ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીના દર્શન

ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્.ઈશ્વરચરણદાસજી સ્વામીના દર્શન

સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી સદ્‌. ગોપાળાનંદ સ્વામી, સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી જેવા જ મહા સમર્થ અનાદિમુક્ત હતા. તેમના સમાગમથી, તેમના વચનથી, દષ્ટિથી અને સંકલ્પથી અનેક મુમુક્ષુઓ, શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા દ્રઢ કરી, છતે દેહે જ, મૂર્તિસુખના ભોક્તા બન્યા હતા. એટલું જ નહિ પરંતુ સદ્‌. ઈશ્વરબાપા વચનામૃતના અજોડ જ્ઞાતા અને સમર્થ વક્તા હતા. ગમે તેટલો મહાન શાસ્રજ્ઞ હોય, જ્ઞાની હોય, વિધ્વાન હોય પણ સદ્‌. ઈશ્વરસ્વામી સાથે વાદવિવાદમાં ઝાંખો પડી જતો એટલું જ નહિ પરંતુ પોતાની વિધ્વત્તાનું માન કે ઘમંડ ત્યજી હાર કબૂલી લેતો, તેમનું શરણું સ્વીકારી લેતો.

 

૧) વિદ્વતા :

એક વખતે અમદાવાદની કાલુપુર મંદિરની સભામાં એક વિદ્વાન આવ્યો. તે અનેક શાસ્ત્રોનો અભ્યાસી અને જ્ઞાતા હતો. તેણે અનેક વિદ્વાનોને વાદ-વિવાદમાં હરાવ્યા હતા. તેથી તેને પોતાના જ્ઞાનનું-વિદ્ધતાનું અભિમાન હતું. પોતાને સર્વ શ્રેષ્ઠ વિદ્વાન અને જ્ઞાની માનતો. સભામાં બેઠેલા બધા સંતો વચ્ચે ઊભા થઈ પડકાર ફેક્યો કે, “આ બધા સધુઓમાં કોઈ વિદ્વાન છે કે નહિ ? મારે તેની સાથે સંસ્કૃતમાં ચર્ચા કરવી છે.”

તે વિદ્ધાનના ઉપરોક્ત પડકાર સાંભળી, તે સભામાં બેઠેલા આપણા મહાસમર્થ સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી બોલ્યા કે, “ભાઈ, તમારે સંસ્કૃતમાં ચર્ચા કરવી છે ને ? (સદ્‌ગુરુશ્રી કોઈ સંસ્કૃત પાઠશાળામાં અધ્યયન કરવા નહોતા ગયા. અવરભાવમાં સદ્‌ગુરુશ્રી કોઈ ‘પુરાણી’ કે ‘શાસ્ત્રી’ની પદવી નહોતા પામ્યા.) 

આપણે ચર્ચા કરીએ તે પહેલાં તમે મારા પ્રશ્નનો ઉત્તર કરો.” એમ કહી સદ્‌ગુરુશ્રીએ ગ.પ્ર. ૪૧મું વચનામૃત કાઢી સંસ્કૃતનો શ્લોક બોલી તેનો ઉત્તર કરવાનું કહ્યું, ત્યારે તે વિદ્વાને તેનો અર્થ કર્યો, “એક બ્રહ્મ જ બધે સભર ભર્યો છે.- એટલે કે આ બધું બ્રહ્મ જ છે.” એમ કહ્યું.

પછી સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “બ્રહ્મ કોની દૃષ્ટિમાં છે ?”

વિદ્વાન બોલ્યા, “આપણી બધાની દષ્ટિમાં.”

ત્યારબાદ સદગુરુશ્રીએ ગ.પ્ર. ૪રમું વચનામૃત કાઢી તેને વંચાવ્યું. “જેમ કોઈ મોટું વહાણ સમુદ્રમાં એક વર્ષ સુધી ચાલ્યું જાય તે વહાણમાં બેઠેલા જે હોય, તેને આગલો કાંઠો કે પાછલો કાંઠો દેખ્યામાં ન આવે. ઉપર નીચે જ્યાં જુએ ત્યાં એકલું જળ જ દેખે. તેની દૃષ્ટિમાં એક જળ જ છે, પણ કાંઠે ઊભેલાને બધું જ છે. તેમ જેને બ્રહ્મ સ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજા જીવ, ઈશ્વર ને માયા આદિક સર્વે તે મિથ્યા છે.” આમ આ વચનામૃત વાંચી રહ્યા પછી સદ્દગુરુશ્રીએ તે વિદ્વાનને પૂછયું, “તમારી આવી નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે ? તમને તમારો દેહ, ગેહ, કુટુંબ- પરિવાર, સગાં-સંબંધીમાંથી પ્રીતિ તૂટી છે ?”

વિદ્વાને કહ્યું - “ના”. સદ્‌. ઈશ્વર સ્વામીએ કહ્યું, “તો તમને આ બધું બ્રહ્માંડ કેવી રીતે બ્રહ્મ સભર ભર્યું લાગે છે? હજુ તમારા દેહ-અને દેહનાં સંબંધીઓમાંથી પણ તમને આસક્તિ ટળી નથી અને “બધુ બ્રહ્મ સભર” કેમ કહો છો ?”'

આ સાંભળી તે વિદ્વાને સમગ્ર સભા વચ્ચે પોતાની હાર કબૂલી અને શરમીદો બની બેસી ગયો. કેવું સદ્‌. ઈશ્વરસ્વામીનું સામર્થ્ય ! આપણને મળેલા આપણા ગુરુવર્ય પ.પૂ.બાપજી પણ આપણા આ સદગુરુશ્રીની જેમ તેમના જેવા જ વચનામૃતના આચાર્ય છે. સંપ્રદાયમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથે વચનામૃતના જ્ઞાનની ચર્ચામાં ગમે તેવા પુરાણી, આચાર્ય, શાસ્ત્રી કે વિદ્વાન હોય તો પણ તે ગુરુવર્ય પ.પૂ.બાપજીની સામે ન આવી શકે.

સંપ્રદાયના અનેક જ્ઞાની અને વચનામૃતના જ્ઞાનથી તરબોળ બનેલા અનેક સદગુરુશ્રીઓનો સમાગમ કરનાર અનેક ભક્તો અત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્વારા વચનામૃતના જ આધારે “શ્રીજીમહારાજની સ્વરૂપ નિષ્ઠા એટલે કે સર્વોપરી, સર્વાવતારી અને એક જ સનાતન ભગવાન એક ને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન જ છે.”' તેવી દઢતા કરે છે. સમગ્ર સમાજ આજે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સમાગમ કરી છતે દેહે જ પોતાના આત્યંતિક કલ્યાણને પામી રહ્યાનો, અનાદિમુક્તની સ્થિતિનો,, અવરભાવમાં સમજણનો અને કેટલાક ભક્તો તે સ્થિતિનો પણ આનંદ માણી રહ્યા છે.

વળી, અનેક મુક્તોએ દિવ્ય વચનામૃત ગ્રંથની કેટલીયે પારાયણો કરી હશે. અનેક શાસ્ત્રી, પુરાણી કે વિદ્ધાન સંતોના મુખે વચનામૃત સાંભળ્યાં, જાણ્યાં અને સમજ્યાં હશે પરંતુ તેનાં તે જ વચનામૃતો ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખેથી સાંભળવામાં અને સમજાવવામાં આવતાં તેમને તે નવા અને અનેક ગૂઢાર્થ અને રહસ્યથી ભરેલાં લાગે.

એટલું જ નહિ પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખેથી જ જે વચનામૃતો સાંભળ્યાં અને સમજ્યા હોય તેનાં તે જ ફરીથી બાપજીના મુખેથી સાંભળતાં પહેલા કરતાં બીજા નવા અર્થ-ગૂઢાર્થ તેમાંથી જાણવા અને માણવા મળે.

 

૨) આયુષ્ય ન હોય તો પણ રાખે :

ગામ મેથાણવાળા પટેલ કેશવજીભાઈને મંદવાડમાં એક વખતે શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “ચાલો તમને અમે ધામમાં તેડી જવા આવ્યા છીએ. કેમ આવવું છે ને ?” એ વખતે સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ કહ્યું કે “આમને હમણાં રાખો તો ઠીક.” આથી મહારાજ તેમને એ વખતે રાખી ગયા અને મંદવાડ હતો તે ધીરે ધીરે જતો રહ્યો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના અનેકાનેક પ્રસંગોમાંનો આવો એક વિશિષ્ટ પ્રસંગ છે.

ઈ.સ. ૨૦૦૨, મે માસમાં વડોદરા સ્થિત ભરતભાઈ પટેલના પિતાશ્રી ચતુરભાઈને હૃદયની ખૂબ જ મોટી બીમારી થઈ હતી. તે સમયે તેમની ૭૫ વર્ષની ઉંમર હતી. તેઓ લગભગ એક મહિના સુધી આ બીમારી સહન કરતા રહ્યા. પછી એક હાર્ટ સ્પેશ્યાલિસ્ટ (હૃદયના નિષ્ણાત) ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે હૃદયનો રિપૉર્ટ કઢાવવાનું સૂચવ્યું. જેના પરથી ડૉક્ટરે નિદાન રજૂ કરતાં જણાવ્યું કે, “હૃદય પહોળું થઈ ગયું છે. આ કેસ ફેઇલ છે. બચવાની કોઈ શક્યતા નથી.”

ભરતભાઈ તો ચિંતામાં મુકાઈ ગયા. ત્યારપછીના એક અઠવાડિયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણ દરમ્યાન વડોદરા મંદિરે પધાર્યા ત્યારે ભરતભાઈએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેમના પિતાશ્રીની બીમારી અંગે વાત જણાવી.

એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત જ પૂછ્યું કે, “ચતુરભાઈને હજુ રાખવા છે કે ધામમાં લઈ જવા છે ?”

ભરતભાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી કે, “બાપજી, આપ હમણાં રાખો તો સારું.”

આટલું સાંભળતાં જ અતિ દયાનિધિ સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદનું દાન કરતાં કહ્યું કે, “જાવ, તમારા પિતાશ્રીને મહારાજ રાખશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદથી મહારાજે ચતુરભાઈને આ લોકમાં રાખ્યા.

આ રીતે અત્યારે આપણા સદ્દ. ઈશ્વરબાપા જેવા દિવ્ય ગુણોનાં દર્શન આપણને મળેલા ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં થાય છે.