• સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજી
  • સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજી

સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્ઞાન અને સિદ્ધાંતની નૂતન ક્રાંતિ કરનાર યુગપુરુષ એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી.

શ્રીજી સંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના આશીર્વાદથી પધારેલા આ દિવ્યપુરુષનું પ્રાગટ્ય વાસણ ગામે વસતા ઠક્કર પરીવારમાં તા. ૧૩ માર્ચ ૧૯૩૩ના રોજ થયું હતું. એમનું બાળપણનું નામ દેવુભાઈ હતું. એમના પિતાનું નામ હતું જેઠાભાઈ અને માતાનું નામ હતું ધોળીબા. 

બાલ્યાવસ્થાથી જ અસાધારણ આધ્યાત્મિક પ્રતિભા ધરાવતાં આ દિવ્યપુરુષમાં સંસાર પ્રત્યેની અનાસક્તિ અને ભગવાન પ્રત્યેની પ્રીતિ સહેજે જણાઈ આવતી. વળી પોતાના પ્રાગટ્યનો મુખ્ય હેતુ જણાવતા તેઓ ઘણીવાર પોતાના પરિવારજનો સમક્ષ કહેતાં કે, ‘હું તમારું પાવરી તેલ, ઘી અને ગોળ વેચવા નથી આવ્યો, હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.’ પોતાના આ સંકલ્પપૂર્તિના ભાગરૂપે ઈ.સ. ૧૯૫૨માં જીવનપ્રાણ અબજીબાપાશ્રીના અત્યંત કૃપાપાત્ર એવા સિદ્ધમુક્ત સદ્‌. મુનિસ્વામી સાથે પ્રથમ વખત દેવુભાઈનો ભેટો થયો અને એમની સાથે દેવુભાઈને અસાધારણ પ્રીતિ બંધાઈ ગઈ. ત્યારબાદ ૨૩ વર્ષની યુવાન વયે ઈ.સ. ૧૯૫૬માં ત્યાગાશ્રમ સ્વીકારી ‘સાધુ દેવનંદનદાસજી’ એવું નામ ધારણ કર્યું. જેઓ વર્તમાન કાળે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ.પૂ.બાપજીના નામે પ્રસિદ્ધ છે.

“સિદ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.” - આ સૂત્રને જીવનપર્યંત ધારણ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસના-મહિમાનો સર્વજનના હિતમાં પ્રચાર કરનાર ગુરુદેવ પ.પૂ. બાપજી એક સિદ્ધાંતવાદી સત્પુરુષ છે.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું સિદ્ધાંતવાદી જીવન, નિર્દંભ સાધુતા, ધર્મ-નિયમની અણિશુદ્ધતા, નિર્માનીપણું ને નિર્દોષભાવથી ભરેલું પારદર્શક જીવન, પોતાની અહમ્‌શૂન્યતા ને શ્રીજીનું જ કર્તાપણું આદિ ગુણોએ લાખોના જીવનમાં પ્રેરણાના પીયુષ પાયાં છે. જેના પગલે પગલે સર્જાયો છે લાખો સંતો-હરિભક્તોનો અણિશુદ્ધ સમુદાય. આવા દિવ્ય સત્પુરુષના સંબંધમાં આવનાર હરેક વ્યક્તિના જીવનમાં જીવનપરિવર્તનનાં દીવડાં પ્રકાશ્યાં છે. 

ગુરુદેવ પ.પૂ. બાપજીનું દિવ્ય અને વિરલ વ્યક્તિત્વ એવું અનોખું છે કે જેમના સાંનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની યથાર્થ ઓળખાણ અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે, મનને શાંતિનો અનુભવ થાય છે. આંતર પવિત્રતા પ્રગટે છે, ઘાટ-સંકલ્પો વિરામ પામી જાય છે, મનોરથો પૂર્ણ થાય છે, તનનાં-મનનાં ને જનનાં સર્વે દુઃખોથી જાણે મુક્ત થઈ પ્રભુના સુખમાં ગુલતાન થયાનો અહેસાસ થાય છે. એમના સમાગમમાં આવનાર કોઈ પણ વ્યક્તિ શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખાયાની અને છતે દેહે આત્યંતિક કલ્યાણ પામ્યાંની પરિતૃપ્તતા પોષે છે. એમની કરુણાભીની દિવ્યદૃષ્ટિમાં આવનાર સૌ કોઈ કૃતાર્થતા અનુભવે છે. 

પંચમહાલના ડુંગરાઓમાં વસતા ગરીબ, દલિત, પછાત ને અંધશ્રદ્ધામાં અટવાયેલાઓના બેલી બની તેમના જીવનમાં તેઓએ પ્રકાશ પાથર્યો છે ને તેમના અંધકારમય જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. ૮૫ વર્ષની ઉંમર સુધી અસંખ્ય ગામડાંઓમાં વિચરણ તથા હજારો ભક્તોનાં ઘરોની વ્યક્તિગત મુલાકાત લીધી હોવા છતાં તેઓએ અવિરત વિચરણ કર્યા  કર્યું છે. તેમના આ વિચરણથી સર્વત્ર અનોખી આધ્યાત્મિક સુવાસ ફેલાઈ રહી છે. 

દેશ-સમાજમાં આધ્યાત્મિક ઉન્નતિનું કાર્ય હોય કે પછી સમાજસેવા કરવાનું ભગીરથ કાર્ય હોય તેમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની નિરંતર પ્રેરણા મળતી રહી છે. તેઓની પ્રેરણાથી જ દેશ-સમાજની આધ્યાત્મિક ઉન્નતિ માટે એસ.એમ.વી.એસ. સંસ્થાના સંતો-કાર્યકરો અવિરત વિચરણ કરી જીવનપરિવર્તન માટેનો દિવ્ય સંદેશ જન જન સુધી પહોંચાડી રહ્યા છે. વળી, શૈક્ષણિક સેવાઓ, તબીબી સેવાઓ, ભૂકંપપીડિતોને સહાય તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યની સેવાઓ તેમજ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આવતાં રચનાત્મક આયોજનો જેવાં કે ‘વાંચે ગુજરાત’ તથા ‘સ્વચ્છતા અભિયાન’ આદિ આયોજનો પણ સંસ્થા દ્વારા ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી ચાલી રહ્યાં છે. વળી, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી ‘એસ.એમ.વી.એસ. ચેરિટીઝ’ની સ્થાપના કરવામાં આવી છે. 

એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા થતાં તમામ સેવાકાર્યોનું શ્રેય ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણે સમર્પિત છે. તેઓની જ દિવ્ય પ્રેરણાથી સંસ્થાની આન, બાન, શાન સમગ્ર વિશ્વમાં લહેરાઈ રહી છે. સંપ્રદાય તથા ઇતર સંપ્રદાયના મુમુક્ષુઓ, સંતો અને અગ્રેસરો પણ આ સત્પુરુષની આધ્યાત્મિક પ્રતિભાને વંદન કરી કૃતાર્થતા અનુભવી રહ્યા છે. તેઓની આ દિવ્યતાનું એક અને માત્ર એક કારણ તેઓ ગણાવે છે અને તે છે એકમાત્ર ભગવાન સ્વામિનારાયણનું કર્તાપણું ! તેઓનાં ક્રાંતિકારી કાર્યોને વધુ વેગ આપી જન જન સુધી તેમનો સંદેશો પહોંચાડવા ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞાથી તેઓના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર અનુગામી સત્પુરુષ વ્હાલા પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી સંસ્થાનું નેતૃત્વ સંભાળી રહ્યા છે.