સદ્. બ્રહ્માનંદ સ્વામી એટલે દાસત્વભાવ, નિષ્કામીપણું, ર૪ કળામાં પારંગતતા, શીઘ્ર કવિત્વ, દિવ્યભાવ, નિર્દોષબુદ્ધિ અને વ્યવહાર કુશળતા જેવા અનંત કલ્યાણકારી ગુણોથી દેદીપ્યમાન એવું દિવ્ય સ્વરૂપ. આ સદ્. બ્રહ્માનંદ સ્વામીના અનંત કલ્યાણકારી ગુણોના દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે. આવો ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીના દિવ્યગુણો અને જીવનનું દર્શન કરીએ.
૧) ગુરુમહારાજ પ્રગટ કી બાત સુનાઈયે :
સદ્. રામાનંદ સ્વામી ખાણ ગામે ભગવત્ વાતો કરી ભક્તજનોને સુખિયા કરવા પધાર્યા હતા. ગામોગામથી ભક્તો ગુરુશ્રીનો લાભ લેવા આવી પહોચ્યાં હતા. સદ્. રામાનંદ સ્વામીએ પ્રભુસ્મૃતિ સહિત ભગવત્ વાતો શરૂ કરી. થોડીવાર થઈ ત્યારે રાજ કવિ શંભુદાનજી ગઢવીના ઘર તરફ પ્રકાશનો પૂંજ ક્ષણિકવાર દેખાતા ગુરુશ્રી તથા સો ભક્તજનો તે બાજુ તાકી રહ્યા. ત્યારે “બ્રહ્મ નાદ” જેવા ઘેરા અને સુમધુર અવાજે શબ્દો સંભળાયા “ગુરુમહારાજ પ્રગટકી બાત સુનાઈયે” આ શબ્દો લાડુદાનજીએ (સદ્. બ્રહ્માનંદ સ્વામી) માતાના ઉદરમાં રહ્યા થકા ઉચ્ચાર્યા હતા. ત્યારે સદ્. રામાનંદ સ્વામી પ્રતિઉત્તર આપતાં બોલ્યા, “પ્રગટ કી બાત મેં ક્યા સૂનાઉ ? વો તો આપ સુનાયેંગે.”
આ પ્રમાણે અદ્ભુત પ્રકાશ અને અદ્ભુત બ્રહ્મનાદ સૂણી વિશાળ ભક્ત સમાજ સ્તબ્ધ બની, રામાનંદ સ્વામીને આ વાણીનું રહસ્ય સમજાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે રામાનંદ સ્વામીએ પળ વાર નેત્રબંધ કરીને પછી રહસ્ય સ્પષ્ટ કરતાં કહ્યું “સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ સનાતન ભગવાન આ બ્રહ્માંડમાં પ્રગટ થઈ શુધ્ધ સંપ્રદાયનું સ્થાપન કરશે અને પોતાના અનંત મુક્તોને સાથે લાવશે. તેમાંના આ એક મુક્ત ટૂંક સમયમાં આપને ત્યાં પ્રગટ થશે. માટે તેમને વિશે કોઈ બાળકપણાનો ભાવ ન લાવતા. એ તો અનંતને પ્રગટ ભગવાનની વાતો સમજાવી સુખિયા કરશે.”
સદ્. રામાનંદ સ્વામીએ આપેલી અગમ વાણી અનુસાર સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના જ ગુણો ગાયા છે. શ્રીજીમહારાજના મહિમાના કીર્તન, સંપ્રદાયમાં જો કોઈએ સૌથી વધુ બનાવ્યા હોય તો એ સદ્. બ્રહ્માનંદ સ્વામીએ. સદ્. રામાનંદ સ્વામી પરોક્ષના ગુણ ગાય એ વાત સદ્. બ્રહ્માનંદ સ્વામીને માતાના ઉદરમાં રહેવા છતાં પણ પસંદ નહોતી.
વર્તમાનકાળે પણ એ જ ગુણોનો તાદશ્ય અનુભવ આપણને મળેલા ગુરુવર્ય ૫.પૂ.બાપજીમાં થાય છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે પણ એક માત્ર પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના જ મહિમાની વાત હોય. એમની જ ઉપાસનાની વાત હોય.
ગુરુવર્ય ૫.પૂ. બાપજીએ એક અને માત્ર એક પ્રગટ સ્વામિનારાયણ ભગવાનની જ ઉપાસના પ્રવર્તાવી છે. એમનું જ ધ્યાન કરાવ્યું છે. અને એમનું જ ભજન કરાવ્યું છે. એમાં ક્યાંય નમતું મૂક્યું નથી. એક હરિભક્ત ઈ.સ.૧૯૮૭માં ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહ્યું કે “બાપજી ! આ વાસણા મંદિરના મુખ્ય શિખરમાં ઘનશ્યામ મહારાજને બદલે અન્ય અવતારની મૂર્તિ પધરાવો તો એની ૫૦,૦૦૦ રૂપિયાની સેવા હું કરી આપું.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “મેં સ્વામિનારાયણ સારું મુંડાવ્યું છે. બીજા માટે નહિ. તું ૫૦,૦૦૦ તો ઠીક ૫૦,૦૦,૦૦૦નું દાન કર તો પણ એ શક્ય નહી બને.” કેવી અદ્ભુત દઢતા !! બસ, સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા દેવના ગાણાંય ન ગવાય, માથુંય ન નમાવું તો એની મૂર્તિ તો પધરાવું જ કેમ !
૨) ઉપાસના પ્રવર્તનનું મૂળ મંદિર :
શ્રીજીમહારાજના આ અંતર્ગત અભિપ્રાય મુજબ મહાપ્રભુએ પોતાની હયાતીમાં કુલ છ મંદિરો કરાવ્યા. જેમાં જૂનાગઢ અને વડતાલ જેવા બે ભવ્ય શિખરબંધ મંદિરો કરવાની સેવા શ્રીજીમહારાજે પોતાના અતિ પ્રિય એવા સદ્. બ્રહ્માનંદ સ્વામીને સોંપી હતી.
સવંત ૧૮૭૯માં મહાપ્રભુના દિવ્ય સંકલ્પ અનુસાર શુધ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરવાને અર્થ મહાપ્રભુએ સદ્.બ્રહ્માનંદ સ્વામીને વડતાલમાં એક શિખરવાળું મંદિર કરવાની આજ્ઞા કરી. શ્રીજીમહારાજે મંદિર નિર્માણના ખર્ચ પેટે માત્ર બાર રૂપિયા આપ્યા અને આજ્ઞા કરી કે, “આટલા રૂપિયામાંથી મંદિરનું નિર્માણ કરવાનું છે.” સદ્. બ્રહ્માનંદ સ્વામીએ મહાપ્રભુના આ સંકલ્પને અધ્ધરથી ઝીલી લીધો અને માત્ર બાર રૂપિયા લઈ પહોચ્યા વડતાલ. એવો કોઈ જ વિચાર નહિ કે બાર રૂપિયામાં આટલું મોટું મંદિર કેવી રીતે થશે ?
તેમ છતાં સદ્. બ્રહ્માનંદ સ્વામી કે જેમના રોમરોમમાં મહાપ્રભુની ઉપાસનાના પ્રવર્તનોનો આગ્રહ હતો તે શું એક શિખરનું જ મંદિર બાંધે ? સદ્. બ્રહ્માનંદ સ્વામીએ તો મહાપ્રભુના બળે નવ શિખરનું મંદિર બાંધવાનું નક્કી કરી.બાંધકામ શરૂ કરાવ્યું. આ વાતની જાણ શ્રીજીમહારાજને થઈ કે, નાણાં વગર નવ નવ શિખરવાળા મહાકાય મંદિરનું કામ સદ્. બ્રહ્માનંદ સ્વામીએ હાથ ધર્યું છે. એવા સમાચાર મળતાં જ શ્રીજીમહારાજે સદ્. આનંદાનંદ સ્વામીને વડતાલ મોકલી એક શિખરનું મંદિર બનાવવાની સૂચના અપાવી ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીએ વિનંતીભાવે પ્રાર્થના કરી, “ હે મહાપ્રભુ ! આપ અક્ષરધામના અધિપતિ અનંત જીવોને આત્યંતિક કલ્યાણનું દાન દેવાને અર્થે બિરાજમાન થવાના હોય ત્યારે એક શિખરવાળું મંદિર ન શોભે. માટે નવ શિખરના મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. તેને પૂર્ણ કરવાની રજા આપો.”
શ્રીજીમહારાજને આ સમાચાર મળતાં જ ફરી સદ્. નિત્યાનંદ સ્વામી સાથે નીચેની સાખી લખીને મોક્લી.
“અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ;
તેતા પાઉ પસારિયે, જેતી લંબી સોડ.”
તેના પ્રત્યુત્તરમાં સદ્. બ્રહ્માનંદ સ્વામીએ સાખી લખી મોકલી.
“સાહેબ સરિખા શેઠિયા, બસે નગર કે માંહી ;
તાકો ધનકી કહા કમી , જાકી હૂંડી ચલે નવખંડ માંહી.”
સદ્. બ્રહ્માનંદ સ્વામીનો પ્રતિઉત્તર મળતા મહાપ્રભુ પ્રસન્ન થયા. અને નવ શિખરવાળું ભવ્ય મંદિર બાંધવાની રજા આપી. મહાપ્રભુનો દિવ્ય સંકલ્પ મળતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીના અંતરે અતિશે આનંદ ઉભરાતો હતો. જોતજોતામાં નવ શિખરવાળા મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું. શ્રીજીમહારાજે પણ સદ્. બ્રહ્માનંદ સ્વામીના દાખડાથી તૈયાર થયેલા ભવ્ય શિખરબંધ મંદિરમાં સૌ પ્રથમવાર પોતાનું હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવી એક શુધ્ધ ઉપાસનાનો ખૂંટ ખોડ્યો હતો.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પણ સદ્. બ્રહ્માનંદ સ્વામીની જેમ ઘનશ્યામનગર મંદિરના નિર્માણમાં અથાગ દાખડો કરી એક શુધ્ધ કારણ સત્સંગની ભેટ સૌપ્રથમ મહાપ્રભુના ચરણે ધરી છે. “એ સમય હતો ખાંડાની ધાર ઉપર ચાલવાનો.” જ્યારે જોડમાં કોઈ સાધુ નહોતા. ખીચડીમાં નાખવા હળદર નહોતી. બે પૈસાનું સામેથી દાન કરનાર કોઈ નહોતું. રહેવાનું હતુ વિરોધોના વંટોળમાં અને સ્થાપવાનો હતો શુધ્ધ કારણ સત્સંગ. આવા આકરા સંજોગોમાં ને પરિસ્થિતિઓમાં પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સાહસ કર્યું ભવ્ય મંદિર નિર્માણનું. વિના નાણે બસો, ત્રણસો પાંચસો કે હજાર વારની જમીન નહિ, સીધી પંદરસો વારની જમીનમાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય એકલા પંડે શરૂ કર્યું. હરિભક્તો કહેતા કે, “જોડમાં રહેવા કોઈ સાધુ તો છે નહિ અને આટલું મોટું મંદિર બાંધીને કરશો શું ? ” ત્યારે અપૂર્વ ખુમારીથી શોભતું એ દિવ્ય સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે છે કે, “ભલે અત્યારે દેખાતું ન હોય પરંતુ હજુ જો જો તો ખરા.. મહારાજનો સંકલ્પ પ્રબળ છે. આટલી જમીન પણ નાની પડશે, એટલા મોટા મોટા મંદિરો મહારાજને કરવા છે.”
આ સંકલ્પે ગુરુવર્ય ૫.પૂ. બાપજી કોઈનાય શબ્દો ગણકાર્યા વિના મંદિર નિર્માણનું કાર્ય હાથ ધર્યું. હરિભક્તો પાસેથી એક એક રૂપિયાની સેવા ઉઘરાવી છે. પોતે જાતે તગારા ઊંચક્યાં છે.
માન - અપમાનોને સહન કર્યા છે. એ પણ માત્ર એક-બે દિવસ કે બે પાંચ મહિના નહિ, પરંતુ ત્રણ વર્ષ સુધી અપાર કષ્ટો વેઠી મંદિરનું નિર્માણ કર્યું, એટલું જ નહિ મહાપ્રભુનો જે સંકલ્પ હતો કે “એક સમય એવો આવશે કે અમારા મંદિરોમાં અમારા જ સ્વરૂપો પધરાવાશે.”
એ સંકલ્પને સોળે કળાએ ખીલતો કર્યો અને સર્વોપરી સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સિંહાસનમાં પધરાવી, શુધ્ધ કારણ સત્સંગના વિજય ધ્વજો લહેરાવ્યાં.
૩) સમર્થ થકા જરણાં કરવી :
વચનામૃત ગ.પ્ર.૨૭માં શ્રીજીમહારાજે વાત કરી છે કે, “ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્ચર્યને પામે છે. અને અનંત જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણાં કરવી તે કોઈથી થાય નહિ, એવી રીતે જરણાં કરે તેને અતિ મોટા જાણવા.”
સદ્. બ્રહ્માનંદ સ્વામી એટલે અકળિત અને અલૌકિક વ્યક્તિત્વ ધરાવતું વિરાટ સ્વરૂપ. અવરભાવમાં સદ્. બ્રહ્માનંદ સ્વામી ર૪ કળાઓમાં પારંગત અને શતાવધ્યાની હતા. કોઈ એવી બાબત નહિ હોય કે જેમાં સદ્. બ્રહ્માનંદ સ્વામી નિપુણ ન હોય !
સાહિત્યના શબ્દો તો એમના મુખે વણ વિચારે નીકળતા. સાથે વ્યવહાર કુશળ પણ એવા જ. વિદ્ધતામાં, સંગીતકળામાં પણ મોખરે. એવી અદ્ભુત સામર્થીએ યુક્ત હોવા છતાં તેમનું નિર્માનીપણું પણ એવું જ. એક સમયે શ્રીજીમહારાજે મોટા મોટા ચાર સદગુરુશ્રીઓને ભર સભામાં પૂછયું કે, “તમારા ચારેયની સામર્થી કેટલી ? તે કહો.”
ચારેય સદગુરુશ્રીઓએ એક પછી એક પોતાની સામર્થીની વાત કરી. છેલ્લે બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, “સ્વામી, તમારી સામર્થી કેટલી ?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, “ હે મહારાજ ! આપના મહિમાનું ગાન કરવા માટે કીર્તનના શબ્દો વિચારવા પડતા નથી. શોધવા પડતા નથી. વણ વિચારે જ શબ્દો નીકળ્યા કરે છે. પરંતુ હે મહારાજ ! આ અમારામાં જે કાંઈ સામર્થી છે તે આપને લઈને છે. એ સિવાય તો અમારી પાસે કશું જ નથી.” કેટલો દાસત્વભાવ ! કેવું સમર્થ થકા જરણાપણું !
એ જ શ્રીજીમહારાજે એક સમયે સદ્. બ્રહ્માનંદ સ્વામીને કહેલું, “સ્વામી, અમે ધારીએ તો તમને આ ગઢડાની બજારમાં બે પૈસામાં વેચી દઈએ.” ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને એક જ પ્રતિઉત્તર આપે, “હે મહારાજ ! આપ તો અમારા સ્વામી છો, અમે તો આપના ગુલામ છીએ. આપ એમ કરીને રાજી થતા હોય તો એથી અધિક મારા માટે બીજુ શું હોય !” આહાહા... કેટલું નિર્માનીપણું !! આટલી બધી સામર્થી યુક્ત હોવા છતાં મહારાજની આગળ, સૌ સંતો-ભક્તોની હાજરીમાં આટલી બધી અહમશૂન્યતા !
આવા જ ગુણોનાં દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં સ્પષ્ટપણે થાય છે. પોતે ગુરુ સ્થાને હોવા છતાં કેટલું નિર્માનીપણું ! કેવી નિર્દોષતા ! કેવી અહમશૂન્યતા ! ગુરુવર્ય પ.પૂ. બાપજી આવી અધ્યાત્મિક ઊંચી પદવી (સ્ટેટસ) પર હોવા છતાં કદી પોતાની પદવીનો કોઈ ભાર જ નહીં. પૂનમના સમૈયામાં શાક સુધારવાની સેવા કરવા એક કોથળો પાથરી બેસી જાય. તેલના ડબાને કાપી તેના પતરાને ટીપી સીધા કરવા બેસી જાય. અનાજ સાફ કરવા બેસી જાય તો એ સેવા છોડાવવી અઘરી પડી જાય. આ કેટલું નિર્માનીપણું ! કેટલો દાસત્વભાવ ! શું શાક સુધારવાવાળા નહિ હોય ? શું પતરાને ટીપી સીધા કરનારા નહિ હોય ? શું અનાજ સાફ કરનારા નહિ હોય ? તેમ છતાં આવી નીચી ટેલની સેવા કરે ! એને જ મોટાપુરુષ કહેવાય કે જેને પોતાની પદવીનું (સ્ટેટસ) માન ન હોય.
૪) સર્વે કળામાં પારંગત :
ગુરુવર્ય ૫.પૂ. બાપજી પણ સદ્. બ્રહ્માનંદ સ્વામીની જેમ સર્વે કળામાં પારંગત. બાંધકામની બાબત હોય, રસોડાની બાબત હોય, કોઠારની બાબત હોય કે પછી વિવિધ સેવાના વ્યવસ્થાતંત્રની બાબત હોય, પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ બાબતોમાં જેવી દષ્ટિ પહોચે તેવી કોઈની દષ્ટિ પહોચી શકે નહિ. તેમ છતાં નિર્દોષતા પણ એટલી જ. ગુરુવર્ય પ.પૂ. બાપજી ભર સભામાં એવું કહે કે ,“અમને ઈંગ્લીશ કે હિન્દી આવું બધું ફાવે નહિ. અમારી તો ભાષા પણ દેશી. મોટા મોટા પૈસાદારોને કે અધિકારીઓને કેવી રીતે રાજી રાખવા એ મને આવડતું નથી. મને તો ભગવાન કેમ રાજી થાય એ કરતાં આવડે છે.” આવી તો ઘણી બાબતો છે કે જેમાં આ બધા ગુણોનાં સ્પષ્ટ દર્શન થાય. જેમને જેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીના નિકટથી દર્શન-સેવા-સમાગમનો લાભ મળ્યો છે તેમને તો આ ગુણોના દર્શનની અનુભૂતિ જરૂર થાય જ.
૫) ફદલમાં કલ્યાણ :
સદ્. બ્રહ્માનંદ સ્વામી એટલે અત્યંત કરુણા, દયાળુતાની મૂર્તિ. સ્વામી અનંતની ઉપર કૃપા કરી ફદલમાં ફવડાવી દેતા. એક સમયે સદ્. બ્રહ્માનંદ સ્વામી અને સદ્. મુક્તાનંદ સ્વામી વિચરણમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક છોકરો હાથમાં ઘઉંનો પોક જમતા જમતા સંતો પાસે આવ્યો. સદ્. બ્રહ્માનંદ સ્વામીએ સદ્. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, “આ છોકરાનું કલ્યાણ કરવું છે.” એમ કહી સ્વામીએ છોકરાને કહ્યું, “છોકરા, તું અમને પોંક જમવા આપીશ ?” પેલા છોકરાએ તુરત જ ખીસામાંથી ઘઉંનો પોંક આપ્યો. સંતોએ પોંક જમાડ્યો. પછી સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પોતાનું ઉદર ખૂલ્લું કરીને છોકરાને કહ્યું, “આ ફાંદવાળા સાધુને સંભારજે. અમે તને ભગવાનના ધામમાં લઈ જઈશું.” ત્યારે છોકરો બોલ્યો,“સ્વામી, આમ વાયદાનો વેપાર કાં કરો છો ? મને તમારી ફાંદ ન સાંભરે તો ?” ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, “જા, તું અમારી ફાંદ સંભારે કે ન સંભારે પણ અમે અંત સમે તને ધામમાં તેડી જઈશું.” કેવું ફદલમાં કલ્યાણ !
આ ફદલનો માર્ગ વર્તમાનકાળે પણ અવિતપણે ચાલી રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા પણ શ્રીજીમહારાજે અનેકના ફદલમાં કલ્યાણ કર્યા છે. કલ્યાણના દાતા તો એક શ્રીજીમહારાજ જ છે. પરંતુ સત્પુરુષના માધ્યમ દ્વારા સ્વયં મહારાજ જ કલ્યાણના કોલ આપે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કદી જાત-કુજાત જોઈ નથી, દ્રોહી, પાપી આ કાંઈ જ જોયું નથી. બસ, એક જ કે જે દષ્ટિએ ચડ્યો એ બધાયને ફદલમાં ફવડાવવા પ્રાર્થના કરે. પોતે સમર્થ હોવા છતાં એક સેવકભાવની રીત શીખવતા કહેતા હોય છે કે, “હું મહારાજને રોજ પ્રાર્થના કરું છું કે, હે મહારાજ ! આ સત્સંગમાં કોઈ દ્રોહી હોય, પાપી અને પામર જીવ હોય, કુસંગી હોય, અવગુણિયો હોય પરંતુ એ બધાયને તમે કૃપા કરી આ કારણ સત્સંગમાં ખેંચો અને તમારા સ્વરૂપની ઘેડ્ય પડાવો…” કેવી કરુણા ! કેવા દયાળુ મૂર્તિ !
ગુરુવર્ય ૫.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવી હતી ત્યારનો પ્રસંગ છે. ક્રિષ્ના હોસ્પિટલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને એડમીટ કરેલા. જોડે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ બેઠેલા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની દ્રષ્ટિ બારી બહાર હતી. સામે કબૂતર આવીને બેઠા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની દષ્ટિ એ કબૂતર ઉપર પડી. પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ! શું જુઓ છો ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ કબુતરોને જોઉં છું.” પછી પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કરતા કહ્યું, “બાપા ! કૃપા કરી આ કબુતરોનું પૂરું કરો.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “મહારાજ આ બધા કબુતરોને કારણ સત્સંગમાં લાવી એમનું પૂરું કરશે.”
કેટલી કરુણા ! કેવી ફદલમાં કલ્યાણ કરવાની અનોખી રીત !