ગુરુદેવ પ.પૂ. બાપજીમાં સદ્. મુનિસ્વામીના દર્શન

ગુરુદેવ પ.પૂ. બાપજીમાં સદ્.મુનિસ્વામીના (કેશવપ્રિયદાસજી સ્વામી) દર્શન

જીવનપ્રાણ બાપાશ્રીના અતિ વ્હાલા અને અંગત સેવક તરીકે સેવા કરનાર જો કોઈ સંત હોય તો તે હતા અનાદિમુક્ત મહાસમર્થ સદ્‌. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીશ્રી એટલે કે આપણા સૌના વ્હાલા મુનિસ્વામી.

મુનિસ્વામી એટલે મુનિસ્વામી.

વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાના જ્ઞાનગુરુ સદ્‌. મુનિસ્વામીનો અપાર મહિમા વર્ણવતા કહેતા કે, અનંતકોટિ બ્રહ્માંડોના અનંત જીવો આ દિવ્યસત્પુરુષની આગળ બે હાથ જોડીને ઊભા રહે ને સદ્‌. મુનિસ્વામી જો સંકલ્પ કરે કે, “જાવ, મૂતિના સુખમાં” તો અનંત બ્રહ્માંડોના અનંત જીવોને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં જતા સહેજ પણ વાર ન લાગે. એવો આ દિવ્ય પુરુષનો અદ્ભુત પ્રૌઢ પ્રતાપ. પોતાના ગુરુના કલ્યાણકારી ગુણો પણ મળેલા ગુરુજી બાપજીમાં બેઠા ઈદમ દર્શન થાય છે.

 

૧) સંસારની અનાસક્તિ :

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સાક્ષાત સ્વરૂપ સમાન સદ્‌. મુનિસ્વામીમાં પ્રથમથી જ વૈરાગ્ય હતો. સમગ્ર જીવન વૈરાગ્યમય જ હતું.

કિશોર અવસ્થાએ પહોંચેલા આ મુક્તરાજ હીરાભાઈ (સદ્‌. મુનિસ્વામી)ને તેમના પિતાશ્રી માંડણભાઈ ક્યારેક ખેતરમાં મોકલતા અને કહેતા કે, “ખેતરમાં ઘઉં વાવ્યા છે, તો જરા સાચવજો. ચકલા ઉડાડજો. બરાબર ધ્યાન રાખજો.” આમ પિતાશ્રીની આજ્ઞા થતાં નાનાભાઈ (પ્રાગજીભાઈ)ને સાથે લઈ પોતે ખેતરમાં જતાં પણ આપવા ખાતર ધ્યાન આપતા અને નાનાભાઈ (પ્રાગજીભાઈ)ને કહેતા કે, “આપણે તો ઘઉં ખાવા રહેવું નથી, ને જો તારે ખાવા હોય તો તું ચકલાને ઉડાડ... મારે કાંઈ ચકલા ઉડાડવા નથી.”

પ્રાગજીભાઈ તો મોટાભાઈ (હીરાભાઈ)ની આ વાતો સાંભળી વિચારતા, “મોટાભાઈ આ શું બોલે છે ? આમ કેમ બોલતા હશે ?” પણ આવી અગમવાણી ઉચ્ચારતા આ મુક્તરાજના વિરાટ સંકલ્પોની કોને ખબર પડે ?

આવો જ એક બીજો પ્રસંગ બન્યો.

એક દિવસ ચાણપરમાં સદ્‌. શ્રી મોરલીમનોહરદાસજી સ્વામીનું મંડળ આવેલું. મુક્તરાજ રતનપુરથી પહોંચી ગયા ચાણપર સંતોની સેવામાં. મુક્તરાજે સદ્‌. મોરલીમનોહરદાસજી સ્વામીને સાધુ થવાનો સંકલ્પ જણાવી દીધો. પછી તો કોઈનેય પૂછયા વગર કે કહ્યા વગર મુક્તરાજ ચાલી નીકળ્યા સ્વામીની સાથે સુરેન્દ્રનગર. માંડણભાઈએ સુરેન્દ્રનગર આવી સદ્‌. મોરલીમનોહરદાસજી સ્વામીને વાત કરી એટલે કે સ્વામીશ્રીએ એક પાર્ષદ સાથે મુક્તરાજને માંડણભાઈ સાથે મોકલ્યા.

મુક્તરાજ નીકળ્યા તો ખરા પણ અંતરમાં ઇચ્છા નહીં. મુક્તરાજ ઘરે આવી ખાટલે બેઠા અને હરિબા (માતા)તો તેમનાં દર્શન થતાં રાજી થઈ ગયા અને મુક્તરાજને જમાડવા માટે કંસાર કરવા લાગ્યા. તે દરમ્યાન મુક્તરાજે પિતાશ્રી પાસે બે ધોતિયા માંગ્યા અને તે મેળવીને ઠાકોરજી જમાડ્યા વગર જ પોતે ચાલી નીકળ્યા. માતુશ્રીને ખબર પડતા ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. માતા હરિબા બેભાન થઈ ગયા. અતિ દયાળુ એવા આ મુક્તરાજ જાણે કઠોર બન્યા હોય તેમ પોતાના પ્રગટ થવાના હેતુને સિદ્ધ કરવા માટે ચાલી નીકળ્યા.

આમ, મુક્તરાજ હીરાભાઈ (સદ્‌. મુનિસ્વામી)માં બાળ અવસ્થાથી જ અત્યંત વૈરાગ્ય ઝળહળતો.

વર્તમાનકાળે આપણને મળેલા દિવ્ય પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્યજીવનમાં સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પહેલાં અને દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ અત્યંત વૈરાગ્યવંતુ જીવન જોવા મળે.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પૂર્વાશ્રમનું નામ હતું દેવુભાઈ. દેવુભાઈ એટલે ત્યાગ-વૈરાગ્યની મૂર્તિ. દેવુભાઈનો વૈરાગ્ય જોઈને સંબંધીઓ અને સૌ ગ્રામજનો દંગ રહી જતા. ક્યારેક ક્યારેક મુક્તરાજ દેવુભાઈને નછુટકે કરિયાણાની દુકાનમાં અનાજ વગેરે વેચવા બેસવું પડતું. પરંતુ જે મુક્તરાજ અનંતને શ્રીજીમહારાજની મૂર્તિ વહેંચવા આવ્યા હોય તેમને આલોકની વસ્તુઓ વેચવામાં તો રુચિ હોય જ શાની ? ભલે દુકાનમાં બેઠા હોય પણ વૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિમાં જ હોય અને ક્યારેય સંબંધીએ અને વસ્તુ લેવા આવનાર ગ્રામજનોને મર્મવચનમાં પોતાની રુચિ કહી પણ દેતા કે, “હું કાંઈ તમારું પાવરી તેલ, ઘી, ગોળ વેચવા નથી આવ્યો. હું તો અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.”

આવી રીતે મુક્તરાજ દેવુભાઈમાં (ગુરુદેવ પ.પૂ.બાપજી) બાળ અવસ્થાથી જ અનાસક્તિ અને વ્યવહારની અરુચિ સ્હેજે દેખાઈ આવતી.

આમ, સદ્‌. મુનિસ્વામીમાં રહેલા વૈરાગ્યમય જીવન અને સંસાર પ્રત્યેની અનાસક્તિના દર્શન ગુરુદેવ પ.પૂ. બાપજીમાં પણ સહેજે જોવા મળે.

 

૨) ગુરુમાં દિવ્યભાવ અને મહિમા :

ગુરુની રુચિમાં રહી ગુરુના રાજીપામાં જ રહેવા જાણે પોતે ટેવાયેલા હોય તે રીતે સદ્‌. મુનિ સ્વામી ક્ષણે ક્ષણે પોતાના ગુરુની રુચિને સાચવે. ગુરુની રૃચિ એ જ પોતાનું જીવન અને રાજીપો એ જ સાચી મૂડી.

સ્વામીશ્રી પોતે ગુરુ મોરલીમનોહરદાસજીની ભક્તિભાવથી એવી સેવા કરતા કે બીજું કોઈ એવી સેવા કરી જ ન શકે. ગરમ-ગરમ ફુલકા રોટલી બનાવે ને રોટલી જરા પણ દાઝવા ના દે અને જો દાઝે તો કોરેથી એટલી રોટલી કાઢી નાખે અને ગુરુને પીરસે. ગુરુને રાજી કરવાનો કેવો આગ્રહ !

ગુરુના ચરણ દાબે, ધોતિયા ધૂવે, સુકવે, પૂજા પાથરે ને વળી કથા કીર્તનમાં પણ પહેલા અને આમ દિવ્યભાવે સેવા કરી ગુરુને રાજી કરી લીધા. આમ, વર્ષો સુધી ગુરુની સેવામાં રહી ગુરુનો રાજીપો લેવાની સૌને લટક શીખવાડી.

આવી જ રીતે, સદ્‌. મુનિસ્વામીને બાપાશ્રીના સાંનિધ્યમાં રહેવાનો જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે એ વાતનો અખંડ દ્રઢાવ વર્તતો કે, આ દિવ્ય સ્વરૂપની સેવા મારા સુધી હોય જ ક્યાંથી ? અને એટલે સદ્‌. મુનિસ્વામી ટાણે-ટાણે બાપાશ્રીની રુચિ-અરુચિ જાણી ભુખ, તરસ, થાક, ઊંઘ, ઉજાગરાની પરવા કર્યા વગર બાપાશ્રીની અહોનિશ દિવ્યતા સભર સેવા કરતા.

બાપાશ્રીને જગાડી દાંતણ કરાવવું, ધોતિયું મૂકવું, જળ ગરમ કરી આપવું, સ્નાન કરાવવું, પૂજા પાથરવી, તિલક ચાંદલો કરવો, હાથ પકડી બેઠા કરવા, ચરણ દબાવવા વગેરે સેવા એટલા અહોભાવથી કરતા કે જેવી સેવા મૂળજી બ્રહ્મચારી શ્રીજીમહારાજની કરતા.

આપણને મળેલા ગુરુદેવ ૫.પૂ. બાપજીમાં પણ આપણને સદ્‌.મુનિસ્વામી પ્રત્યેનાં અનહદ ગુરુમહિમાના દર્શન થાય. ગુરુદેવ ૫.પૂ.બાપજી સદ્‌. મુનિસ્વામી સાથે કોઈ મંદિરમાં હોય કે પછી બહાર વિચરણમાં પરંતુ સદ્‌.મુનિસ્વામીની સેવાનો લાભ મળે એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી માટે તો જાણે ઘી-ગોળના ગાડા. સદ્‌. મુનિ સ્વામીની આજ્ઞા અને રુચિમાં રહીને નીચી ટેલની સેવા કરવામાં પણ ગુરુદેવ ૫.પૂ. બાપજીએ નાનપ નથી રાખી. બસ, આ દિવ્ય પુરુષની સેવા મારા સુધી હોય જ ક્યાંથી ? એવા અહોભાવથી વર્ષો સુધી ગુરુદેવ ૫.પૂ. બાપજીએ તેમની સેવા કરી, અને અનહદ રાજીપો મેળવ્યો હતો. સૌ સંતોમાં ગુરુદેવ પ.પૂ. બાપજીનો સદ્‌. મુનિસ્વામીની સેવા કરી તેમનો રાજીપો મેળવવાનો આગ્રહ જુદો જ તરી આવતો.

આ રીતે સદ્‌. મુનિસ્વામીના દિવ્ય કલ્યાણકારી ગુણોનાં દિવ્યદર્શનની અનુભૂતિ આપણને દિવ્ય સત્પુરુષ ગુરુદેવ ૫.પૂ. બાપજીમાં સહજ રીતે જોવા મળે છે.

ગુરુદેવ પ.પૂ. બાપજી સદ્‌. મુનિસ્વામીનો ખૂબ જ મહિમા સમજાવતા અને કહેતા કે, “એક દિવસ મને કોઈએ પૂછયું કે આપને સદ્‌. મુનિસ્વામીનો કેવો મહિમા ?” ત્યારે ઉત્તરમાં ગુરુદેવ પ.પૂ. બાપજી કહેતા કે, “સદ્‌. મુનિસ્વામીની દાઢી મને બહુ ગમતી. એવી ધોળી-ધોળી દૂધ જેવી કે એ મુનિબાપાની ધોળી દાઢીના પણ જે દર્શન કરે એનું પણ પુરું થઈ જાય. આવો પ્રતાપ સદ્‌. મુનિસ્વામીનો છે.”

વળી, ગુરુદેવ પ.પૂ. બાપજી કહેતા કે, “મારી પૂજામાં બધાય સદ્‌ગુરુઓની મૂર્તિઓ છે, પરંતુ બીજા સદ્‌ગુરુઓની એક મૂર્તિ રાખું છું, જયારે મુનિસ્વામીની બે મૂર્તિ રાખું છું. આવો મહિમા મને છે.”

 

3) ધ્યાનનો આગ્રહ :

સદ્‌. મુનિસ્વામીને ધ્યાનનો આગ્રહ ખૂબ હતો. “મૂર્તિને ભૂલી કોઈ ક્રિયા કરવી નહિ... ક્રિયારૂપ નહી. પરંતુ મૂર્તિરૂપ થઈ અખંડ મૂર્તિમાં સંલગ્ન રહેવાય એ જ ખરું કરવાનું છે.” આ વાતને લક્ષમાં રાખી તેમનું વિચરણ રહેતું તેમજ બીજાને પણ આ વાતનો દ્રઢાવ સહજભાવે કરાવતા.

સદ્‌. મુનિસ્વામીનો ધ્યાનનો આગ્રહ એટલો બધો કે રાત્રે બધાની સાથે પોઢી જાય, પરંતુ થોડીકવાર થાય ત્યાં તો પોતે જાગી જાય એટલે નેત્ર બંધ કરી સ્વસ્તિક આસનવાળી ધ્યાનમાં બેસી જાય. એવા ઊંડા ઉતરી જાય કે સ્થળ, સમય અને દેહનું ભાન જ ન રહે. અડધી રાત્રે કોઈ સેવક ઊઠે તો સ્વામીશ્રીના કાયમ ધ્યાનસ્થ સ્થિતિમાં જ દર્શન થાય.

ગુરુદેવ ૫.પૂ. બાપજી એટલે ધ્યાનની મૂર્તિ. ૨૩ વર્ષની કિશોર અવસ્થાએ ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી ગુરુદેવ પ.પૂ. બાપજીને ધ્યાનને ખૂબ આગ્રહ રહેતો.

એ પહેલાં પૂર્વાશ્રમમાં હતા ત્યારે પણ સળંગ ૧૬-૧૬ કલાક સુધી ધ્યાન કરતા. અવરભાવમાં સત્સંગ પ્રવૃત્તિનો વ્યવહાર કરવા છતાં પણ પોતે વ્યવહારથી સાવ નિર્લેપ રહી, મહારાજની મૂર્તિમાં ધ્યાન દ્વારા અખંડ જોડાયેલા રહેતા.

સળંગ ૧૬-૧૬ કલાક સુધી બેસીને એક આસને ધ્યાન તે કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે. એ તો જે મહારાજના ધામમાંથી પધારેલ હોય અને અખંડ મૂર્તિમાં રહીને, મહારાજ જ જેમની સર્વે ક્રિયા કરતા હોય તેવા સત્પુરુષ જ કરી શકે.

 

4) આધ્યાત્મિક વારસદાર :

જીવનપ્રાણ અબજીબાપાશ્રી સમકાલીન સર્વ મોટા મોટા સદ્‌ગુરુઓ એક પછી એક આ લોકમાંથી અદશ્ય થઈ ગયા હતા. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના અલૌકિક કાર્યની પૂર્ણ જવાબદારી જાણે કે બાપાશ્રીએ સદ્‌. મુનિસ્વામીને સોંપી હતી તેમ બાપાશ્રી અને સદ્‌ગુરૂઓના અંતર્ધ્યાન થયા બાદ સદ્‌. મુનિસ્વામીએ બાપાશ્રીના હેતવાળા સમગ્ર સત્સંગ સમાજને સાચવ્યો અને સુખીયો કર્યો. કારણ સત્સંગરૂપી બાગના ઉત્તમ માળી તરીકે દેહાંત પર્યત પોતે સેવા કરતા જ રહ્યા, અને બાપાશ્રીનો આધ્યાત્મિક વારસો સંભાળ્યો.

ગુરુદેવ ૫.પૂ. બાપજીને પણ સદ્‌. મુનિસ્વામીએ આવી જ આધ્યાત્મિક જવાબદારી સોપી અલૌકિક સુખનો વારસો અર્પણ કર્યો.

એક દિવસ સદ્‌. મુનિસ્વામી પ્રસન્ન થકા બિરાજેલા અને ગુરુદેવ પ.પૂ. બાપજી દંડવત કરીને બેઠા ત્યારે અંતર્યામી એવા સદ્‌ગુરુશ્રી બોલ્યા, “સ્વામી, બોલો શું કહેવું છે ?” ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કહે, “બાપા, રાજી થઈ તમારો સિદ્ધાંતનો વારસો આપો. આપના જ્ઞાનનો વારસો આપો દયાળુ ! બસ આ એક જ અરજ છે.” તેથી સદ્‌ગુરુશ્રી અઢળક ઢળ્યા. પોતે પાત્ર તો શોધી જ રહ્યા હતા બાપાશ્રીના સંકલ્પને યથાર્થ જાણનારા સદ્‌ગુરુશ્રી બોલી ઊઠ્યા, “સ્વામી, મહારાજના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર માટે તો આપણો જન્મ છે. બાપાશ્રીના પોતાના સિધ્ધાંતોનો વારસો તો તમે લઈને જ આવ્યા છો પણ અમે ન હોઈએ ત્યારે બાપાશ્રીના હેતવાળા સમાજને તમે સુખિયા કરજો. બાપાશ્રીનો એમાં બહુ જ રાજીપો છે.” એમ કહી પ્રસન્ન થકા સદ્‌ગુરુએ મસ્તકે બે હાથ મૂકી દીધા અને પોતાનો આધ્યાત્મિક વારસો અર્પણ કર્યો.

આમ ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે જીવનપ્રાણ બાપાશ્રી અને સદ્‌. મુનિસ્વામીના આધ્યાત્મિક વારસદાર. આવા અનંતાનંત દિવ્ય કલ્યાણકારી ગુણેયુક્ત એવા ગુરુદેવ પ.પૂ.બાપજી જેવા દિવ્ય સત્પુરુષનો જોગ આપણને સહેજે સહેજે સાંપડ્યો છે. આ દિવ્યપુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીનો દિવ્યભાવ અને મહિમા જાણીએ, સમજીએ અને દઢ કરીએ તો જ મહારાજ રાજી થાય.