સદ્‌. મુક્તાનંદ સ્વામી એટલે દાસત્વભાવનું અને મહિમાનું સાક્ષાત્‌ સ્વરૂપ. સદ્‌. મુક્તાનંદ સ્વામી ખૂબ સમર્થ છતાંય અત્યંત સરળ, નિર્માની અને નિર્દોષ હતા. જેઓ પોતાના અસ્તિત્વનો સંપૂર્ણ પ્રલય કરી વર્તતા. અવરભાવમાં સદ્‌. મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજ કરતાં ૨૩ વર્ષે મોટા હતા છતાંય તેઓ શ્રીજીમહારાજ અને સર્વે સંતો-ભક્તો આગળ નિર્માનીપણું રાખતા.

નીલકંઠ વર્ણીએ આશ્રમમાં આવતા બાઈઓ-ભાઈઓની સભા અલગ કરવા કહ્યું, જે સદ્. મુક્તાનંદ સ્વામીએ પોતે ગુરુ સમાન અને ઉંમરમાં પણ નીલકંઠ વર્ણી કરતાં મોટા હોવા છતાં તુરત સ્વીકારી લીધું. વળી, આશ્રમની દિવાલમાં બાજુના ઘરમાંથી દેવતા (કોલસા) લેવા માટેનું ફાકું હતું તે પણ નીલકંઠવર્ણીની રુચિ મુજબ સ્વામીએ પૂરાવી દીધું. અહાહા..! કેટલુ નિર્માનીપણું ! કેટલો દાસભાવ ! નાનામાં નાની વાત-સૂચનનો સ્વીકાર કરવામાં નાનપ ન અનુભવી. એટલું જ નહિ સદ્.  રામાનંદ સ્વામી, નીલકંઠવર્ણી આવ્યા તે પહેલાં સદ્‌. મુક્તાનંદ સ્વામીને મહંતપદે સ્થાપ્યા હતા. તેમ છતાં રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને ગાદી સોંપી ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા અને હર્ષભેર વધાવી લીધું.

વળી, સ્વામી જ્યારે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછતા ત્યારે દાસભાવે બે હસ્ત જોડીને, “હે મહારાજ !” એમ ઉદબોધીને જ પ્રશ્ન પૂછતા. આમાં તેમના દાસત્વપણાનાં દર્શન થાય છે.

સદ્. મુક્તાનંદ સ્વામીના જેવા જ દાસત્વપણાના દર્શન આપણને મળેલા દિવ્ય પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે.

એકવાર ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિજાપુર ખાતે જ્ઞાન શિબિર અર્થે જવાનું થયું. સાથે એક સંત અને બે સાધકો હતા. વિજાપુર જતાં રસ્તામાં ‘સ્વામિનારાયણ ધામ’ ગાંધીનગર આવે. ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે જ્યારે વિજાપુર-કલોલ વિચરણ અર્થે પધારે ત્યારે અચૂક સ્વામિનારાયણ ધામ ઠાકોરજીના દર્શનાર્થે પધારે. આ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ પધાર્યા. અને એ વખતે અગાઉથી ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે પ.પૂ. સ્વામીશ્રીને બેસવાનું હતું. સત્સંગની સેવા બાબતે ૧૫ મિનિટ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા અને સંતઆશ્રમમાં જ ઠાકોરજીના દર્શન કર્યા. અને પ.પૂ. સ્વામીશ્રી પણ એ વખતે ત્યાં હાજર હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની બેઠક શરૂ થઈ. ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાથે આવેલ સંત અને સાધકો મંદિરના ઠાકોરજીનાં દર્શન કરી આવ્યા. આ બાજુ મિટીંગ અડધો ક્લાક જેવી ચાલી અને વિજાપુર સભાનો સમય થઈ ગયો હતો. એટલે મિટીંગ પતી ગયા બાદ તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે આવેલા સંત અને સાધકો ગાડીમાં બેસી ગયા ને વિજાપુર જવા નીકળી ગયા.

સ્વામિનારાયણ ધામથી લગભગ પાંચેક મિનિટનો રસ્તો પસાર કર્યો હશે ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સંત આશ્રમમાં ઠાકોરજીના દર્શન તો કર્યા પરંતુ મુખ્ય મંદિરમાં રહી ગયા.” ત્યારે પાસે રહેલા સંતો અને સાધકોએ કહ્યું કે, “બાપજી ! અમે દર્શન કર્યા. અને આપે તો સંત આશ્રમમાં ઠાકોરજીના દર્શન કર્યા જ છે. તો પછી મંદિરમાં કદાચ દર્શન રહી ગયા છે તો મહારાજ નારાજ નહીં થાય.”

જેમના જીવનમાં એક મહારાજનું મુખ્યપણું હોય તો તે દર્શન વિના કેમ રહી શકે ? ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત જ ગાડીમાં સામે મહારાજની મૂર્તિ હતી ત્યાં દાસભાવે બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી, “હે મહારાજ ! હે દયાળુ ! રાજી રહેજો. આપનાં દર્શન રહી ગયા છે. મને ક્ષમા કરશો.” જે અખંડ મૂર્તિના સુખમાં છે, જેના સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે, છતાંય અવરભાવમાં કેટલો અસ્તિત્વનો પ્રલય કરી વર્તે છે !

ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં આવા દાસત્વભાવના દર્શન થાય છે. જે અનંતને પ્રેરણારૂપ બને છે.

 

૨) મહારાજનું મુખ્યપણું :

સદ્. મુક્તાનંદ સ્વામીના જીવનમાં એક મહારાજનું જ મુખ્યપણું જોવા મળે. સૌરાષ્ટ્રનું કારેલી ગામ. એકવાર તે ગામના પાદરે સદ્.મુક્તાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામી સત્સંગ વિચરણ અર્થે નીકળ્યા. તે ગામમાં ખરાબીદાસ નામનો સ્વામિનારાયણનો દ્વેષી એક બાવો રહે. તેને જાણ થતા સંતો પાસે આવી પોતાના મઠમાં પધરામણી કરાવવાના બહાને સંતોને મઠમાં લઈ આવ્યો અને બંને સંતોને મઠમાં પૂરી દીધા. પછી પોતે દરવાજો બંધ કરી, બહાર ચોકમાં મોટો છરો લઈ ધાર કાઢવા બેઠો. ધાર કાઢતાં બોલતો જાય કે “આજે ઠીક સ્વામિનારાયણના મુંડિયા હાથ આવ્યા છે. આજે તો જરૂર તેમના નાક-કાન કાપી ભૂંડી દશા કરવી છે.”

આ બાજુ સદ્. મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને ખરા નિષ્કામભાવે પ્રાર્થના કરી મેરે તો તુમ એક હી આધારા...” દરમ્યાન તે વખતે તે જ ગામનો રાઘવજી નામનો આગેવાન તથા બળવાન માણસ ત્યાંથી નીકળ્યો. તેને આ વાતની ખબર પડતાં બાવા પાસે જઈ છરો ઝુંટવી તેને ગામ બહાર કાઢી મૂક્યો અને સંતોને સંકટમાંથી મુક્ત કર્યા. સદ્‌. મુક્તાનંદ સ્વામીએ સદ્. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, “ આપણે જો એક શ્રીજીમહારાજનો જ આધાર રાખ્યો તો મહાપ્રભુએ આપણી રક્ષા કરી.” સદ્. મુક્તાનંદ સ્વામીની જેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં પણ આવા જ મહારાજના મુખ્યપણાનાં દર્શન થાય છે.

વર્ષો પહેલાંની વાત. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને સાથે એક સંત સત્સંગ વિચરણ અર્થે ટ્રેનમાં જઈ રહ્યા હતા. સામે બેઠેલા સ્વામિનારાયણના દ્વૈષી એક બાવાજીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તથા એક સંતને જોતાં જ માંહી દ્વૈષભાવ જાગૃત થયો. તેથી આવેશમાં આવી ન બોલવાના શબ્દો બોલવાનું ચાલુ કર્યુ.

આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને કોનો ભય હોય ? પણ સંતોથી સામે ગમે તેમ તો બોલાય નહિ ને વર્તાય પણ નહીં. તેથી સદ્. મુક્તાનંદ સ્વામીની જેમ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ગદ્-ગદ્ભાવે પ્રાર્થના ચાલુ કરી, “મેરે તો એક તુમ હી આધારા. હે મહારાજ ! આ બાવો આપને વિષે અપશબ્દો બોલે છે તો દયા કરી તે બંધ કરાવો. નહિતર અન્યને અમહિમા થશે.” શ્રીજીમહારાજે અચાનક ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે બેઠેલા દરબારને પ્રેરણા કરતાં તેણે બાવાજીને ધમકાવતા તે ચૂપ થઇ ગયો.

ગુરુવર્ય ૫.પૂ. બાપજીએ પાસે બેઠેલા સંતને કહ્યું કે, “આપણે એક શ્રીજીમહારાજનો જ આધાર રાખ્યો તો મહારાજે આપણી રક્ષા કરી. માટે આપણે કદી કોઈ વ્યક્તિ કે પદાર્થનો આધાર ન રાખવો.

 

૩) સાધુતાની મૂર્તિ :

સદ્‌. મુક્તાનંદ સ્વામી એટલે જાણે સાધુતાની મૂર્તિ જ જોઈ લ્યો. તેમના જીવનમાં નિષ્કામ, નિર્લોભ , નિઃસ્વાદ આદિ સંતોના પંચવર્તમાનની દઢતા તથા સાધુતાના સર્વે ગુણોનાં દર્શન થતાં. સદ્‌. મુક્તાનંદ સ્વામીના પૂર્વાશ્રમના બહેન ધનબાઈ હતા. તેમને પૂર્વાશ્રમથી જ સ્વામી પ્રત્યે અપાર સ્નેહ હતો. ધનબાઈએ સ્વામીને પાછા વ્યવહારમાં લઈ જવા ખૂબ પ્રયત્નો કરેલા પણ તેમનો તીવ્ર વૈરાગ્ય જોઈ તે નિષ્ફળ ગયા.

એકવાર તેઓ ગઢપુર આવ્યા. દાદાખાચરના દરબારમાં બિરાજમાન શ્રીજીમહારાજ પાસે આવી વિનંતી કરી કે, “મારે કલ્યાણની ખૂબ ઈચ્છા છે. વળી, મને સદ્‌. મુક્તાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા છે. માટે આપ તેમને આજ્ઞા કરો. કે  જેથી તેઓ મને ઉપદેશ કરે.”

મહાપ્રભુજીએ કહ્યું કે, “અમારા સંતથી સ્ત્રીઓના સંબંધમાં આવવાની મનાઈ છે. છતાં તમારો આવો કલ્યાણનો ખપ છે તો તમે પડદા પાછળ રહી, સ્વામીની વાતો સાંભળી શકશો. ત્યારે સદ્‌. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે, “હે મહારાજ ! આપ રાજી રહેજો. મને સભામાં સ્ત્રીને ઉદેશીને કથાવાર્તા કરવાનું કહો છો પરંતુ આપની પંચવર્તમાનની આજ્ઞા અને રુચિ બહાર હું નહિ વર્તું.” મહાપ્રભુ તેમની દઢતા જોઈ રાજી થયા.

સદ્‌ મુક્તાનંદ સ્વામી જેવી જ સાધુતાની મૂર્તિ સમા ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં પણ એવી જ સાધુતાના દર્શન થાય છે.

એકવાર જૂનાગઢની પંચતિથિ દરમ્યાન જામનગર જિલ્લાના કાલાવાડ ખાતે હરિમંદિરમાં માઈક વિના ગુરુવર્ય પ.પૂ. બાપજી કથામૃતપાન કરાવતા હતા. સભામાં બેઠેલા એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને સહજભાવે કહ્યું કે, “આપ માઇક નહિ હોવાથી થોડે મોટેથી વાતો કરો તો મહિલાઓને પણ કથા સંભળાય.” આ સાથે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા કરવાનું બંધ કરી દીધું. કારણ કે, શ્રીજીમહારાજની આજ્ઞા છે કે સ્ત્રીઓને ઉદ્દેશીને કથાવાર્તા પણ ન કરવી. આવી નિયમધર્મની દઢતા સહેજે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં વણાયેલી જોવા મળે.

એકવાર જૂના મંદિરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે એક કલેક્ટર હોદ્દાના હરિભક્ત કથા સાંભળવા આવ્યા હતા. તેમણે એકાદશી હોઈ, ગુરુવર્ય પ.પૂ. બાપજીને ફરાળ માટે રોકડ રકમ આપવા માંડી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તત્કાળ તે લેવાની ના પાડી ને સ્પષ્ટતા કરતાં જણાવ્યું, “શ્રીજીમહારાજની આજ્ઞા છે કે, ધન રાખવું નહિ કે રખાવવું પણ નહી. તેમજ અડવું પણ નહી. તમારી ઇચ્છા હોય તો તમે ફરાળ માટે કાચુ સીધુ સામાન લાવી આપો.” એ દિવસોમાં કોઈ ખીચડી લાવી આપનાર નહોતું છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કોઈ પ્રકારનો લોભ ન રાખ્યો. મહાપ્રભુની પંચવર્તમાનની આજ્ઞામાં અડગ રહ્યા.

 

૪) સત્સંગની મા :

આલોકમાં જેમ માતા તેના બાળકને હૂંફ-પ્રેમ આપે, એની પ્રગતિ માટે સાચી સમજણ કરાવે. બાળકને કંઈ પણ દુઃખ, તકલીફ આવે તો તે પોતે સહન કરે અને પોતાના દીકરાઓને સુખી કરે. તેમ શ્રીજીમહારાજથી પણ અવરભાવમાં જે ઉંમરમાં મોટા એવા સદ્. મુક્તાનંદ સ્વામીને “સત્સંગની મા' તરીકેનું બિરુદ આપેલું. સમગ્ર સંત-હરિમક્ત સમાજની જવાબદારી તેમને સોંપી હતી.

સદ્. મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેવા સૌ સંતો રાજી થતા. સ્વામી સંતોને બહુ સાચવતા.

એક વખત સંતો સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરતા હતા. મહારાજે સંતોને નિયમ આપેલો કે કંઈ ગળ્યું-ચીકણું જમવું નહીં. વિચરણ દરમ્યાન એક વખત કંઈ સીધું-સામાન મળ્યું નહિ અને પરિણામે સંતોને બે દિવસના ઉપવાસ થયા. ત્રીજા દિવસે કોઈ મુમુક્ષુએ સંતોને જોયા અને પોતાને ઘેર લઈ ગયા. રાત્રે લગભગ ૧૧ વાગ્યાનો સમય હતો. અને પછીના દિવસે નકોરડી એકાદશી હતી. વળી બીજુ કંઈ બનાવવાનો સમય નહોતો તેથી જલ્દી ખીચડી બનાવી દીધી. પેલા મુમુક્ષુએ જાણ બહાર ખીચડીમાં ઘી નાંખી દીધું. સંતોના પત્તરમાં ખીચડી પીરસાઈ ગઈ. એવામાં સદ્. આત્માનંદ સ્વામી એકદમ ઊભા થઈ ગયા અને બોલી ઊઠ્યા, “સંતો ઊભા રહો. કોઈ જમશો નહીં. ખીચડીમાં ઘી છે.”

એક બાજુ ગળ્યું-ચીકણું ન જમવું એવી શ્રીજીમહારાજની આજ્ઞા હતી પણ બીજી બાજુ સંતોને બે-ત્રણ દિવસના ઉપવાસ હતા. અને આજે ખીચડી મળ્યા પછીના દિવસે નકોરડો ઉપવાસ હતો. આથી દયાળુ મૂર્તિ એવા સદ્‌. મુક્તાનંદ સ્વામીએ સંતોને કહ્યું, “સંતો, તમે બધા જમો. શ્રીજીમહારાજ કદાચ વઢે તો એની જવાબદારી મારી. ભલે ખીચડીમાં ઘી છે પણ આજે તો તમે જમો. ચાલો હું પણ જમું છું.” સદ્‌. આત્માનંદ સ્વામી ન જમ્યા પરંતુ સદ્. મુક્તાનંદ સ્વામી અને બીજા બધા સંતો જમ્યા.

ગઢપુર આવી સદ્. આત્માનંદ સ્વામીએ મહારાજને ઉપરોક્ત બાબતની જાણ કરી પરંતુ સર્વ વિગત જાણી મહારાજ સદ્. મુક્તાનંદ સ્વામી ઉપર રાજી થયા ને કહ્યું કે, “વાહ સ્વામી વાહ ! તમે તો સત્સંગની મા છો. તમને સંતોને સાચવતા આવડે છે.” એમ કહીને બાથમાં ઘાલી મળ્યા ને રાજીપો દર્શાવ્યો.

સદ્. મુક્તાનંદ સ્વામીની જેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ માતૃવાત્સલ્ય ભાવથી સંતોનું જતન કરે છે. અને કોઈને તકલીફ ન પડે તે માટે સમયે સમયે સેવામાં મદદરૂપ થાય છે. 

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી હંમેશ મુજબ બપોરે ૩:૩૦ વાગ્યે જાગ્યા. નાહી-ધોઈ આવીને ખુરશીમાં બેઠા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત થોડી નાદુરસ્ત હતી. ગુરુવર્ય ૫.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત હોઈ ફ્રૂટ્સ જમવાનો સમય થઈ ગયો હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીની સેવામાં રહેલ સેવક સંત ફ્રૂટ્સ સુધારીને લાવ્યા. પરંતુ તેમણે ફળોનો એક ટૂકડો પણ મુખમાં ન મૂક્યો અને પાસે બેઠેલા સેવકોને પ્રસાદો આપવા લાગ્યા.

સેવકોએ ના પાડી અને કહ્યું, “દયાળુ, આપને તકલીફ છે. આપ પહેલાં જમાડો.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા , “તમે બધા અમારા દીકરા છો. દીકરાને પહેલા જમાડવું જોઈએ.” એટલું કહી સેવક સંતને તડબૂચનો ટુકડો આપ્યો. પાસે બેઠેલા બધા સેવકોએ એકમાંથી પ્રસાદી વહેચી લીધી. છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આગ્રહ કરતા કહ્યું,“ બધાય એક એક ટુકડો લો. વધે તે મારા માટે લઈશ.”

એમ આગ્રહ કરી સૌને તડબુચની પ્રસાદી આપવા લાગ્યા. પછી સેવકોએ આગ્રહ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડ્યા. કેવો માતૃવાત્સલ્ય પ્રેમ ! કેવી મા સમાન મમતા !