ગુરુદેવ પ.પૂ. બાપજીમાં સદ્. વૃંદાવનદાસજીસ્વામીના દર્શન

ગુરુદેવ પ.પૂ. બાપજીમાં સદ્.વૃંદાવનદાસજીસ્વામીના દર્શન

સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી એટલે શાંત અને સૌમ્ય મૂર્તિ. એમની પ્રભાવી સ્થિતિની વાત જ ન થાય એમના મુખથી સદાય મૂર્તિના સુખની તથા અનાદિમુક્તની સ્થિતિની જ વાતો વહેતી. 

આપણા વહાલા ગુરુદેવ પ.પૂ. બાપજીમાં સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીના તમામ ગુણોનું તાદ્રશ્ય દર્શન થાય છે.

 

૧) ગુરુમહિમાની પરાકાષ્ટા :

સદ્‌. વૃંદાવનદાસજી સ્વામી એટલે ગુરુમહિમાનું સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ. સદ્‌. વૃંદાવનસ્વામીના અવરભાવના જીવનકાળ તરફ દષ્ટિપાત કરતાં સદગુરુનો આ એક આગવો ગુણ ઝળહળી ઊઠે છે. સદ્‌. વૃંદાવનસ્વામીએ ગૃહત્યાગ કરી સદ્‌. માધવજીવનદાસજી સ્વામી દ્વારા સાધુ દીક્ષા ગ્રહણ કરી અને “સાધુ વૃંદાવનદાસજી” એવું નામ પ્રાપ્ત કર્યું. પોતાના ગુરુ સદ્‌. માધવજીવનદાસજી સ્વામીએ એક દિવસ સદ્‌. વૃંદાવનસ્વામીને કહ્યું, “સાધુરામ ! સત્સંગમાં થોડા વહેલા આવ્યા હોત તો નંદ સંતોના દર્શન - સમાગમનો લાભ તમને મળ્યો હોત. હવે તો એ લાભ ક્યાંથી મળવાનો ?” ત્યારે ગુરુમહિમાથી રસબસ એવા સદ્‌. વૃંદાવનસ્વામીથી ન રહેવાયું. મહાત્મ્યના હિંસારો મારતા એ પ્રવાહમાંથી શબ્દો સરી પડ્યાં, “દયાળુ ! શ્રીજીમહારાજની કૃપાથી આપ મને મળ્યા છો. તેથી નંદસંતોના દર્શન-સમાગમનો લાભ તો મને આપનાં જ દર્શન, સેવા, સમાગમમાં મળી રહ્યો છે. માટે મારે તો આપ રાજી એટલે બધું જ આવી ગયું.” આહાહા... કેવો દિવ્યભાવ ! કેવું માહાત્મ્યસભર હૈયું ! કેવી પ્રત્યક્ષને વિષે પ્રીતિ !

ગુરુદેવ પ.પૂ. બાપજીમાં પણ એમના ગુરુ સદ્‌. મુનિસ્વામી પ્રત્યેના અપાર મહિમાનું દર્શન થાય.

એક દિવસ સદ્‌. મુનિસ્વામીએ ગુરુદેવ પ.પૂ.બાપજીને કહ્યું કે, “તમે સત્સંગમાં થોડા મોડા પડયા. હવે મારી પાસે કોઈ પગલા-પદાર્થ કે આસન રહ્યા નથી કે હું તમને આપી શકું.” સદ્‌. મુનિસ્વામીના મુખે ઉચ્ચારાયેલા આ શબ્દો સાંભળી ગુરુદેવ પ.પૂ.બાપજીએ આંતરભીના શબ્દો ઉચ્ચારતા કહ્યું “દયાળુ ! મહાપ્રભુએ આપ જેવા દિવ્યપુરુષની મને ભેટ આપી છે એ જ મારા માટે મોટામાં મોટી બક્ષિસ છે. આપ મારા ઉપર રાજી રહો એટલે મારે તો આપના રાજીપામાં જ બધું આવી ગયું. હું આપના પગલા-પદાર્થ કે આસન લેવા આવ્યો નથી. મારે તો આપનાં સિધ્ધાંતોનો વારસો લેવો છે. એ તો આપની પાસે છે જ. બસ મને એ સિધ્ધાંતનો વારસદાર બનાવો.” આહાહા... કેવી ગુરુ મહિમાની પરાકષ્ટા !!

જેમ સદ્‌. વૃંદાવનસ્વામીના જીવનમાં ગુરુમહિમાનું દર્શન થઈ આવે એવું જ ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં પણ સદ્‌. મુનિસ્વામીને વિષે ગુરુમહિમાનું દર્શન તાદશ્ય થાય છે.

 

૨) સ્પષ્ટવક્તા :

સત્પુરુષની એક આગવી લાક્ષણિકતા એટલે જ સ્પષ્ટવક્તાપણું. જેના જીવનમાં કોઈ પારકું પરાયું ન હોય, જેમના મતે કોઈક નાનો કે મોટો ન હોય, કોઈ ધનવાન કે કોઈ ગરીબ ન હોય, કોઈ ભેદભાવ ન હોય. બસ કેવળ કરુણા, કૃપા જ વ્યાપેલી હોય એનું નામ સત્પુરુષ. સદ્‌. વૃંદાવનસ્વામી સ્વભાવે શાંત અને ધીર ગંભીર જણાય. પરંતુ વાણીમાં સ્પષ્ટવક્તાપણું જણાય. ગમે તેવો કોઈ મોટો વિદ્વાન હોય, પંડિત હોય કે પછી ધનિક વ્યક્તિ હોય પરંતુ સદ્‌ગુરુ કોઈની સત્તાથી દબાય નહિ. એવાને પણ સ્પષ્ટ શબ્દોમાં મીઠી ટકોર કરતાં અચકાતા નહી. એક વખત સદ્‌ગુરુ કારિયાણા ગામમાં પધાર્યા હતા. ત્યાં બજાણા ગામના કારભારી ખુશાલભાઈ ઠક્કર પોતાના ગામમાં નિર્માણ પામેલ નવા મંદિરમાં મૂર્તિ પધરાવવા અંગેની વાત કરવાની ઈચ્છાથી કારિયાણા ગામે સદ્‌ગુરુ પાસે આવ્યા અને સઘળી વાત કરી, ત્યારે સદ્‌ગુરુશ્રી બોલ્યા, “ગામનું મંદિર તો થયું પણ તમારું મંદિર કર્યું કે નહિ ?” કેવી મીઠી ટકોર ?

એક દિવસ એક હેડ માસ્તર સદ્‌ગુરુશ્રી પાસે આવ્યા અને સદ્‌ગુરુશ્રીની વાતો સાંભળી કહેવા લાગ્યા, “દયાળુ ! આપ તો માત્ર મૂર્તિની જ વાતો કરો છો. પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા કે પરચા-ચમત્કારની વાતો તો કરતા જ નથી. ત્યારે સદ્‌ગુરુશ્રી બોલ્યા, “તમે નિશાળમાં કઈ ચોપડી (ધોરણ) ભણાવો છો ?” હેડ માસ્તરે કહે, “સાતમી” ત્યારે સદ્‌ગુરુશ્રી કહે, “તમે પહેલી-બીજી ચોપડી વાળાને કેમ નથી ભણાવતા ?” તો ત્યારે તેમણે કહ્યું, “એના માટે તો બીજા આસિસ્ટન્ટ શિક્ષકો હોય તે ભણાવતા હોય છે.” ત્યારે સદ્‌ગુરુશ્રીએ મંદ-મંદ હાસ્ય કરતાં કહ્યું, “માસ્તર ! તમે જે વાતો કરવાનું કહ્યું, એવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બધાની વાતું કરનારા તો બીજા ઘણા છે. જયારે અમે તો મૂર્તિસુખના શિક્ષક છીએ માટે અમે તો આ જ વાતો કરવાના.” આટલું સાંભળી માસ્તરનું શીશ સદ્‌ગુરુશ્રીના ચરણોમાં ઝૂકી પડયું પછી તેઓ શું બોલે ?

સદ્‌. વૃંદાવનસ્વામીના જેવી જ નિર્ભયતા, સ્પષ્ટવક્તાપણું આદિક ગુણોનાં દર્શન ગુરુદેવ પ.પૂ.બાપજીમાં થાય છે. એક દિવસ એક હરિભક્ત ગુરુદેવ પ.પૂ.બાપજીને કહેવા લાગ્યા કે “તમે ૮-૮ અને ૧૨-૧૨ ક્લાક કથાવાર્તાનો લાભ આપો છો પણ એમાં એકમાત્ર ઉપાસનાની જ વાતો કરો છો બીજી કોઈ પરચા-ચમત્કાર, ધર્મ, ભક્તિ, વેરાગ્ય આ બધી વાતો કરો તો ઘણાં બધાને સમાસ થાય. ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા, “તમારી નોકરી સરકારમાં છે. તે તમારા સરકારી કામમાં ૭-૧૨ માં એન્ટ્રી પાડવાનું કામ વડાપ્રધાન કે મુખ્યમંત્રી કરતા હોય કે નહિ ?” ત્યારે પેલા હરિભક્ત બોલ્યા, “ના...ના... બાપજી. એ તો ગામના તલાટી કરી આપે. એવા કામ વડાપ્રધાન કે મુખ્યમંત્રી ન કરે.” એટલું સાંભળી ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા, “સંપ્રદાયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા આ બધાની વાતો કરનારા વક્તા તો ઘણા છે પરંતુ અમને તો શ્રીજીમહારાજે એકમાત્ર ઉપાસનાની વાતો કરવાનો હવાલો આપ્યો છે.”

ગુરુદેવ ૫.પૂ. બાપજીના જીવનમાં આવા તો ઘણાં બધા પ્રસંગો છે કે જેમાં તેઓનો સ્પષ્ટવક્તાપણાનો ગુણ તાદશ્ય થઈ આવે.

 

૩) જ્ઞાનાચાર્ય :

ગ્રંથરાજ ‘વચનામૃત’ એટલે શ્રીમુખવાણી. તે સ્વયં શ્રીહરિનું સ્વરૂપ કહેવાય. આ વચનામૃતમાં લખાયેલાં ગુઢ રહસ્યોને યથાર્થ પણે કોણ સમજાવી શકે? ત્યારે શ્રીજીમહારાજ સ્વમુખે કહ્યું છે કે “ શાસ્ત્રોમાં વાતો તો બધી જ હોય, પરંતુ અમારા સત્પુરુષ પ્રગટ થાય, ત્યારે જ એ વાતો યથાર્થ થાય છે.”

સદ્‌ગુરુ વૃંદાવનસ્વામી એટલે વચનામૃતના આચાર્ય. ૨૭૩ વચનામૃત જાણે કંઠસ્થ જ જોઈ લ્યો. સંપ્રદાયના કે પરોક્ષના કોઈ પણ પ્રશ્ન હોય અને કોઈ પણ વ્યક્તિ હોય. પરંતુ સદ્‌ગુરુશ્રીના સાંનિધ્યમાં આવે એટલે એના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. સદ્‌ગુરુશ્રી પણ સહજભાવે સરળતાથી એવા ઉત્તરો કરે કે પ્રશ્ન પૂછનારને તુરત ઘેડ પડી જાય.

એક દિવસ સદ્‌ગુરુશ્રી સભામાં બિરાજેલા, ત્યારે કથા પ્રસંગે વાત નીકળી કે શ્રીજીમહારાજે પોતાનો મત ‘વિશિષ્ટાદ્વૈત’ છે, તેમ શિક્ષાપત્રીમાં સૂચવ્યું છે, તો ‘વિશિષ્ટાદ્વૈત’ એટલે શું ? સંતો-હરિભક્તોના વિવિધ પ્રકારે ઉત્તર થયા. પરંતુ તેમાં બાધબાધાંતર આવતાં, કોઈને સંતોષ ન થયો. અંતે સદ્દગુરુશ્રીએ સમજાવ્યું કે, “દ્વૈત” એટલે બે અને “અદ્વૈત” એટલે એક. પરંતુ “વિશિષ્ટાદ્વૈત” એટલે બે છતાં એક એટલે કે “મહારાજ અને અનાદિમુક્ત પરભાવમાં બે હોવા છતાં મુક્ત મૂર્તિમાં રહ્યા એટલે મહારાજ એક જ રહ્યા.” એ ન્યાયે બે છતાં એક. કેવો સરળ અને ટૂંકો અર્થ ! કોઈ વિદ્વાન કે પંડિત કે શાસ્રીઓ આવો સચોટ ઉત્તર ન કરી શકે. આ તો અનુભવી જ આવા ગૂઢ રહસ્યોને સમજાવી શકે.

ગમે તેવા મોટા પંડિત હોય, વિદ્વાન હોય કે પછી હજારો-લાખોને રંજન કરાવનારા સાચા વક્તા હોય પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજીની સામે બેસી વચનામૃતના પ્રશ્નો પૂછવાની કોઈ હિંમત ન કરે. ગમે તેટલો જૂનો હરિભક્ત હોય.. ગમે તે સંસ્થામાં જોડાયેલો હોય પરંતુ પ.પૂ. બાપજીનો માત્ર ર કલાક સમાગમનો લાભ લે તો એના બધા જ બંધનો તૂટી જાય. એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈની ટોકરી ન વાગે, એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈને માથું ન નમે, કોઈ દેવ-અદેવની આસ્થા ન રહે.

વર્તમાનકાળે એવા એનક દષ્ટાંતરૂપ પાત્રો હાજર છે કે જેઓ વર્ષોથી સત્સંગમાં હતાં પરંતુ શ્રીજીમહારાજની ઉપાસના, નિષ્ઠા જેમ છે તેમ સમજાયી ન હતી. જે ગુરુદેવ પ.પૂ. બાપજીના માત્ર અલ્પ સહવાસમાં એમની જાણે વર્ષોની ખોટ ભાંગી ગઈ. શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ નિષ્ઠા દઢ થઈ થઈ.

એક વખત સદ્‌. વૃંદાવનસ્વામી ધ્રાંગધ્રા મંદિરમાં બિરાજતા હતા, ત્યાર એક પંડિતજી સદ્‌ગુરુશ્રીની કસોટી કરવા આવ્યા. તેમણે આવી, સદ્‌ગુરુશ્રીને પ્રશ્ન પૂછયો કે, “સ્વામીજી ! તમે કાશી જોઈ છે ?” અનુભવી એવા આ સમર્થ સદગુરુશ્રી, પંડિતજી પ્રત્યે બોલ્યા, “પંડિતજી ! તમે કઈ કાશીની વાત કરો છો ?”' નાની કાશી કે મોટી કાશી ? પંડિતજી આવ્યા હતા સદ્‌ગુરુશ્રીની કસોટી કરવા. પરંતુ કસોટી તો પોતાની જ થઈ ગઈ. સદ્‌ગુરુશ્રીનો પ્રશ્ન સાંભળી પંડિતજી માથું ખંજવાળવા માંડ્યા. પરંતુ શું બોલે ? આ તો અનુભવીની વાતો હતી. અંતે મુંઝાયેલા પંડિતજી કહે, “સ્વામીજી, આ તમારી વાતમાં કંઈ સમજણ નથી પડતી. કાશી તો એક જ છે, એવું મે સાંભળ્યું છે. આ બીજી કાશી ક્યાંથી આવી ? એમાંય નાની કાશી એટલે શું ? અને મોટી કાશી એટલે શું ?!”

પછી સદ્‌ગુરુશ્રી બોલ્યા, “પંડિતજી ! તમે જે કાશીની વાત કરો છો, તે નાની કાશી અને જ્યાં ઇન્દ્રિયો-અંતઃકરણની ધારા કુંઠિત થાય એવા જંગમતીર્થરૂપ સત્પુરુષ એ મોટી કાશી” કેવો સચોટ અને રહસ્યાર્થ ઉત્તર !

વર્તમાનકાળે પણ આ જ રીત ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં દેખાય. ગમે તેવો ભણેલો-ગણેલો, વચનામૃતનો અભ્યાસી આવે અને ભાત-ભાતના પ્રશ્ન પૂછે પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજી એક જ પ્રશ્ન એવો પૂછે કે એનો ઉત્તર કરવામાં એ માથુ જ ખંજવાળે ક્યો પ્રશ્ન ? તો આ વાક્યનો ગુજરાતી ભાષામાં અર્થ શું થાય ? ગુરુદેવ પ.પૂ.બાપજીના આ પ્રશ્નો જવાબ આપવામાં સંપ્રદાયના વિદ્વાનો અને પંડિતો પણ પાછા પડી જાય. આ ઉત્તર તો અનુભવી જ આપી શકે. ખરેખર જેમ સદ્‌. વૃંદાવન સ્વામી માટે “જ્ઞાનાચાર્ય” શબ્દ પ્રયોજવો એ ઉચિત છે તેમ ગુરુદેવ પ.પૂ. બાપજી માટે “વચનામૃતના આચાર્ય” એ શબ્દ પ્રયોજવો જરૂરા જરૂર ઉચિત છે.

 

(૪) સાધુતાની મૂર્તિ :

સદ્‌. વૃંદાવન સ્વામી એટલે સાધુતાની મૂર્તિ.

ધીર, ગંભીર અને સૌમ્ય મૂર્તિ એવા સદગુરુશ્રીનાં દર્શન માત્રે સંકલ્પનો વિરામ થઈ જાય અને દિવ્યપુરુષ છે એવો સહેજે અહેસાસ થાય. પંચવર્તમાન પાળવા-પળાવવાનો સદગુરુશ્રીનો એટલો બધો ખટકો કે નાના-મોટા કોઈ સંત-હરિભક્તો સદ્‌ગુરુશ્રીની રુચિ લોપી જ ન શકે.

પહેલાંના જમાનામાં ટપાલ ટિકિટમાં રાણી વિક્ટોરીયાની છાપ આવતી. સદ્‌ગુરુશ્રી તેને પણ ન અડે. “આ તો સ્ત્રીની છાપ છે.” શ્રીહરિનું અલ્પ વચન પાળવાનો કેટલો આગ્રહ ! ૯૪ વર્ષની મોટી ઉમરે સદ્દગુરુશ્રી અંતર્ધ્યાન થયા ત્યાં સુધી સ્વાવલંબીપણે પોતાની સર્વે દેહિક ક્રિયા કરતા. સદ્‌ગુરુશ્રીએ તુંબડી-પત્તરનો જ ઉપયોગ કર્યો અને સ્ત્રી-દ્રવ્યના ત્યાગી થઈ એવું સાધુતામય જીવન જીવ્યા કે, “પોતાનું જીવન જ એક ઉપદેશ બની ગયું.”

ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનને જેણે જેણે નિહાળ્યું છે તેમના મુખે પણ ગુરુદેવ પ.પૂ. બાપજી માટે એક જ ઉચ્ચાર છે કે, ગુરુદેવ ૫.પૂ. બાપજી એટલે સાધુતાની મૂર્તિ. વર્તમાનકાળે હજારો-લાખો હરિભક્તોના ગુરુ સ્થાને હોવા છતાં ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં સાદાઈ સવિશેષ જોવા મળે. ઓઢવા-પહેરવાથી માંડીને જમવા સુધીમાં સંપૂર્ણ સાદાઈવાળુ જીવન. લાખો કરોડોના દાન કરનારા હરિભક્તો સેવા કરવા તૈયાર છે, પરંતુ એ દિવ્યપુરુષ સારા પદાર્થને ઈચ્છતા જ નથી. એ જ એમની મોટામાં મોટી સાધુતા છે. ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં કદી ઉપવાસની ભાવના દેખાય જ નહિ. સદાય પડદાની પાછળ રહીને જ કાર્ય કરે. બીજાને આગળ કરે. હંમેશાં સેવકભાવે જ વર્તે. દાસત્વભાવ એ જ જાણે એમનું ઘરેણું છે.