ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સદ્. ગુણાતીતાનંદસ્વામીના દર્શન

ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં સદ્.બ્રહ્માનંદસ્વામીના દર્શન

સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી એટલે સર્વોપરી ઉપાસનાના પ્રવર્તક, સાધુતાથી છલકાતું સ્વરૂપ, દાસત્વભાવની મૂર્તિ, અજોડ ખુમારીથી મઘમઘતું સ્વરૂપ. ગુરુવર્ય ૫.પૂ. બાપજીમાં પ્રસંગોપાત થતા સદ્. ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરીએ.

“ગુણાતીતાનંદ સ્વામી કેવા, વાત અલૌકિક ન્યારી;

સંત હરિજન જાણો તમે, કેવો પ્રતાપ ભારી.

કથાવાર્તાના ચાલે અખાડા, સોપો ન પડે ક્યારે;

વિષય વ્યસન વ્હેમ છોડાવી, નિષ્ઠા દઢ કરાવે.

શ્રીનગરમાં વાતો કરે સ્વામી, શાસ્રથી પરની ભારી;

ગોપાળાનંદ સ્વામી બોલે, સ્વામીને છૂટી આપી.

ધનપતિ મોટા સદાશિવ, શિવલાલ વાઘજીભાઈ;

હાડકાં કોણ ચાવે એમ કહી, ચોખ્ખા કરે હરખાઈ.

શેહ-શરમ ને મહોબત કેવી, રોકે-ટોકે નિજ જાણી;

ચોખ્ખા કરી પોતા જેવા, શ્રીજીરૂપ કરે વાણી.

ધરમ લોપીને જાવું નહિ હું, બાઈઓની સભામાં કયારે;

ધરમ લોપીને વિમુખ નહિ થાવું, વિમુખ થયા ત્યારે.

એવા ગુણલાં ઘણા ગણાવું, ગુરુ મહિમા જાણો;

બાપજી મારા ગુરુજી એવા, ગુરુ મહિમા માણો.”

 

૧) કથાવાર્તાનો સોપો કદી પડવા દીધો જ નથી :

સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ એક સમયે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો, “હે મહારાજ ! સત્સંગમાં આપનો રાજીપો ત્રણ બાબત ઉપર વધુ જણાય છે. જેમાં એક તો માંદાની સેવા કરવી, બીજું ધ્યાન કરવું અને ત્રીજું મહિમાની વાતો કરવી. પરંતુ આ ત્રણમાં આપનો વિશેષ રાજીપો શાના ઉપર છે ? ત્યારે શ્રીજીમહારાજ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે, “સ્વામી ! માંદાની સેવા કરવી અને ધ્યાન કરવું આ બે કરતાં મહિમાની વાતો કરવી એમાં અમારો રાજીપો વિશેષ છે. માટે તમે નિરંતર મહિમાની વાતો કર્યા કરજો એ અમારી તમને આજ્ઞા છે.”

શ્રીજીમહારાજની આ રુચિ મુજબ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે જે દિવસથી જૂનાગઢની મહંતાઈ સોંપી તે દિવસથી સ્વામીએ કદી જૂનાગઢમાં કથાવાર્તાનો સોપો પડવા દીધો જ નથી. એક એકને ઝાલી ઝાલીને સ્વામીએ મહારાજ અને મોટાપુરુષનો મહિમા કહ્યો છે. હજારો હરિભક્તોનું આકર્ષણ સ્વામી બની ગયા હતા. દેશોદેશથી હજારો હરિભક્તો સ્વામીની વાતું સાંભળવા ઉમટતા હતા.

“૨૦૦ વર્ષ પહેલાંનો એ સમય હતો જ્યારે એવું કહેવાતું કે કથાવાર્તાનો લાભ લેવો હોય તો જાવ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે. વર્તમાનકાળે ફરી એ સમય નિર્માણ પામ્યો છે. આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય એવું સમજે છે અને બોલે છે કે જો ખરેખર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું હોય અને મહિમાની વાતો સાંભળવી હોય તો જાવ વાસણા સદ્‌ગુરુ દેવનંદન સ્વામી( ગુરુવર્ય ૫.પૂ. બાપજી) પાસે.”

સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ ચલાવેલી આ પરંપરા વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જાળવી રાખી છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કદી કથાવાર્તાનો સોપો પડવા દીધો જ નથી. નથી જોયું પોતાના દેહ સામું, નથી જોયા રાત્રિ-દિવસ, નથી જોયું માન-અપમાન સામું. બસ, નિરંતર કથાવાર્તાનો અખાડો ચાલુ જ રાખ્યો છે. ૮૦ વર્ષના એક ડોસાથી સત્સંગ વધારવાનો પ્રારંભ કર્યો હતો. અને આજે હજારો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના નિયમ, નિષ્ઠાએ યુક્ત બન્યા છે. એક મોટું વટવૃક્ષ ખૂબ જ ટૂંકા સમયગાળામાં નિર્માણ પામ્યું છે તેનું મૂળ કારણ એ જ છે કે ગુરુવર્ય ૫.પૂ.બાપજીએ કદી કથાવાર્તાનો સોપો જ પડવા દીધો નથી.

 

૨) એ તો પરવાનો લઈને આવ્યા છે :

શ્રીજીમહારાજના પ્રાગટ્યના છ હેતુઓમાંનો મુખ્ય હેતુ હતો, “અનંત અવતારોને અને અવતારોના ભક્તોને પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના સમજાવી, આત્યંતિક કલ્યાણના મોક્ષભાગી કરવા.” શ્રીજીમહારાજના આ સર્વોપરી સંકલ્પને પ્રવર્તાવવામાં મહત્વનો ફાળો જો કોઈનો રહ્યો હોય તો એ હતા સદ્. ગોપાળાનંદ સ્વામી અને સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી. બંને સદ્‌ગુરુશ્રીઓ શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ વાતો કરતાં પરિણામે તેમને સંપ્રદાય આખો ખૂણિયા જ્ઞાનવાળા કહેતો. એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ શહેરમાં બિરાજી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. સાહજિકતાએ સદ્. ગુણાતીતાનંદ સ્વામી સર્વાપરી ઉપાસના અને વિષયખંડનની વાતો વિશેષ કરતા. અમદાવાદમાં પણ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સર્વોપરી ઉપાસનાની ખૂબ ઉંચી વાતો કરી. પરંતુ સભામાં બેઠેલા કેટલાક વિદ્વાન સંતોને આ ગમ્યું નહી. તેમણે સદ્. ગોપાળાનંદ સ્વામીને ફરિયાદ કરતા કહ્યું કે, “ આ સદ્. ગુણાતીતાનંદ સ્વામી સભામાં શાસ્ત્રોથી પરની વાતો કરે છે. જે યોગ્ય નથી માટે તેમને શાસ્ત્રોથી પરની વાતો ન કરવી એવી આજ્ઞા કરો.” ત્યારે સદ્‌. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, “ વિદ્વાનો ! એ બધાં શાસ્ત્રો તમને બાધ કરે. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને ન કરે. એમને તો શ્રીજીમહારાજે એ વાતો કરવાનો પરવાનો લઈને મોક્લ્યા છે. માટે એવી વાતો જરૂર કરશે.”

સદ્. ગોપાળાનંદ સ્વામીની અમીરપેઢીના વારસદાર એવા સમર્થ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પણ શ્રીજીમહારાજે અને સદ્. ગોપાળાનંદ સ્વામીએ સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને મોકલ્યા હોય તેવા દર્શન થાય છે. ભૂતકાળમાં એ સમય હતો કે જ્યારે સદ્‌. ગોપાળાનંદ સ્વામી અને સદ્. ગુણતીતાનંદ સ્વામી જેવા સદ્‌ગુરુશ્રીઓને પણ સર્વોપરી ઉપાસનાની વાતો કરવી હોય તો ખૂણામાં લઈ જઈને કરવી પડતી અને એટલે જ તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાતા.

પરંતુ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંપ્રદાયના વિરોધોના વંટોળો સામે ઝઝૂમીને પણ સર્વોપરી ઉપાસનાની વાતો છડે ચોક વહેતી મૂકી છે. હજારો અને લાખોની સભા ભરાઈને બેઠી હોય તેમાં પણ કોઈની મહોબત રાખ્યા વિના ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાની વાતો ખુલ્લે આમ કરી છે.

એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો, “બાપજી ! આપની પાસે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે આપની કથામાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણની જ સર્વોપરી નિષ્ઠાની વાત આવે છે અને બીજા વક્તાઓની કથામાં પરોક્ષની વાતો વધુ સંભળાય છે તેનું શું કારણ ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “બીજા વક્તાઓ જે વાત કરતા હોય તે કરે, પણ મને તો સ્વામિનારાયણ ભગવાને એક એમની સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને મોકલ્યો છે.”

સર્વોપરી ઉપાસનાની વાતો કરવામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની અદ્ભુત ખુમારીનાં દર્શન સહેજ જ થઈ આવે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે આવી અદ્ભુત જ્ઞાનવાર્તા પામીને આજે એવો એક ઉપાસના નિષ્ઠાવાળો સમાજ ઊભો થયો છે કે જેમનું મસ્તક એક સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાની આગળ નમતું નથી. એક સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઇના ગાણાં મુખે ગાતા નથી. તો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાનું ધ્યાન ભજન તો કરે જ ક્યાંથી ? ખરેખર એક અદ્ભુત ક્રાંતિનું સર્જન થયું છે.

 

૩)કોઈની મહોબત ન રાખે :

સત્પુરુષની આ એક આગવી વિશિષ્ટતા છે કે જે કોઈ એમના સંગમાં કે જોગમાં આવે તેને પોતાના જેવો ચોખ્ખો કરી ભગવાનના ચરણે ધરે છે. કોઈની મહોબત કે બીક રાખી એનું સાચવવું એ એમનો ધર્મ નથી. એમનો ધર્મ તો રોકી-ટોકીને આત્માનું ઘડતર કરવાનો છે.

સંપ્રદાયના ઈતિહાસમાં બે અદ્ભુત પ્રસંગોનું નિર્માણ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું છે. જેમાં એક વખત સ્વામી જુનાગઢમાં બિરાજી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. તેમને લાભ લેવા દેશ-દેશથી હજારો હરિભક્તો આવતા. જેમાં વસોના વાઘજીશેઠ, ખંભાતના સદાશિવ શેઠ અને બોટાદના શિવલાલ શેઠ જેવા મોટા મોટા શેઠિયાઓ પણ આવતા. બોટાદના શિવલાલ શેઠ સ્વામીનો લાભ લેવામાં સૌથી પહેલા હાજર રહેતા, પરંતુ આજે શિવલાલ શેઠ સભામાં થોડા મોડા પડ્યા. સ્વામીએ કોઈની મહોબત રાખ્યા વિના સભા વચ્ચે જ શિવલાલ શેઠને ટોક્યા, “શિવલાલ ! આજે સભામાં મોડો કેમ આવ્યો ?” શિવલાલ શેઠે હાથ જોડીને કહ્યું, “સ્વામી ! થોડું સોનું વેચી સંતો માટે રસોઈની સેવા લઈ આવ્યો.” આ સાંભળી નારાજગીનો ભાવ દર્શાવતા સ્વામી બોલ્યા, “એટલો વેપાર કરવામાં આ વાતું ખોઈ તે શી કમાણી કરી ?”

વળી, એક દિવસ સદ્. ગુણાતીતાનંદ સ્વામી કથાવાર્તાનો લાભ આપતા હતા ત્યારે ચાલુ કથાએ કંઇક ચાવવાનો અવાજ આવ્યો. સ્વામીએ સભામાં પૂછયું કે, “આ ચાલુ કથાએ કિયો બેઠો બેઠો હાડકું ચાવે છે ?” શિવલાલ શેઠને સહજ સ્વભાવે સોપારી ચાવવાની ટેવ હતી તે આજે ભૂલથી ચાલુ કથાએ સોપારી ચાવતા હતા. પરંતુ સ્વામીના શબ્દો સાંભળી ભર સભામાં બે હાથ જોડી ઊભા થયા અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. સ્વામીએ ભર સભામાં શિવલાલ શેઠને ટકોર કરી કે, “ભગવાનની સભામાં સોપારી ચવાય નહી.”

શેઠિયો હોય કે ગરીબ હોય પરંતુ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ વિષયખંડનની વાતો કરવામાં કોઈની શેહ-શરમ કે મહોબત રાખી નથી. આપણને મળેલા સત્પુરુષ ગુરુવર્ય ૫.પૂ.બાપજીમાં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીના તાદશ્ય દર્શન થાય છે. જેવો આગ્રહ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીનો એવો જ આગ્રહ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો. મોટો શેઠિયો હોય, લખપતિ હોય કે પછી કરોડપતિ હોય પરંતુ તેની પણ શેહ-શરમ કે મહોબતમાં દબાયા વિના સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી, મહારાજના રાજીપાનું દિવ્યજીવન જીવાડે છે.

ગુરુવર્ય ૫.પૂ.બાપજી સુરેન્દ્રનગરની દિવ્ય ભૂમિ ઉપર કથાવાર્તાના અખાડા ચલાવતા. એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા. સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. પરંતુ પ.ભ.શ્રી મુંબઈનિવાસી નાગજીભાઈ પટેલ, શ્રી ઉમંગભાઈ ઠક્કર, શ્રી પરેશભાઈ ઠક્કર આદિ મોટેરા સુખી હરિભક્તો કથામાં આવ્યા ન હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ફોન કરી બોલાવ્યા. થોડી વારમાં મોટેરા હરિભક્તો આવી પહોચ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ભર સભામાં આ સૌ હરિભક્તોને ટોકતા કહ્યું, “આ દેહને સાચવવામાં ને સાચવવામાં આ કથા ખોઈ તેનું શું ?” સૌ હરિભક્તો હાથ જોડી રહ્યા. આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે સ્પષ્ટવક્તા. ગમે તેવો મોટો સુખી હોય કે પછી અધિકારી હોય પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી કદી કોઈની સત્તાથી કે મોટપથી દબાયા નથી. રોક-ટોક કરીને આત્માનું ઘડતર કરી તેને ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરવો એ જ એકમાત્ર જીવનમંત્ર બનાવી, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ નાના- મોટા, ગરીબ-તવંગર બધાયને દિવ્યજીવન બક્ષ્યું છે.

 

૪) સહન કરે એ જ સાધુ :

સદ્. ગુણાતીતાનંદ સ્વામી એટલે સહનશીલતાનું સાક્ષાત્‌ સ્વરૂપ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ મેણાં, ટોણાં, ભાર, ભીડો, તકલીફ, ઊંઘ ,ભૂખ અને અપમાનો પણ સહન જ કર્યા છે. પોતે ઘસાઈને બીજાને રાજીપો અપાવ્યો છે. સહનશીલતા એ જ સ્વામીની સાધુતા દેદિપ્યમાન રાખતું ઘરેણું બન્યું હતું.

સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે , “હું ઘણાં સદ્‌ગુરુ સંતોની સેવામાં રહ્યો પરંતુ સદ્‌. કૃપાનંદ સ્વામીની સેવામાં રહ્યો ત્યારે મારું ખરું ઘડતર થયું.” સદ્‌. કૃપાનંદ સ્વામી સ્વભાવે ખૂબ આકરા હતા. પરિણામે એમની સેવામાં રહેવા સંતો ઓછા તૈયાર થતા. શ્રીજીમહારાજે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને સદ્‌.કૃપાનંદ સ્વામીની સેવામાં મૂક્યા. સદ્‌. કૃપાનંદ સ્વામીના મંડળમાં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની સાથે અન્ય બે સંતો પણ હતા. સેવામાં રહેલા અન્ય બે સંતો સેવામાં દંભ અને છળકપટ કરતાં. રાત્રિ આખી સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી જાગતા અને સદ્. કૃપાનંદ સ્વામીની સેવા કરતા. સવારે ઊઠવાનો સમય થાય એ પહેલાં પેલા બે સંતો સેવામાં આવી જાય અને સદ્. ગુણાતીતાનંદ સ્વામીને સ્નાનાદિક ક્રિયા કરવા મોકલી દે. સદ્‌. કૃપાનંદ સ્વામી જાગે અને પૂછે, “સંતો, આખી રાત સેવા કરી ?” ત્યારે બંને સંતો સ્વામી આગળ સારા થતા. સ્વામીને કહેતા “સ્વામી ! અમે આખી રાત સેવા કરી છે. રાજી રહેજો.” સ્વામી આ બંને સંતો ઉપર રાજી થતા અને સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી ઉપર નારાજ થતા. એજ રીતે સ્વામીને રુચે એવી સારામાં સારી રસોઈ સદ્. ગુણાતીતાનંદ સ્વામી બનાવતા અને પીરસવાનું થાય ત્યારે પેલા બે સંતો સેવામાં આવી જતા. અને સદ્‌. કૃપાનંદ સ્વામીનો રાજીપો આ બે સંતોને મળતો. જ્યારે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીનો નારાજગીપો મળતો. સ્વામી અમને વઢતાં અને કહેતા, “ગુણાતીતાનંદ, શીખ, શીખ ! શું પડ્યો રહે છે ? તારામાં મહિમાનો છાંટો નથી. આ બે સંતો જો, કેવી સેવા કરે છે ! એમની પાસેથી કાંઈક શીખ ! શીખ !” આટલું બધું વઢવા છતાં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી એક શબ્દ પણ ન ઉચ્ચારે. નિર્દોષ બનવાનો કોઈ પ્રયત્ન જ નહિ. બસ, સહન જ કર્યા કરે.

અંતે સદ્. કૃપાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને આ વાતની ફરિયાદ કરી. છતાં મહારાજની આગળ પણ ભૂલ ન હોવા છતાં ભૂલનો સહર્ષ સ્વીકાર. આહાહા ! કેવી સાધુતા ! કેટલી સહનશીલતા ! સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ સહનશીલતાને સ્વીકારી એ દર્શન કરાવ્યું કે સહનશીલતા એ જ સાધુતાનો શણગાર છે. 

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પણ આવા જ સહનશીલતાની મૂર્તિ સમા દિવ્યપુરુષ છે કે જેમાં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી જેવી સહનશીલતાના તેમનામાં દર્શન થાય છે.

ગુરુવર્ય ૫.પૂ. બાપજી એટલે સતત સહનતાની ભઠ્ઠીમાં તપાવેલું સવા સોળવલ્લું કુંદન. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સદ્. ગુણાતીતાનંદ સ્વામીની જેમ સાથે રહેનારા સંતોના માન-અપમાન-તાપને જ સહન કર્યા છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્‌. મુનિ સ્વામીની સેવામાં રહ્યા એ દરમ્યાનના એ બે પ્રસંગોનું દર્શન કરીએ જે આપણને ગુરુવર્ય પ.પૂ. બાપજીની સહનશીલતા દર્શાવે છે.

ગુરુવર્ય ૫.પૂ. બાપજીને સદ્‌. મુનિસ્વામીની કથાવાર્તા સાંભળવાનો અતિશય આગ્રહ. કથાવાર્તામાંથી લઘુ કરવા માટે પણ ઊભા થવાનું ટાળે એટલી બધી પ્રીતિ. પરંતુ “મૃગે મૃગે કસ્તૂરી નવ નીપજે, વને વને અગર નવ હોય” તેમ સાથે રહેનારા બધા જ સંતોનો એવો આગ્રહ નહોતો. પરિણામે ગુરુવર્ય પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ લેવા બેઠા હોય ત્યારે ભર સભામાં સાથે રહેનારા સંતો ગુરુવર્ય ૫.પૂ. બાપજીને બાવડું ઝાલીને ઊભા કરે અને વાસણ ઘસવા ખેંચીને લઈ જાય. વાસણ પણ બે-પાંચ કે દશ નહિ, ચોખ્ખા વાસણો પણ ધોવા આપી આખી ચોકડી ભરી વાસણ કાઢે. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી આ બધા અપમાનોને અમૃતની જેમ પી જતા. એકલા પંડે આ વાસણ ઘસવાના છતાં કાન તો સદ્. મુનિસ્વામીની કથા તરફ જ હોય.

એ જ રીતે સેવા પણ એટલી પહોંચતી કે ન દિવસે ઊંઘ મળે કે ન રાત્રે સરખી ઊંઘ મળે. અરે ! સેવા કરી કરીને હાથમાં છાલા પડી જતા. ચૂરમાના લાડુ ખાંડવાના થતા ત્યારે ગુરુવર્ય ૫.પૂ. બાપજી એકલા પંડે ૨૦-૨૦ મણ ચુરમાના લાડુ ખાંડતા. એ વખતે ક્યાં પંખા હતા ? ક્યાં આવાં મશીનો હતા ? હાથ વડે ખાંડવાનું થતું. ખાંડતા હાથમાં છાલા પડી જતા. હાથમાં બળતરા થતી હોય તેમ છતાં એ સહનશીલતાની મૂર્તિએ કદિ એક હરફ ઉચ્ચાર્યો નથી. આટ આટલી સેવા કરવાની અને સાથે રહેનારા સંતોના મેંણા-ટોણાં સહન કરવાના, સાથે રહેનારા સંતોના ઠેબા, ભીડો સહન કરવાનો.

આહાહા ! કેટલા સમર્થ થકા જરણા કર્યા ! કેવી સાધુતા !

એમના ચરણોમાં કોટિ કોટિ વંદન પણ ઓછા પડે. એમનો મહિમા જેટલો સમજીએ એટલો ઓછો છે !