અનાદિમુક્ત એટલે શું ?
શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર-બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ ભોગવતા મુક્તને અનાદિમુક્ત કહેવાય. ‘અનાદિમુક્ત’ એક નથી, અનંત છે.
અનાદિમુક્તો શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે સર્વદેશી અર્થાત્ સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં તદ્રૂપ, તલ્લીન, ઓતપ્રોત બની રસબસભાવે સુખ ભોગવે છે. ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સર્વોત્તમ અને સનાતન સુખ ભોગવવા માટેની સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ એવી સેવકભાવની પદવી ‘અનાદિમુક્ત’ની છે.
અનાદિમુક્ત કોણ છે ?
કારણ સત્સંગમાં જોડાયેલા સંતો-હરિભક્તો કે જેમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાન પૂરા પાળે છે તથા અનાદિમુક્તનાં આશીર્વાદ અને લટક પ્રાપ્ત થઈ છે તે સર્વેને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ કહેવાય અર્થાત્ તેમને હજુ અનાદિમુક્તની સ્થિતિ બાકી છે. માટે તે સર્વેને પ્રાપ્તિવાળા ‘અનાદિમુક્ત’ કહેવાય.
અનાદિમુક્ત શા માટે થવાનું ?
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. નિરાકાર જીવાત્માને આવી દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ પામવું હોય તો તેને નિરાકારમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપ સાકાર થવું જ પડે. અનાદિમુક્તની પદવી એ ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ લેવા માટેની સર્વશ્રેષ્ઠ પદવી છે. આમ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ માટે અનાદિમુક્ત થવું ફરજિયાત છે.