બાપજીની અમૃત વાતો

Bapji Ni Vato

Bapji Ni Vato એક જ ગુરુના ચેલા પચ્ચીસ હોય તોય પચ્ચીસેયની સમજણ જુદી જુદી હશે. તમે જોજો એક ઉપનિષદ વાંચતો હોય તો બીજો વેદાંત વાંચતો હોય. એક ઉગમણે જાય તો બીજો આથમણે હાલે. તો પછી બધાની સમજણ એકસરખી ક્યાંથી થાય ? જો ગુરુને જ મહારાજની એક નિષ્ઠા ન હોય તો ચેલામાં ક્યાંથી આવે ? ગુરુ બધાયના ગુણ ગાતા હોય એટલે ચેલા તે સાંભળીને એવું જ બોલે. મંદિરનું જેવું વાતાવરણ હોય, જેવી ગુરુની સમજણ હોય એ પ્રમાણે જ ચેલામાં સમજણ આવે છે. શ્રીજીમહારાજની જ એક નિષ્ઠા કે દૃઢતા કેમ નથી થતી ? એકમાત્ર શ્રીજીમહારાજની જ નિષ્ઠાની દૃઢતા હોય તેવા અને એવી નિષ્ઠાની દૃઢતા કરાવે એવા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કરોડો જન્મ તૂટી જાય તોય નિષ્ઠાની દૃઢતા ન થાય.
Bapji Ni Vato “માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન (અમે) સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.” એવું ગઢડા પ્રથમના ૨૭મા વચનામૃતમાં લખ્યું છે. પણ વક્તા શું કહે છે ? મહારાજ બધાયમાં રહ્યા છે ! કૂતરાં, ગધેડાં, બિલાડાં, પશુ, પક્ષી, માણસ વગેરે અણુ અણુમાં રહ્યા છે. તો આ વિરોધાભાસ આવ્યો કે નહીં ? આ કોઈએ પૂછ્યું છે ? બસ હરિભક્તોએ તાળિયું જ વગાડી છે. અને કહેશે અમને બહુ લાભ મળ્યો પણ તને બહુ ખોટ ગઈ એની ખબર પડી ? જેને લાભ અને ખોટની ખબર જ ન હોય તે શું કરે ? અહીં મહારાજ કહે છે કે, જેને આવી સમજણ હોય અર્થાત્ આવી જેને અમારી સર્વોપરી નિષ્ઠા હોય એમાં જ અમે સર્વ પ્રકારે નિવાસ કરીને રહીએ છીએ પણ બધાયમાં નહીં ! એટલે કે તેને જ અમારા વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થાય છે પણ બીજાને થતો જ નથી. હવે આવી સમજણ સત્સંગમાં કોને કોને ફરજિયાત કરવી પડે ? તો, નાનામાં નાના હરિભક્તથી લઈને સંપ્રદાયની મોટામાં મોટી વ્યક્તિને પણ ફરજિયાત કરવી પડે.
Bapji Ni Vato નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કોને કહેવાય તેનું રૂપ કર્યું છે. પ.પૂ. બાપજીએ ચારેયના રૂપ યથાર્થ સમજાવ્યાં : વૈરાગ્ય કોને કહેવાય ? કોઈ ગળ્યું-ચીકણું ન ખાતો હોય તેને લોકો બહુ વૈરાગ્યવાળો કહેશે પણ આ ઝાડવા શું ખાય છે ? વાયરો ખાય છે. પેલો ખીચડી કે એકલા બટાકા તો ખાતો હશે ને ? તો આ બેમાંથી વૈરાગ્ય કોનો વધારે ? ઝાડવાનો જ !! ફલાણા ગોદડું પાથરતા નથી પણ કૂતરાં તો ખાડો કરીને સૂવે છે ! તો કોનો વૈરાગ્ય વધુ કહેવાય ? એટલે એ વૈરાગ્ય નથી, વૈરાગ્યનો વેશ છે. “વૈરાગ્યના તો કાઢે બહુ વેશ, પણ વાસના ન ટાળે લેશ; મૂર્તિ વિના સર્વેનો ત્યાગ, એ જ જાણવો સાચો વૈરાગ્ય.” શ્રીજીમહારાજની મૂર્તિ સિવાય બધું જ જીવમાંથી ખોટું ન થાય ત્યાં સુધી સાચો વૈરાગ્ય નહીં. ત્યાં સુધી જન્મો ધરવા પડે. કોઈનો પગ ભાંગ્યો હોય અને ચામડી લબડતી હોય ત્યાં સુધી પગ લટકતો હોય ! તે હેઠો ક્યારે પડે ? ચામડી તૂટે તો હેઠો પડે. એમ જ્યાં સુધી મૂર્તિ સિવાય બીજે સહેજ પણ હેત રહે તો તે લબડતું કહેવાય. એને જન્મ ધરવો પડે. મહારાજની મૂર્તિ સિવાય બધું જ જીવમાંથી ખોટું કર્યું હોય એટલે કે જીવમાંથી બધું કાઢયું હોય એ જ સાચો વૈરાગ્ય છે.
Bapji Ni Vato ભક્તિના ઘણા ભેદ છે. એકાશી પ્રકારની ભક્તિ છે પરંતુ બ્યાશીમી પરાભક્તિ છે.  “મહાત્મ્ય જ્ઞાને યુત ભૂરી સ્નેહો ભક્તિ શ્ચ માધવે.” મહાત્મ્ય અને જ્ઞાનેસહિત અતિશે સ્નેહયુક્ત ભક્તિને ખરી ભક્તિ કીધી છે. પછી પ.પૂ. બાપજીએ પ્રશ્ન પૂછ્યો કે, અતિશય સ્નેહ કોનો છે ? ચાલોચાલનો છે ? એકાંતિકનો છે ? પરમએકાંતિકનો છે ? પછી પોતે જ ઉત્તર કર્યો, અતિશય સ્નેહ તો અનાદિમુક્તોનો છે. “ભક્તિના પણ ઘણા છે ભેદ, તેણે ન થાય જક્ત ઉચ્છેદ; મારી મૂર્તિમાં પ્રેમે રહેવાય, એહ ભક્તિ મુખ્ય કહેવાય.” આ દેહભાવ એ જ જગત છે. આખું જગત આપણને ક્યાં નડે છે ? આ બધી ઉપાધિઓ દેહની છે માટે જગત એટલે દેહભાવ. આ દેહભાવ ક્યારે ટળે ? તો કહ્યું કે, મારી મૂર્તિમાં પ્રેમે રહેવાય. મૂર્તિમાં તો અનાદિમુક્ત રહે છે એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં સહેજે રહેવાય એ શ્રેષ્ઠ ભક્તિ છે. એ પરાભક્તિ છે.
Bapji Ni Vato “જ્ઞાન અનેક પ્રકારે કરે, પણ મૂર્તિ થકી છેટે ફરે; મુખ્ય જ્ઞાન અમારું સ્વરૂપ, થાય તેજોમય તદ્રૂપ.” દુનિયા આખીનું જ્ઞાન હોય, તમામ શાસ્ત્રનું જ્ઞાન હોય પણ તેથી શું વળે ? આ જ્ઞાન તો હિલોળે ચઢાવે. પણ અહીં શું કીધું ? મુખ્ય જ્ઞાન તે મારું સ્વરૂપ. અમારા (શ્રીજીમહારાજના) સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ ઓળખે અને અમારા સ્વરૂપનું ધ્યાન કરે એ જ ખરું જ્ઞાન. પછી ધ્યાન કરીને મૂર્તિરૂપ થવાય એનું નામ અનુભવ જ્ઞાન. આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને પેલામાં આમ લખ્યું છે. આ તો જેમ ચકડોળ ઉપર જાય અને પાછું હેઠું આવે એમ વાચ્યાર્થ જ્ઞાન તો ચગડોળે ચઢાવે. પરંતુ જ્ઞાન એટલે મહારાજના સ્વરૂપને ઓળખવું અને પછી મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવું.
Bapji Ni Vato “ઉપાસના કરે જન ઘણી, દેવી દેવ ને અવતાર તણી; એ પણ ઉપાસના કહેવાય, તેણે પુરુષોત્તમ ન પમાય.” બધાય જાતજાતની ઉપાસના કરે છે. કોઈને બાકી રાખે છે ? બધાની કરે છે તેને ઉપાસના તો કહેવાય પણ છે નહીં. કેમ ? તો તેણે કરીને પુરુષોત્તમ ન પમાય. શ્રીજીમહારાજની પ્રાપ્તિ થાય નહીં. મહારાજનો ભેટો થાય નહીં. તો પછી શું વળ્યું ? “માટે મુખ્ય ઉપાસના કહું, ચિત્ત દઈ સાંભળજો સહુ; તેજોમય છે દિવ્ય સાકાર, એક પુરુષોત્તમનો આકાર.” બધાયે ઉપાસનાની વાત ચિત્ત દઈને સાંભળી નહિ હોય એટલે ટકોર કરી છે કે, “ચિત્ત દઈને સાંભળજો સહુ” કદાચિત સાંભળ્યું હોય તો મહીં ઉતાર્યું નહિ હોય. જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી એનો અમલ થાય નહીં. જે ઉપાસના-ભક્તિએ કરીને સ્વામિનારાયણ ભગવાનની સાક્ષાત્ પ્રાપ્તિ ન થાય તે ઉપાસના કહેવામાત્ર છે. પછી તેમણે કહ્યું કે, “તેજોમય છે દિવ્ય સાકાર, એક પુરુષોત્તમનો આકાર.” એમ કહે છે કે, અનંતકોટિ બ્રહ્માંડમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનો જ દિવ્ય આકાર છે; બાકી બધાય માયિક આકાર છે. હવે મહારાજનો આકાર દિવ્ય નહિ પણ દિવ્યાતિદિવ્ય આકાર છે. એવા જે હોય તે જન્મ ધરે ? એનું પરિવર્તન થાય ? પણ આખો સંપ્રદાય શું કહે છે ? શ્રીજીમહારાજે ૧૮૩૭માં દેહ ધર્યો. જે સદા દિવ્ય સાકાર હોય તે કોઈ દિવસ નિરાકાર થાય ખરા ? તેને દેહ-દેહીભાવ હોય ખરો ? માટે અમને આવા સદા સાકાર ને દિવ્યાતિદિવ્ય સમજવા. “તેને છેટે મેલે નહિ અણું, એ જ ચોખ્ખી ઉપાસના ગણું.” જેને શ્રીજીમહારાજ જેવા એવા કાયમી દિવ્ય થવું હોય તો તેના માટે કહ્યું કે, “તેને છેટે મેલે નહિ અણું.”  આ વાત પરમએકાંતિકની છે. આ હજુ અધૂરી ઉપાસના છે ને પરમએકાંતિકની ઉપાસના છે.
Bapji Ni Vato પહેલાં અવરભાવની ઉપાસના દૃઢ થાય. જેને અવરભાવની ઉપાસના દૃઢ હોય એને જ મહારાજ પરભાવની ઉપાસના કરાવે છે. અવરભાવની ઉપાસના એકડો છે. જેને અવરભાવની ઉપાસનાની જ ખબર ન હોય એને પરભાવની ઉપાસના થાય જ નહીં. અનંતકોટિ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ સિવાય બીજા કોઈ સનાતન ભગવાન નથી અને તેનું અન્વય-વ્યતિરેકપણું સમજે એ અવરભાવની ઉપાસના. જ્યારે આવું સમજાય ત્યારે કોઈનો ભાર ન રહે, બીજાનું કર્તાપણું જાય, ઘર ચોખ્ખાં થાય, મંદિર ચોખ્ખાં થાય. પછી એવડો એ ચોખ્ખો થાય એમ બધું ચોખ્ખું થાય. ત્યારપછી મહારાજ એને પોતાની મૂર્તિમાં રાખે. આ શુદ્ધ ઉપાસના છે. “ધામ સ્વરૂપ પોતાતણું, શ્રીહરિ પોતે સાકાર; પ્રભુ પદ પ્રીતિ ઉપાસના, પયમિસરી એક તાર.” અહીં ધામ એટલે અક્ષરધામની વાત નથી. આ મૂર્તિધામની વાત છે. મૂર્તિ મારું સ્વરૂપ છે - આ અનાદિમુક્તની ઉપાસના !! “શ્રીહરિ પોતે સાકાર” એમ કેમ કહ્યું ? શ્રીહરિ કોઈના કર્યા સાકાર નથી થયા એટલે “પોતે સાકાર” એમ કહ્યું છે અને એ સાકાર મૂર્તિની સાથે એકતા થાય તો તે પણ મૂર્તિ જેવો સાકાર થાય. પછી કહ્યું, “પ્રભુ પદ પ્રીતિ ઉપાસના” અહીંયાં ઉપાસના શબ્દ લખ્યો છે એ પરભાવની ઉપાસના. અને વળી કહ્યું, “પયમિસરી એક તાર” પેલું “તેને છેટે મેલે નહિ અણું” આ પરમએકાંતિકની ઉપાસના અને “પયમિસરી એક તાર” કીધું. આ અનાદિમુક્તની ઉપાસના.  દૂધમાં સાકર બધે જ એકમેકપણે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે. મહારાજ અને મુક્તની એકતા વાણા અને તાણાની પેઠે છે. જેમ વાણો ને તાણો કાઢો એટલે કપડું રહે જ નહિ તેમ મહારાજ અને મુક્તની એકતા છે. પણ એ તો જે અનુભવી હોય એને ખબર પડે અથવા અનુભવીના વચનમાં જેને વિશ્વાસ આવે તેને ગેડ્ય પડે. આ વાતનું જેમ છે તેમ પ્રવર્તન, જેમ છે તેમ ઓળખાણ, જેમ છે તેમ લખાણ ને જેમ છે તેમ અનુભવ બાપાશ્રીએ કરાવ્યો. એમ કહીને પછી બાપાશ્રીનો ખૂબ મહિમા કહ્યો. 
Bapji Ni Vato માયાથી પર છે તે દિવ્ય સાકાર છે અને મહારાજ દિવ્યાતિદિવ્ય સાકાર છે. દિવ્ય સાકાર અનંત છે જ્યારે દિવ્યાતિદિવ્ય સાકાર એક જ છે. માયાથી પરના ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ અને અક્ષરકોટિ છે તે બધા ટેમપરી (ટેમ્પરરી) દિવ્ય સાકાર છે. અને શ્રીજીમહારાજ કાયમી દિવ્યાતિદિવ્ય સાકાર છે. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ અને ઈશ્વરકોટિ જે છે તેઓ મહારાજની ઇચ્છાથી દિવ્ય સાકાર થયેલા છે. પણ એમનું જ્યારે આત્યંતિક કલ્યાણ કરવું હોય ત્યારે શ્રીજીમહારાજ એને ફરી જીવ (નિરાકાર) કરે છે એટલે તેઓ કાયમી દિવ્ય નથી. દિવ્ય આકારનું પરિવર્તન પોતાની મેળે ન થાય પણ મહારાજની ઇચ્છાથી એનું પરિવર્તન થાય. તો એનું પરિવર્તન કેમ થયું ? કેમ કે તેઓ હજુ છેલ્લા સ્ટેજ એટલે કે અનાદિમુક્તની સ્થિતિ સુધી પહોંચ્યા જ નથી. એટલે એનો ગુજરાતી અર્થ એ કહેવાય કે જ્યાં સુધી અનાદિમુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી બધાનું પરિવર્તન છે. અનાદિમુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી દિવ્ય સાકાર કહેવામાત્ર છે. તેઓ માત્ર માયાથી પર દિવ્ય છે એટલું જ કહેવાય એમ આ બધા કાયમી દિવ્ય સાકાર નથી. તો પછી કાયમી દિવ્ય સાકાર કોણ ? અનાદિમુક્ત. અને દિવ્યાતિદિવ્ય સાકાર શ્રીજીમહારાજ છે અને આ બેયનું પરિવર્તન કદી થતું નથી.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજી ઓરડાના પદની ટૂંક બોલ્યા :  “મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર.” પછી સભાજનોને પૂછ્યું, આનો ગુજરાતી અર્થ શું થાય ? સભામાંથી સચોટ ઉત્તર ન મળતાં એમણે કૃપા કરીને આ અતિ રહસ્યની વાત સમજાવી કે, આ પ્રમાણે બેઠો ઉતારો કરીએ તો મહારાજ સિવાય બધાય માયિક ઠર્યા, અનાદિમુક્તો પણ માયિક ઠર્યા. પણ આમાં સમજવું પડે તેમ છે. આમાં કહ્યું, “મુજ વિના જાણજો રે” એટલે શ્રીજીમહારાજ એમ કહેવા માગે છે કે અનંતકોટિ બ્રહ્માંડમાં મારા જેવું કોઈનું સ્વરૂપ નથી. કેમ ? કેમ કે શ્રીજીમહારાજ કોઈના વડે થયેલા નથી. શ્રીજીમહારાજનું સ્વરૂપ કોઈનું કરેલું નથી એટલે એમના જેવું કોઈનું સ્વરૂપ નથી. ભલે અનાદિમુક્તનું સ્વરૂપ મહારાજ જેવું છે. પણ તેઓ મહારાજ વતે થયેલા છે. મહારાજના કર્યા થયા છે. જ્યારે મહારાજ કોઈના કર્યા થયા નથી. આવું અનંતકોટિ બ્રહ્માંડમાં એકમાત્ર સ્વરૂપ શ્રીજીમહારાજનું છે. એટલે કહ્યું છે કે,  “મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર.” એટલે કે મારા સિવાય બધાય મારા વડે થયેલા છે અને અમે કોઈના વડે થયેલા નથી.
Bapji Ni Vato જેતલપુરના પહેલા વચનામૃતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે કાળ, કર્મ અને માયા તેના નાશ કરનાર અને અક્ષર થકી પર જે સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાન અને એમના સાક્ષાત્ સંબંધવાળા સત્પુરુષ મળે ત્યારે જીવને કાળ, કર્મ, માયા સર્વે ઉલ્લંઘાય જાય છે. ભગવાન મળે કાં એમના સત્પુરુષ મળે તો જ આ શક્ય બને. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ વચનામૃતમાં ભગવાન અને સત્પુરુષને બેયને કહ્યા એવું થયું ને ? પણ સત્પુરુષના સંપૂર્ણ કર્તા મહારાજ જ છે અને એ તો સદા મૂર્તિમાં જ છે. એટલે કરનાર કોણ રહ્યું ? મહારાજ ! એટલે સ્વામિનારાયણ ભગવાન વિના કોઈથી સૂકું પાંદડું પણ હલાવી શકાય નહીં. સત્પુરુષની ભેગા મહારાજ છે એટલે જીવને માત્ર કાળ, કર્મ, માયાથી રહિત નહિ; અક્ષર થકી પર અક્ષરાતીતની પ્રાપ્તિ કરાવે છે. સત્પુરુષ મૂર્તિમાં છે. એમના વાયરાથી કલ્યાણ થાય. એ વાયરો મહારાજનો અડયો કહેવાય અને એટલે વાયરાથી જીવનું કલ્યાણ થાય એમ કીધું છે. પણ જેને ભગવાનનો સાક્ષાત્ સંબંધ જ ન હોય તો એનુંય કલ્યાણ ન થાય તો પછી બીજાનું ક્યાંથી કરે ? પણ જેનું કલ્યાણ થઈ ગયું હોય એટલે જેને સાક્ષાત્ મહારાજનો સંબંધ હોય તે જ બીજાનું કલ્યાણ કરે; બીજાથી તો એ થાય જ નહીં.
Bapji Ni Vato ગઢડા પ્રથમના ૨૭મા વચનામૃતમાં આવ્યું કે, “એમ સમજતો હોય જે, ચહાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચહાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચહાય કોઈ હાથીએ બેસારો, ચહાય કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે.” પછી પ.પૂ. બાપજીએ પૂછ્યું કે, “અહીં શું શબ્દ વાપર્યો ? સમભાવ વર્તે છે એવું કીધું. બેય સમ છે એવું નથી કીધું. એનો ગુજરાતી અર્થ શું થાય ?” પછી સભામાંથી કોઈ બોલ્યું કે, “એને દેહભાવ ટળી ગયો છે એટલે એવું વર્તે છે.”  ત્યારે તેમણે કહ્યું, “હજુ એનો દેહભાવ ટળ્યો નથી. તે પોતાને દેહરૂપ માનતો નથી. તે પોતાને મૂર્તિરૂપ માને છે એટલે પછી એને બીજામાં શું માલ મનાય ? બીજું શું સારું લાગે ? આ બે વસ્તુ કરતાં એને ત્રીજી વસ્તુ અધિક મળી છે તેથી તેને ‘समलोष्टा सम कंचनम्’ એવું વર્તે છે. સોનું અને ધૂળ સરખું મનાય છે. રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી સરખી મનાય છે. પરંતુ બે સરખું છે ? સરખું નથી. તો કેમ સરખું મનાય છે ? સારામાં સારા કોણ છે ? મહારાજ છે. જેને મહારાજના સુખની પ્રાપ્તિ થઈ હોય તેને બધે સમભાવ જ વર્તે. જેને મહારાજનું સ્વરૂપ પ્રાપ્ત થયું હોય તેને બીજામાં રુચિ રહે જ નહીં. અને જો રહે છે તો એ મૂરખ જ છે.”
Bapji Ni Vato પછી એ જ વચનામૃતમાં આગળ આવ્યું કે, “એવી જાતના જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે.” એટલે પ.પૂ. બાપજી બોલ્યા કે, “આપણે એમ સમજવું કે એવા ભક્તને જ મહારાજનો સાક્ષાત્ વ્યતિરેક સંબંધ થાય છે. એનો ગુજરાતી અર્થ આવડયો ?” હરિભક્તોએ અર્થ કર્યો તે સાંભળીને કહ્યું, “આ તો તમે લખેલું બોલો છો ! ગુજરાતી બોલો !” પણ કોઈને ગુજરાતી અર્થ આવડયો જ નહીં.  એટલે તેઓએ જ અર્થ કર્યો કે, “અહીંયાં ભક્ત કીધો છે ! મુક્ત કીધો નથી. સમજાણું ? અહીંયાં એકાંતિક ભક્તની વાત છે. એકાંતિક ભક્ત સાધનદશામાં છે છતાં તેને જીવનમુક્ત પણ કીધા છે. જીવનમુક્ત એટલે જીવતા મુક્ત અર્થાત્ એને દેહ છે છતાં દેહને સમજણે કરીને ખોટો કરી નાખ્યો છે. એટલે તેને બધુંય સમ વર્તે છે. તો હવે સાંભળો, અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ છે. તેને પુરુષોત્તમની દૃષ્ટિ છે. એટલે એને પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ ભાસે જ નહીં. એમ કહી પછી કહ્યું, એવા અનાદિમુક્ત આપણને કર્યા છે. મૂર્તિને પોતાનું રૂપ મનાય તો આપણને બધુંય સમ વર્તે એટલું જ નહિ, એક મૂર્તિ સિવાય કશું સારું લાગે જ નહીં. આપણને મૂર્તિ સિવાય કશું સારું લાગવું જોઈએ નહીં.” આવી રીતે તેમણે અનાદિમુક્તની જેને પ્રાપ્તિ થઈ હોય તેને કેવું વર્તે તે સમજાવ્યું.
Bapji Ni Vato આજે સભામાં શ્રીજીમહારાજના વ્યતિરેકના સંબંધવાળા ચાર વર્ગનાની વાત નીકળી એટલે પ.પૂ. બાપજીએ પૂછ્યું કે, “અનાદિમુક્તનો અર્થ શું થાય ? એનાં અન્ય ત્રણ નામ કહો ને એનો અર્થ પણ કહો.” પછી સભામાંથી ઉત્તરો આવ્યા તે સાંભળીને સંતોષ વ્યક્ત કર્યો. છતાં થોડું પણ બોલવામાં કે સમજવામાં અધૂરું ન રહી જાય તે સારુ તેમણે અર્થ કર્યો તે મુજબ : અનાદિમુક્ત : અનાદિમાં અનાદિ એક શ્રીજીમહારાજ છે એટલે ખરા અનાદિ એકમાત્ર શ્રીજીમહારાજ છે. મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેલા છે. તેઓ પુરુષોત્તમરૂપ છે. મહારાજ જેવા જ છે એટલે અનાદિમુક્ત કહ્યા છે. કૈવલ્યમુક્ત : તેમને કેવળ એક શ્રીજીમહારાજની મૂર્તિ જ છે અને મૂર્તિ સંગાથે મહીં-બહાર ઓતપ્રોતપણું, રસબસપણું છે. મહારાજથી આટલુંય (અલ્પ) જુદું નથી એટલે તેમને કૈવલ્યમુક્ત કહ્યા છે. નિત્યમુક્ત : જ્યારે અનાદિમુક્તની સ્થિતિ થાય છે ત્યારે તેને હું હમણાં મુક્ત થયો છું. પહેલાં આમ હતો ને પછી આમ થઈશ એમ નહિ, અનાદિકાળથી મૂર્તિમાં છું, મૂર્તિમાં જ રહેવાનો છું, પહેલાંથી મૂર્તિમાં છું, છું અને છું જ એવું વર્તે. વળી, તેમનું કદી પરિવર્તન થતું નથી, તેમની આવી સ્થિતિ છે એટલે નિત્યમુક્ત કીધા છે. સર્વાત્મા બ્રહ્મ : સર્વાત્મા બ્રહ્મ તેજને કહેવાય છતાં અનાદિમુક્તને કેમ કીધા ? તો તેજથી અનાદિમુક્ત મોટા છે એટલે કદમાં મોટા છે એમ નહીં. તેજ નિરાકાર છે, મૂર્તિથી વિજાતિ છે અને મૂર્તિનું કાર્ય છે જ્યારે અનાદિમુક્ત મૂર્તિ જેવા (પુરુષોત્તમરૂપ) છે. તે મહારાજને સજાતિ છે એટલે તેજથી મોટા કહ્યા છે. માટે સર્વાત્મા બ્રહ્મ એમનું સાચું નામ નથી પણ વિશેષણ છે.
Bapji Ni Vato પરમ એકાંતિકમુક્ત : એકાંતિકથી મોટા છે એટલે પરમએકાંતિક. એકાંતિક સાધનદશામાં છે તેથી તે ભક્ત છે અને પરમએકાંતિક સિદ્ધદશામાં છે એટલે તેમને પરમ એકાંતિકમુક્ત કહ્યા છે. વિદેહીમુક્ત : વિદેહી એટલે દેહ નથી. તેઓ સિદ્ધમુક્ત છે એટલે વિદેહીમુક્ત કહ્યા છે. મહામુક્ત : એકાંતિક જીવનમુક્ત છે અને આ એનાથી મોટા છે એટલે મહામુક્ત કહ્યા છે.
Bapji Ni Vato એકાંતિક ભક્ત : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સાધન જેણે સિદ્ધ કર્યા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને અને ભગવાન (મૂર્તિ) સિવાય બીજી કોઈ વાસના ન હોય તે એકાંતિક ભક્ત કહેવાય. જ્ઞાની ભક્ત : શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે અને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. બંને સ્વરૂપને યથાર્થ જાણવું તે જ્ઞાન. જ્ઞાની ભક્તને સમજણની દૃઢતા છે એટલે કે સમજણે કરીને મહારાજના સ્વરૂપનો દ્રઢાવ છે અને પોતાના સ્વરૂપનો પણ દ્રઢાવ થયેલો છે. માટે ગમે તે સ્થાન, સમય હોય પરંતુ તેને એકસરખું જ વર્તે. આવી સમજણની સ્થિતિવાળાને જ્ઞાની ભક્ત કીધો છે. અનન્ય ભક્ત : અનન્યનો અર્થ એ છે કે તેનું કદી પરિવર્તન થતું નથી. એટલે કે એની સમજણ ફરતી નથી અને એને કોઈ દેશકાળ નડતા નથી. તેને શ્રીજીમહારાજની અનન્ય નિષ્ઠા છે ને પોતાના સ્વરૂપની પણ અનન્ય નિષ્ઠા છે; તેમાં કોઈ પરિવર્તન થતું નથી તેથી તેમને અનન્ય ભક્ત કહ્યા છે. જીવનમુક્ત : હજુ દેહમાં છે પણ સમજણે કરીને દેહને ખોટો કરી નાખ્યો છે એટલે તે દેહથી મુકાયેલા છે તેથી જીવનમુક્ત કહ્યા. દેહ તેનું જીવન નથી. તે દેહના આધારે નથી; તે મહારાજના આધારે છે એટલે તેમને જીવતા મુક્ત અર્થાત્ જીવનમુક્ત કહ્યા છે. પરમ ભાગવત : ચાલોચાલ ભક્તથી મોટા થઈ ગયા એટલે અને ભગવાન જ એમનું જીવન બની ગયું છે તેથી પરમ ભાગવત કહ્યા છે.
Bapji Ni Vato શ્રીજીમહારાજની અન્વય-વ્યતિરેકપણે નિષ્ઠા દૃઢ હોય, પંચવર્તમાન દૃઢ કર્યા હોય અને હજુ દેહભાવ ટળ્યો નથી એટલે તેને ચાલોચાલ ભક્ત કહ્યો છે.  તે દેહ રૂપે વર્તે છે છતાં તે મહારાજ ચલાવે તેમ ચાલ્યો જાય છે કહેતાં તે મહારાજના કહેલા નિયમ પ્રમાણે ચાલે છે એટલે તેમનું નામ ચાલોચાલ ભક્ત.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ વાત કરી કે, સાધનદશામાં ચાલોચાલમાંથી એકાંતિક થવાય અને પછી એકાંતિકમાંથી સિદ્ધદશામાં પરમએકાંતિક થવાય. હવે એનાથી પર અનાદિમુક્તની સ્થિતિ છે. તે તો મહારાજ દયા કરે તો જ અનાદિ થવાય. અનાદિમુક્ત થયા પછી લાઇન અટકી ! કેમ કે તેનાથી પર બીજી કોઈ સ્થિતિ જ નથી. પરમએકાંતિક પછીથી જે છે તે કૃપાનો વિષય આવ્યો. જેમ જાત્રાએ કોઈ જાય ત્યાં બધેય બસો જતી નથી. પછી ત્યાંથી આગળ જવા માટે ઘોડા કે ખચ્ચર ઉપર જવું પડે એમ પરમ એકાંતિક પછી અનાદિમુક્ત પોતાની મેળે થવાતું નથી; તે કેવળ કૃપાનો વિષય છે. મહારાજ અનાદિમુક્ત કરે તો જ થવાય. એટલે અનાદિમુક્તની સ્થિતિ સોઘી નથી. અનાદિમુક્તની કેમ બધાયને ગેડ્ય પડતી નથી ? કારણ કે તે કૃપાનો વિષય છે. 
Bapji Ni Vato વ્યતિરેકના સંબંધવાળામાં ચાલોચાલ, એકાંતિક અને પરમ એકાંતિકમુક્તની સ્થિતિ સુધીનો રાહદારી રસ્તો છે. જ્યારે અનાદિમુક્તની સ્થિતિ એ તો કેવળ કૃપાનો માર્ગ છે. મોટર, બસ બધુંય નીચે જમીન ઉપર દોડે છે. એટલે એ રાહદારી રસ્તો છે. એરોપ્લેન જમીન પર નથી દોડતું; તે ઊંચે આકાશમાં ઊડે છે. એને કશો આધાર નથી. એ કૃપાસાધ્ય જેવું છે. એમ અનાદિમુક્તની સ્થિતિ કૃપાસાધ્ય છે. આ કોઈને સમજાય જ નહીં. કોઈને હા પડે જ નહીં. મૂર્તિમાં કેમ રહેવાય ? મૂર્તિ પોલી છે ? એમ સંકલ્પ થયા કરે. પરંતુ પોતાની બુદ્ધિથી આ પરભાવની સ્થિતિ સમજાય તેમ નથી.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા કે, “શ્રીજીમહારાજના વ્યતિરેકના સંબંધવાળા કોણ ? શ્રીજીમહારાજને અન્વય-વ્યતિરેકપણે યથાર્થ સમજ્યા પછી એક મહારાજ સિવાય અન્ય કોઈ દેવ-અવતારનો ભાર ન રહે અને પંચવર્તમાન પાળે તો તે વ્યતિરેકના સંબંધવાળા. સાધુ હોય અને જો આવી રીતે મહારાજને ન સમજતા હોય ને જો હરિભક્ત આવી રીતે સમજતો હોય તો તે વ્યતિરેકના સંબંધવાળો અને પેલા (સાધુ) નહીં. એટલે સમજણમાં સાધુ કે હરિભક્ત એવું કોઈ બંધન નથી. બંધનમાં જ બધાય મરી જાય છે. માટે બંધન એક શ્રીજીમહારાજનું જ રાખવું.”
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાપાશ્રીની ભાગ-૧ની ૧૦૭મી વાતમાંથી ચાલોચાલ ભક્તની વાત કરતાં કહ્યું કે, જેને મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય અને પંચવર્તમાન પૂરા પાળતો હોય પણ દેહ રૂપે વર્તતો હોય તે ચાલોચાલ ભક્ત છે. ચાલોચાલ ભક્તને નિષ્ઠા પાકી છે એટલે તે વારસદાર છે. દેહ રૂપે વર્તતો હોવાથી તે હજુ ઘોડિયામાં સૂતેલો છોકરો છે. છોકરો એનો થઈ ગયો છે તો મિલકતમાં ભાગ મળે કે ન મળે ? મળે જ. ભલે વાર છે, એને હજુ હમણાં ન આપે પણ મિલકત મળે કે ન મળે ? મિલકત એને જ મળે !!  હા, નિષ્ઠા અને મહારાજના કહેલા પંચવર્તમાનમાં પોલ ન હોય તો !  પણ જે બહારનો હોય એટલે કે જેને મહારાજની નિષ્ઠા ન હોય તેવા ભલે ગમે તેટલા મોટા હોય તોય એને મિલકત ન મળે કહેતાં વ્યતિરેક સંબંધ ન થાય. એમ જો ધર્મ, વૈરાગ્ય, તપ, ત્યાગ વગેરે હોય પણ નિષ્ઠા ન હોય તો વારસદાર બને જ નહીં.