શ્રીજીમહારાજ પોતાના ધામમાંથી લાવેલા સર્વે મુક્તોમાં અલગ અલગ પ્રતાપ, સામર્થી, અંગ, કળા દેખાડી. તે સર્વે મુક્તોમાં શ્રીજીમહારાજે અવરભાવની રીતે સદ્. ગોપાળાનંદ સ્વામીમાં વિશેષ સામર્થી બતાવેલી. તેઓ મહા ઐશ્વર્યશાળી, મહાપ્રતાપી અને મહાસમર્થ હતા. વળી સ્વયં શ્રીજીમહારાજે પણ પોતાના વારસદાર તરીકે સદ્. ગોપાળાનંદ સ્વામીની જ નિયુક્તિ કરી હતી. તેમને સૌના આગેવાન કરી આચાર્ય, હરિભક્તો, સાધુ, બ્રહ્મચારી, બધાને તેમની આજ્ઞામાં રહેવાનું કહ્યું:
“આચાર્ય, પાળા, વર્ણી સૂણી લેજો રે, આ ગોપાળાનંદ મુનિની આજ્ઞામાં રહેજો રે.”
આપણે ભલે ચર્મચક્ષુએ કરીને શ્રીજીમહારાજના Nearest and dearest saint સદ્. ગોપાળાનંદ સ્વામીને નથી જોયા, પરંતુ વર્તમાનકાળે મહાપ્રભુએ અતિ કૃપા કરીને આપણને જે દિવ્યપુરુષની ભેટ આપી છે તેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં સદ્. ગોપાળાનંદ સ્વામીના તથા સર્વે સદ્ગુરુશ્રીઓનાં દર્શન થાય છે. તે આપણી પર થયેલી અનહદ કૃપાનું પરિણામ છે .
૧) મડદાને બેઠા કરે :
સદ્. ગોપાળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું ખુશાલ ભટ્ટ. એક સમયે ઈડરના પહાડોમાંથી એક વાઘ આવી ગર્જના કરવા લાગ્યો. બધા ભયભીત થઈને ઘરમાં પેસી ગયા. પરંતુ ગાયોને પાણી પીવડાવવા જતા ૧૦ વર્ષના એક બ્રાહ્મણના દીકરા અને બે ગાયોના વાઘે પ્રાણ લીધા. આ સમાચાર એના પિતાને મળતા તે દુઃખી થઈ ગયા અને વિચાર્યું કે હવે મારે જીવીને શું કામ છે. તેમ વિચારી તે પણ વાઘ પાસે જતા હતા. તેવામાં ખુશાલભટ્ટ ત્યાં આવી પહોચ્યા અને તેમને વાર્યા ને વાઘને ભગાડી તે બ્રાહ્મણનો દીકરો અને બે ગાયોને મંત્ર ભણી સજીવન કર્યા. સદ્. ગોપાળાનંદ સ્વામીનો પૂર્વાશ્રમનો જે પ્રસંગ જોયો તેવા જ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રસંગ છે.
ગુરુવર્ય ૫.પૂ. બાપજીનું પૂર્વાશ્રમનું નામ હતું દેવુભાઈ. તેઓ જયારે નાના હતા ત્યારથી તેમનામાં ભગવાન સ્વામિનાયણની સર્વોપરી નિષ્ઠા અને પતિવ્રતાની ભક્તિ હતી. એક વખત દેવુભાઈને સાણંદ તાલુકાના ડરણ ગામે ન છૂટકે લગ્નપ્રસંગે આવવું પડેલું. બન્યું એવું કે જેમના ઘરે લગ્ન હતા, તેમના ઘરમાં તેમના દીકરા રસિકને અચાનક આંચકી આવી અને દેહ છોડી દીધો. આનંદને બદલે દુઃખદ પ્રસંગ ઊભો થયો. સૌ ઊંડા દુઃખમાં ઊતરી ગયા.
ત્યારે કોઈ સમજુ વ્યક્તિએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આ દેવુભાઈ દ્વારા કાર્ય કરે છે. તે જરૂર રસ્તો કાઢશે. સૌએ દેવુભાઈને પ્રાર્થના કરી અને દેવુભાઈએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી અને પ્રસાદીનું જળ એના મુખમાં મૂકી, કાનમાં ત્રણ વખત “સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ” મહામંત્રનું ઉચ્ચારણ કર્યું. ત્યાં દીકરો ઊંઘમાંથી ઊઠતો હોય તેમ આળસ મરડી બેઠી થયો.
આમ, સદ્. ગોપાળાનંદ સ્વામીના દર્શન આપણને ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે.
૨) મૂંગાને બોલતો કર્યો :
ઈડર પાસે વડોલી ગામે ભિક્ષાવૃત્તિ પર નિર્ભર એવો એક બ્રાહ્મણ હતો. તેને એક જ દીકરો હતો. અને તે જન્મતાં જ મૂંગો. તેમાંય એકવાર ત્રીજા માળથી પડી ગયો. તેના બંને પગ ભાંગી ગયા. તેમાંય તે ૧૫ વર્ષનો થયો ત્યારે તેના પિતાશ્રી મૃત્યુ પામ્યા અને બીજા કોઈ સગાં-સંબંધી પણ હતા નહીં. હવે તે દુઃખમાં દિવસો કાઢવા લાગ્યો. આ વાત કોઈએ ખુશાલ ભટ્ટને કરી.
ખુશાલ ભટ્ટે તે છોકરાને હાથ ઝાલી ઊભો કર્યો અને ઘરની સામે તુલસીક્યારો હતો તેની ફરતી પ્રદક્ષિણા કરાવી. પછી તો તે જાતે જ ૨૦૦-૩૦૦ પ્રદક્ષિણા ફર્યો. પછી ખુશાલભટ્ટે છોકરાને તેનું ગોત્ર ક્યું છે ? વેદ એટલે શું છે ? તે પૂછયું. તેનો પણ તે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહીં ત્યારે સોએ પ્રાર્થના કરી કે તેને ચાલતો કર્યો તો હવે બોલતો પણ કરો. પછી ખુશાલભટ્ટ પ્રથમ મંત્ર બોલ્યા અને તેમની સાથે છોકરો પણ બોલવા લાગ્યો. એમ તે ૪૦ અધ્યાય બોલી ગયો.
આમ, ખુશાલભટ્ટે છોકરાને ચાલતો અને બોલતો કર્યો. આવો જ પ્રસંગ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પણ અત્રે સ્મરણ થાય છે.
વિજાપુર તાલુકાના લાડોલ ગામે રહેતા એક ભાઈનો દીકરો ઉત્તરાયણના દિવસે ધાબા પર પતંગ ચડાવવા ચડ્યો અને પેરાફીટ ન હોવાથી બેધ્યાન થતાં તે ધાબા પરથી નીચે પડી ગયો. તેને અતિશે ઈજા થવાથી નસ તૂટી જતાં બોલવાનું બંધ થઈ ગયું. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા ડોકટરે તેની સારવાર કરી. પણ ડોકટરના કહેવા પ્રમાણે તે બોલતો થઈ શકે તેમ ન હતું. ત્યારે તેના પિતાશ્રી દુઃખી થઈ ગયા. એ વખતે એક સત્સંગી ભાઈએ કહ્યું કે, “તેને અમારા ગુરુ પ.પૂ. બાપજી પાસે લઈ જાઓ.”
એ સમયમાં લાડોલમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું. તેમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. તે વખતે આ દુઃખદ વાત ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહેવામાં આવી. અતિ દયાળુ સ્વભાવવાળા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી મહારાજનું પ્રસાદીનું જળ આપ્યું અને કહ્યું કે, “મહારાજ બધા સારા વાનાં કરશે.” આમ, આ આશીર્વાદથી ર૪ કલાકમાં અશક્ય વાત શક્ય બની ગઈ અને બાળક બોલતો થઈ ગયો.
૩) વચનસિદ્ધિપણું :
સદ્. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢમાં મંદિર તૈયાર કરાવતા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી રંગીલદાસ મંદિર તેયાર કરવામાં વિધ્ન નાખતો હતો. એક વખત રંગીલદાસને રાજ્યના કામ માટે વડોદરા જવાનું થયું ત્યારે સદ્. બ્રહમાનંદ સ્વામીએ ઉતાવળા મંદિરનું કામ-કાજ ચાલુ કર્યું. આ વાતની રંગીલદાસને ખબર પડતાં તેણે જણાવ્યું કે. “હું જૂનાગઢ આવું છું અને સ્વામિનારાયણ મંદિરનો કાંકરે કાંકરો ઉડાડી દઉં છું.”
આ વાતની રૂપશંકરભાઈને ખબર પડતાં તેમણે મંદિરમાં જાણ કરી. તે સમયમાં સદ્. ગોપાળાનંદ સ્વામી ત્યાં પધારેલા. તેમને સદ્. બ્રહ્માનંદ સ્વામીએ બધી વાત જણાવી પ્રાર્થના કરી અને રંગીલદાસ મંદિર નહી થવા દેવાનું કહે છે. વળી નાગરોનો પણ ઘણો વિરોધ છે માટે દયા કરીને રક્ષા કરજો. ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીએ કાંખમાંથી એક મોવાળો તોડી બતાવ્યો અને બોલ્યા, “જાવ, હવે પછી રંગીલદાસ જૂનાગઢની હદમાં પગ નહીં મૂકી શકે.”
અને ખરેખર બન્યું પણ એવું જ. રંગીલદાસ મંદિરને તોડી નાખું, તોડી નાખું કરતો મારતે ઘોડે વડોદરાથી નીકળ્યો. રસ્તામાં વડાલ પાસે વાડમાંથી સસલું નીકળતાં ઘોડો ભડક્યો અને રંગીલદાસ પડ્યો કે તરત જ પેટમાં રહેતી બરછી પોતાને વાગી ને ત્યાં જ દેહને છોડી દીધો. દિવસો ગયા તે શબ પડ્યું રહેવાથી ગંધાઈ ગયું. તેથી જૂનાગઢ ખબર પડતાં નવાબે ફરમાન કર્યું કે શબને જૂનાગઢની હદમાં લાવવું નહીં. ને ત્યાં જ સળગાવી દેવું.
આમ, સદ્. ગોપાળાનંદ સ્વામીના વચન મુજમ ફરી વાર રંગીલદાસ જૂનાગઢમાં ન આવી શક્યા.
આવો જ પ્રસંગ ઘનશ્યામનગર મંદિરનો બનેલો. ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે ઘનશ્યામનગર મંદિરમાં રહેતા હતા ત્યારે એક વિરોધી અને દ્વૈષી તત્ત્વએ મંદિરમાં આવીને ઝઘડો કર્યો અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું કે, “તમે એક અઠવાડિયામાં ઘનશ્યામનગર મંદિર ખાલી કરી દો. જો નહિ કરો તો કાં તમે નહીં; કાં તો હું નહીં.” બધાએ ઘણું સમજાવ્યો પણ તે સમજવા તૈયાર નહીં. ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજમાન છે. માટે જયાં ભગવાન હશે ત્યાં અમે સદાય છીએ. એમાં કોણ અહીંયાં રહેશે તે ભગવાન નક્કી કરશે. વળી, તમે બોલ્યા છો તો ભગવાન તમારો સંકલ્પ જરૂર પૂરો કરશે.”
અને બન્યું પણ એવું જ. બીજા જ દિવસે સરકારી ગુનામાં આવતાં તે દ્વૈષી-વિરોધી તત્ત્વને અમદાવાદ તડીપારનો કાયદો લાગુ પડ્યો. અને અમદાવાદ છોડીને જતા રહેવું પડ્યું. એટલું જ નહીં પણ તેમનું એક્સીડન્ટમાં મૃત્યુ થયું અને અમદાવાદમાં એનો દેહ બાળવામાં ન આવ્યો.
આમ, આ પ્રસંગ પરથી સદ્. ગોપાળાનંદ સ્વામીના જેવી જ વચન સિધ્ધતા, સામર્થી અને પાવરના આપણા ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં દર્શન થાય છે.
૪) રસોઈ અખૂટ કરી લાજ રાખી :
વડોદરાના બાપુરાયજીના માતુશ્રી ધામમાં ગયાં ત્યારે તેમના તેરમાના દિવસે પોતે શ્રીમંત અને આબરૂદાર હોવાથી પોતાની નાતના અને બીજા સર્વે મળીને ૩૦૦૦ માણસોને જમવા માટે શીરો-પૂરી વગેરે રસોઈ કરાવી. જમવાનો વખત થયો ત્યારે વડોદરાના બધા માણસ મળી ૮-૧૦ હજાર માણસો આવ્યા.
બાપુરાયજીના પિતરાઈ ભાઈ સત્સંગના દ્વૈષી હતા. તેમણે બાપુરાયજીની આબરૂ લેવા માટે બધે નોતરાં દેવરાવ્યાં હતાં. તેથી આખાય શહેરનું બધુંય માણસ જમવા આવ્યું. બાપુભાઈ અને તેમના ભાઈ પ્રેમચંદભાઈ ગભરાઈ ગયા. હવે તાત્કાલિક શું કરવું તેનો ખ્યાલ ન આવ્યો. અને સદ્. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા ને બધી વાત કરી. ત્યારે સ્વામીએ કહ્યું કે, “તમે ગભરાશો નહી, મહારાજને સંભારો. શ્રીહરિએ તમને પૂજવા આપેલી જે મૂર્તિ છે તેને થાળ ધરાવી, પછી તેની પ્રસાદી બધી રસોઈમાં ભેળવી દેજો ને મૂર્તિને જયાં રસોઈ હોય ત્યાં જ પધરાવી દેજો. પછી ભલે ૧૦-૨૦ હજાર માણસો જમે છતાંય કાંઈ જ ખૂટશે નહીં. અરે કદાચ આખું વડોદરા નોતરીને બોલાવો તોપણ ભગવાન જરૂર તમારી લાજ રાખશે.”
બાપુભાઈ સ્વામીને પગે લાગી ઘેર ગયા અને કહ્યા પ્રમાણે કર્યું. અને દસ હજાર માણસો જમ્યા છતાંય રસોઈ તો તેટલી ને તેટલી જ. આમ ભગવાન સદાય પ્રગટ છે અને રક્ષામાં છે. તેનો બીજાને પણ અનુભવ થયો.
આવો જ પ્રસંગ ઘનશ્યામનગર મંદિરના પાટોત્સવ વખતે થયો હતો. ત્યારે ભોજન માટે શીરાની પ્રસાદીનો હોજ ભરીને બનાવ્યો હતો. એ વખતે હરિભક્તોની સંખ્યા ઘણી વધી ગઈ. શીરો બનાવવાવાળા પણ થાકી ગયા હતા. તેમણે વિચાર્યું કે આટલી બધી સંખ્યાને આ શીરો આપવો શક્ય નથી. જરૂર શીરો ખૂટશે અને નવો બનાવવો પડશે. તે નવો શીરો બનાવવા તૈયારી કરવી તે પણ અઘરી છે. બધા ચિંતામાં ડૂબી ગયા. અને એ જ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ વાત જણાવી.
ત્યારે ગુરુવર્ય ૫.પૂ. બાપજી હોજ આગળ પધાર્યા અને હોજની પાળી ઉપર હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કર્યા અને પ્રગટભાવે પ્રાર્થના કરી. અને ભગવાનને સાકર ધરાવી તે પ્રસાદીની સાકર શીરામાં નાખી અને કહ્યું કે જ્યાં સુધી આ પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી હરિકૃષ્ણ મહારાજને અહીંયાંથી લેવા નહીં. અને બધાને જેટલી જોઈએ તેટલી શીરાની પ્રસાદી આપો.
અને બન્યું પણ એવું જ કે આવેલા હજારો હરિભક્તો પ્રસાદ જમ્યા છતાં શીરો એટલો ને એટલો જ. ત્યારે આજુબાજુ સોસાયટીમાં રહેતા રહીશોને જેટલો જોઈએ તેટલો આપ્યો છતાં શીરો ન ખૂટ્યો ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ શીરાના હોજ પરથી હરિકૃષ્ણ મહારાજને લીધા પછી ધીમે ધીમે શીરાનો આખો હોજ ખાલી થયો.
૫) સર્વોપરી નિષ્ઠાનું પ્રવર્તન :
શ્રીજીમહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામીને કારિયાણીમાં કહ્યું હતું કે, “તમે અમારી સર્વોપરી ઉપાસના નહિ પ્રર્વતાવો તો અમે તમને આ દેહમાં એક હજાર વર્ષે રાખીશું.” આમ, સર્વોપરી નિષ્ઠાનું કેટલું મહત્વ છે તેનો ખ્યાલ આવે છે. તો અત્યાર સુધી ગુરુવર્ય ૫.પૂ. બાપજી પોતાના દેહસામું ન જોતાં સર્વોપરી નિષ્ઠાના પ્રવર્તન માટે રાત-દિવસ મંડ્યા રહ્યા છે. બસ, એક જ આશા કે કેમ કરીને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા બધાને સ્હેજે થાય ને ભગવાનની મૂર્તિના અવિચળ સુખમાં પહોચે.
આપણી પર શ્રીજીમહારાજની અતિશે કૃપા છે કે ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં, સદ્. ગોપાળાનંદ સ્વામીના બધા જ દિવ્ય કલ્યાણકારી ગુણોના આપણને દર્શન થાય છે. જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જોગમાં આવે અને નિર્દોષભાવે, તટસ્થ રીતે જો સેવા સમાગમ કરે તેને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.