બાપજીની અમૃત વાતો

Bapji Ni Vato

Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ શ્રીજીમહારાજના અન્વય અને વ્યતિરેક સ્વરૂપની ચોખવટ કરવા સભામાં પૂછ્યું કે, “શ્રીજીમહારાજનાં બે સ્વરૂપ છે : એક વ્યતિરેક સ્વરૂપ અને બીજું અન્વય સ્વરૂપ બરાબર ને ?” ફરી તેઓએ પૂછ્યું કે, “બે સ્વરૂપ કહેવાય કે નહીં ?”  હરિભક્તોએ ઉત્તર કર્યો કે, “બે સ્વરૂપ ન કહેવાય.” પછી ફરી તેઓએ પૂછ્યું કે, “ત્યારે શું કહેવાય ?” હરિભક્તોએ કહ્યું કે, “મહારાજનું દિવ્યાતિદિવ્ય સ્વરૂપ એક જ છે અને તે વ્યતિરેક સ્વરૂપ જ છે.” ફરી તેઓએ પૂછ્યું, “તો પછી બે સ્વરૂપ જુદાં કેમ કહીએ છીએ ?” હરિભક્તોએ કહ્યું, “બે લાઇન જુદી પાડવા માટે.” ફરી તેઓએ પૂછ્યું, “બે લાઇન જુદી પાડવા એટલે શું ?” હરિભક્તોએ કહ્યું, “એકને શ્રીજીમહારાજનો સાક્ષાત્ સંબંધ છે. તો વળી કોઈને શ્રીજીમહારાજની સત્તાનો સંબંધ છે. પરંતુ બધાયને શ્રીજીમહારાજનો વ્યતિરેક સંબંધ નથી. માત્ર ચાર વર્ગનાને જ વ્યતિરેકનો સંબંધ છે અને બીજા બધાને અન્વયનો સંબંધ છે.” બધાયે ઉત્તરો બરાબર જણાવ્યા હતા પરંતુ પ.પૂ. બાપજીને સંતોષ નહોતો. પછી ફરી હરિભક્તો બોલ્યા કે, “સકામ અને નિષ્કામ એમ બે પ્રકારના ભક્તો છે એટલે આ બે લાઇન જુદી પાડી.” તોપણ પ.પૂ. બાપજીને જે ઉત્તર જોઈતો હતો તે આવતો ન હતો.  પછી બધાયે પ્રાર્થના કરી કે, “બાપજી, આપ જ ઉત્તર કરો...”  પછી પ.પૂ. બાપજીએ યથાર્થ ઉત્તર કરતાં કહ્યું કે, “વ્યતિરેકની લાઇન એ મોક્ષ માટેની છે અને અન્વયની લાઇન મોક્ષની નથી. તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કાર્ય માટે છે. મોક્ષ એટલે શું ? મહારાજનું સ્વરૂપ એ જ મોક્ષ. જીવાત્માને જેમ છે તેમ મહારાજનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે એને મહારાજના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે. મહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થાય ત્યારે જીવાત્માનો મોક્ષ થાય છે. હવે આનો ગુજરાતી અર્થ શું થયો ? કે અનંતકોટિ બ્રહ્માંડમાં મોક્ષનું સ્વરૂપ એક જ છે. અને તે આ શ્રીજીમહારાજનું વ્યતિરેક સ્વરૂપ જ !! વ્યતિરેકની લાઇન મોક્ષ માટે છે અને અન્વયની લાઇન ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનાં કાર્ય માટે છે. અન્વય અને વ્યતિરેક બંને લાઇન સમજાય તો અનંતકોટિ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ સિવાય બીજો કોઈ સનાતન ભગવાન નથી અને અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈની પાસે કશું ચપટીયે નથી. આ સમજવા માટે બે લાઇન કહી છે.”
Bapji Ni Vato “સત્સંગમાં બહુ બીમારી છે. લોકો એવું સમજાવે છે કે, વ્યતિરેકના સંબંધવાળા અને અન્વયના સંબંધવાળા બંનેમાં કર્તાપણું મહારાજનું જ છે. તો પછી અન્વયના સંબંધવાળાને કેમ માનતા નથી ? જો કર્તાપણું મહારાજનું જ હોય અને એમને માનીએ નહિ તો અપરાધ ન થાય ? અને બીજું એમ પણ કહે છે કે બધાય અવતારો શ્રીજીમહારાજના છે. ભલેને અન્વયના અવતારો રહ્યા પણ છે તો શ્રીજીમહારાજના જ ને !! તો જો એની સેવા-પૂજા ન કરીએ તો એ શ્રીજીમહારાજનો જ દ્રોહ છે. તો આ વાત સાચી કે ખોટી ? તેને કેમ સમજવું ?” પછી હરિભક્તોએ ઉત્તર કર્યા પણ યથાર્થ ઉત્તર હાથમાં આવ્યો નહીં.  પછી પ.પૂ. બાપજીએ આ વાત સમજાવી કે, “બંને લાઇન (અન્વય-વ્યતિરેક)ના કર્તા મહારાજ છે તેમાં વ્યતિરેકના સંબંધવાળાના સીધા કર્તા છે અને અન્વયના સંબંધવાળાના સીધા કર્તા નથી; તેમાં અન્વય સ્વરૂપે એક કિરણ દ્વારા કર્તા છે. એમ અન્વયના સંબંધવાળા ઐશ્વર્યાવેશ અવતારોને શ્રીજીમહારાજનો સીધો સંબંધ નથી એટલે અન્વયની લાઇન મોક્ષની નથી. તેમને માનવા-પૂજવાથી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. જ્યારે વ્યતિરેક સ્વરૂપ (શ્રીજીમહારાજ) કલ્યાણનું સ્વરૂપ છે. મહારાજના વ્યતિરેક સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ એ જ કલ્યાણ. જેને કલ્યાણનું સ્વરૂપ હાથમાં આવ્યું પછી એને અન્વયવાળાને માનવા-પૂજવાની જરૂર રહેતી નથી; કારણ કે એનો આત્યંતિક મોક્ષ થઈ ગયો. જેમ રાજાનો કુંવર હોય એને કોઈ અધિકારી કાંઈ કરી શકે નહિ અને કુંવરને કોઈ અધિકારીને સલામ કરવાની કે સેવા કરવાની રહેતી નથી. એમ મહારાજનો સાક્ષાત્ સંબંધ થયા પછી અન્વયવાળા સાથે કાંઈ લેવા-દેવા રહેતા નથી એટલે અન્વયવાળાને ન માને અને ન રાખે એમાં કાંઈ અપરાધ થઈ જતો નથી. એકમાત્ર શ્રીજીમહારાજને જ દૃઢપણે માનવા ને બીજા અન્વયના સંબંધવાળાની ઉપાસના-ભક્તિ ન કરવાથી શ્રીજીમહારાજની નિષ્ઠા ને પતિવ્રતાની ભક્તિ દૃઢ થાય છે એટલે શ્રીજીમહારાજનો અપરાધ નહિ પણ ખૂબ રાજીપો થાય છે. અને જો અન્વયવાળાનો ભાર રહે તો હજુ એણે મહારાજના સ્વરૂપને યથાર્થ ઓળખ્યું જ નથી.”
Bapji Ni Vato સભામાં અમદાવાદના ૭મા વચનામૃતમાં આવતી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડોની પૃથ્વી ડગવા લાગે.” અહીંયાં મહારાજે અંગૂઠાની વાત કરી તો અંગૂઠે કરીને કેવી રીતે ડગે ? બધુંય કર્તાપણું એમનું જ છે તો એમને અંગૂઠો અડાડવો પડે ખરો ? આ તો લોકોને ખબર નથી કે સર્વના કર્તા-હર્તા એક સ્વામિનારાયણ ભગવાન જ છે એટલે આ શબ્દ બોલવો પડ્યો. અનંતકોટિ બ્રહ્માંડની પૃથ્વી ડોલવા લાગે એમ કહ્યું તેનો ગુજરાતી અર્થ શું ? તો અનંતકોટિ બ્રહ્માંડ કહ્યા પછી બાકી કેટલાં રહ્યાં ? એકેય બાકી ન રહ્યું !! એટલે મહારાજ એમ કહે છે કે અનંતકોટિ બ્રહ્માંડમાં મારા સિવાય બીજો કોઈ કર્તા છે જ નહીં. બીજો કોઈ કર્તા નથી એટલે શું ? તો, મારા સિવાય બીજો કોઈ સનાતન ભગવાન નથી અને કોઈની પાસે ચપટીયે સામર્થ્ય નથી. એવું સમજીને ભગવાન એવો જે હું તે મારા વિષે નિશ્ચય કરો તો મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં.
Bapji Ni Vato સત્સંગમાં ઉપાસના થવી ઘણી અઘરી છે. કોઈને યથાર્થ ઉપાસનાની દૃઢતા નથી. કંઠી બાંધી હોય, સ્વામિનારાયણ... સ્વામિનારાયણ માળા કરે તેણે કરીને બીજબળ થાય પણ તેથી મોક્ષ ન થઈ જાય. ગાડી નવી હોય, ડીઝલ ભરેલું હોય પણ સરનામું સમજ્યા વગર ગાડી હાંક્યા કરશે તો જશે ક્યાં ? ક્યાં પહોંચશે તે નક્કી નહીં. તેમ નક્કી કર્યા વગર હાંક્યે રાખવાનો અર્થ શું ? એમ મહારાજને ઓળખ્યા વગર સાધન કરવાનો અર્થ શું ? માટે, અમે કાયમ ભલામણ કરીએ છીએ - સંતો કે હરિભક્તો જેટલી તમે સમજણની દૃઢતા કરશો, ઉપાસનાની દૃઢતા કરશો એટલી તમારી સમજણ રહેશે અને એટલી જ ઉપાસના રહેશે. વળી, એટલી જ સમજણ અને ઉપાસનાની દૃઢતા તમે બીજાને કરાવી શકશો.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ કૃપા કરીને લાભ આપતાં જણાવ્યું કે, “સત્સંગમાં કેટલાક કહે છે કે શ્રીજીમહારાજ બધાયમાં રહ્યા છે પણ એવું નથી. આ બરાબર સમજજો. મહારાજ સાક્ષાત્ બધાયમાં નથી રહ્યા. મહારાજ એવા નવરા છે કે જે બીડીયું પીતા હોય એના ભેગા રહીને ધુમાડો ખાવા બેસી જાય ? ગાળ્યા-ચાળ્યા વગરનું બજારું ખાતો હોય તો શું મહારાજ એના ભેળા રહીને એવું જમે ? બધાયને શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્ સંબંધ નથી. જેને નિષ્ઠા અને નિયમ હોય એને જ સાક્ષાત્ સંબંધ છે. એના ભેળા જ મહારાજ હોય. જેને વ્યતિરેકનો સંબંધ હોય એનામાં મહારાજનાં દર્શન થાય બાકી અક્ષરથી લઈને બધે અણુ અણુમાં મહારાજ અન્વય શક્તિએ રહ્યા છે; સાક્ષાત્ રહ્યા નથી. એટલે અણુ અણુમાં સાક્ષાત્ ભગવાન રહ્યા છે એવું સમજવું એ તો મૂરખની સમજણ છે.”
Bapji Ni Vato સમજણ વગરનો સત્સંગ એટલે પાયા વગરનું મકાન, તેને ભૂકંપની જરૂર નહીં. સહેજ વધુ વાયરો આવે તોય પડી જાય. જેને સમજણ નથી એને સત્સંગમાંથી પડતા વાર ન લાગે. સત્સંગમાં એનો કોઈ ધડો નહીં. સત્સંગમાં સમજણનો ઘણો અભાવ જોવા મળે. ઘણા ભણેલા સારા વક્તાઓ હોય છતાં એમને અનુભવી સત્પુરુષના સંગના અભાવે અણસમજણ રહેતી હોય છે.  તે ઉપર પ.પૂ. બાપજીએ દૃષ્ટાંત આપ્યું કે, એક ૬૫ વર્ષની ઉંમરના સાધુ હતા. એમણે સભામાં વાત કરી કે સહજાનંદ સ્વામી સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે અને આત્યંતિક મોક્ષનો મુદ્દો ભાગવતમાં લખ્યો છે. આ સાંભળી સભામાં બેઠેલા બધાયે તાળીઓ પાડી. એ સભામાં હું (પ.પૂ. બાપજી) પણ બેઠો હતો. મેં તાળી પાડી નહિ અને દુ:ખ થયું કે બેયને (શ્રોતા-વક્તા) સૂઝ નથી. સમજ્યા વગર જ તાળીઓ પાડે છે. આત્યંતિક મોક્ષની વાત શ્રીજીમહારાજ સિવાય કોઈની પાસે છે જ નહીં. તેમણે કીધું કે, સહજાનંદ સ્વામી સર્વોપરી, સર્વ અવતારના અવતારી એટલે તેમણે સર્વ અવતાર કરતાં મોટા કીધા અને પછી આત્યંતિક કલ્યાણનો મુદ્દો ભાગવતમાં કીધો છે એમ કહીને પછી શ્રીજીમહારાજને કરી નાખ્યા છોટા !! આ સમજણનો ઠા ન કહેવાય. ક્યાં સ્વામિનારાયણ ભગવાન અને ક્યાં પરોક્ષ શાસ્ત્ર ! આ બે વાતનો મેળ જ નથી બેસતો એટલે વક્તાને જેવી સમજણ હોય, એનામાં જેટલું ઊતર્યું હોય એવી જ સમજણ અને એટલી જ વાત તે શ્રોતાને આપે છે.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજી કૃપા કરીને બોલ્યા જે, “જેના ઉપર શ્રીજીમહારાજનો અઢળક રાજીપો થાય ત્યારે જ આ મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ ઓળખાય એવું છે. આ સર્વોપરી ભગવાન ને એમના ધામમાંથી આવેલ મુક્તો હોય એ જ ઓળખે અને તેના જોગમાં આવે એને ઓળખાવે. આ બહુ મોટી વાત છે. આ વાત જેમ છે તેમ કહેવાય એવી નથી અને મહીંથી કીધા વગર રહેવાય એવી નથી.  શ્રીજીમહારાજે મફતમાં મનુષ્યજન્મ આલ્યો છે. એનું વળતર આપણે ક્યારેય વાળી શકીએ નહીં. કરોડ રૂપિયા આપતાં આવા કાન ન મળે, આવી આંખ્યું ન મળે. આ બધું આપણને મફતમાં આલ્યું ! મહારાજની આ બધીય બક્ષિસ છે. પણ બક્ષિસ આલતી વખતે શરત કરી હતી કે, આંખે કરીને તું સિનેમા ન જોઈશ. તું ટીવીયું ન જોઈશ. ઘનચક્કર કે ચક્રમ ન વાંચીશ. કાને કરીને સિનેમાનાં ગાયન ન સાંભળીશ. આ આંખે કરીને ભગવાનનાં અને સંતોનાં દર્શન કરજે. કાને કરીને સંતોની કથા સાંભળજે. જો આપણે ટી.વી. જોઈએ તો બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. અનંત જન્મના ફેરા ઊભા કરી નાખે. પણ આવી કોઈએ સૂઝ આપી નથી. આપણું જીવન મનમુખી છે. મનમુખીને જગતનું બધુંય જોઈએ અને ગુરુમુખી હોય એને ભગવાન જોઈએ, ભગવાનનો રાજીપો જોઈએ, પ્રસન્નતા જોઈએ. ભગવાનના નિયમ પાળવા, ફેલફતૂર છોડવા, વ્યસનો મૂકવાં ને ભગવાન ભજવા માટે સાચા સાધુનો સંગ જોઈએ. માટે સાચા સાધુ સાથે હેત કરજો અને એમનો સમાગમ કરજો.”
Bapji Ni Vato “અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે.” આ જીવાત્મા કપટી છે. જન્મોજનમથી કપટ કરતો આવ્યો છે પણ આ ભવાટવીમાંથી છૂટવું હોય તો ભગવાન ને સાચા સંત પાસે નિષ્કપટ થવું પડે, નિર્દોષ થવું પડે, નિર્વાસનિક થવું પડે તો જીવાત્માનો છેલ્લો જન્મ કરે. “લે ઉનકું મન દીજે” એમ કીધું. મન દીજે એટલે શું ? દુનિયાના છેડે જાય તોય ભગવાનના સત્પુરુષથી એનો વિચાર કોઈ દિવસ જુદો હોય નહીં. એનું વર્તન કોઈ દા’ડો જુદું પડે નહિ તો મન આપ્યું કહેવાય. હજારો-લાખો ગાઉ દૂર જાય તો તરત વિચાર આવે કે મારા ભગવાનને આ નથી ગમતું, મારા ગુરુને નથી ગમતું તો મારાથી થાય જ નહિ એવું વર્તે ત્યારે મન અર્પ્યું કહેવાય.
Bapji Ni Vato કોઈ સ્ત્રી પોતાના પતિના ૧૮” x ૨૪”ની સાઇઝના સો ફોટા ઘરમાં રાખે ને સાથે અન્ય પરપુરુષનો ૧” x ૧”નો નાનકડો ફોટો રાખે તો તે પતિવ્રતા કહેવાય ?  આ દૃષ્ટાંત સાવ નાનકડું છે પણ એમાં કેટલો મોટો સિદ્ધાંત  સમાયેલો છે : મંદિરોમાં કે આપણા ઘરમાં શ્રીજીમહારાજની મોટી મૂર્તિ હોય. પણ જો સાથે સાથે અન્ય પરોક્ષ દેવ-અવતારને રાખ્યા હોય... ભલે ને સાઇડમાં નાના હોય તોપણ તેની પતિવ્રતાની ભક્તિ કહેવાય નહીં. શું પતિવ્રતા સ્ત્રી હોય તે આવડો ૧” x ૧”નો નાનો ફોટો પરપુરુષનો રાખે ? ના રાખે.  અને જો એને રાખવો હોય તો એનો ધણી એને રાખવા દેશે ? ન જ રાખવા દે. ને જો સ્ત્રી નાનો એવો પણ પરપુરુષનો ફોટો રાખે તો તેનું પતિવ્રતાપણું જાય ને વ્યભિચારિણી ભક્તિ કહેવાય.  માટે આપણે મંદિરોમાં તથા ઘરમાં પતિવ્રતાની પેઠે મહારાજ અને મુક્તોની મૂર્તિ જ રાખવી.
Bapji Ni Vato બટાકાથી ભરેલ માટલું હોય તેમાં હાથ નાખે તો હાથમાં બટાકા જ આવે. માટલું આખું ઊંધું વાળો કે માટલામાં ઊંચે, નીચે, ગમે ત્યાં હાથ ફેરવો તોપણ બટાકા જ નીકળે. કદી ડુંગળીનો દડો ન નીકળે. પરંતુ બટાકાના માટલામાં હાથ નાખ્યો ને હાથમાં ડુંગળીનો દડો જ આવ્યો એનો અર્થ કે બટાકાના માટલામાં ડુંગળી ભરેલી જ હતી એટલે જ હાથમાં આવી. બાકી જો એકલા બટાકા જ હોય તો બટાકા સિવાય કશું જ હાથમાં આવે નહીં.  એવી રીતે જીવમાં એક શ્રીજીમહારાજની જ નિષ્ઠા હોય તો એકમાત્ર શ્રીજીમહારાજની જ વાતો નીકળે પણ જો સાથે સાથે અન્ય અવતારોની વાતો નીકળે છે તેનો અર્થ કે એના જીવમાં બીજું પરોક્ષ પણ ભરેલું જ છે. એટલે જ એ બહાર આવે છે.
Bapji Ni Vato વડોદરા જવું હોય તો વડોદરાનો જ રસ્તો પકડવો પડે. તો વહેલું-મોડું વડોદરા આવે પણ બધાય રસ્તે આંટા મારવા જાય તો ક્યારેય ન આવે. ખર્ચો થાય, સમય બગડે અને જો મહેસાણાના રસ્તે ચડી જવાય તો વડોદરા છેટું થઈ જાય. એવી રીતે શ્રીજીમહારાજનો જ યથાર્થ નિશ્ચય કર્યો હોય તો જ શ્રીજીમહારાજ હાથમાં આવે પણ જેનો ને તેનો નિશ્ચય હોય - આપણે તો બધાય અવતાર સરખા, કોઈ નાના-મોટા નહીં. એમ સર્વદેશી સમજીએ તો આખી જિંદગી જતી રહે તોપણ શ્રીજીમહારાજનો નિશ્ચય થાય જ નહીં. જેનો ને તેનો મહિમા સમજવાથી શ્રીજીમહારાજ દૂર થઈ જાય માટે શ્રીજીમહારાજનો દૃઢ નિશ્ચય કરીને એ એક જ માર્ગે ચાલવું.