બાપજીની અમૃત વાતો

Bapji Ni Vato

Bapji Ni Vato ગઢડા પ્રથમનું ૬૨મું વચનામૃત સભામાં લીધું. તેમાં “ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે એ ગુણ સંતને વિષે કઈ રીતે આવે છે ?” આ વાત પ.પૂ. બાપજી સમજાવતાં બોલ્યા કે, “આનો બેઠો ઉતારો કરીએ તો એવું ફલિત થાય કે સાધુમાં જ ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ આવે અને હરિભક્તોમાં એવા ગુણ આવતા નથી. આ બંધન થયું કે નહીં ? અહીં એમ સમજવું કે માત્ર સાધુને નહિ પણ જે વ્યક્તિને મહારાજના સ્વરૂપનો નિશ્ચય થાય એનામાં ઓગણચાલીસ ગુણ આવે. આવું સમજાય તો સાધુ કે હરિભક્તનું કે કોઈનું બંધન રહે નહીં. આમાં બીજો પોઇન્ટ કે મહારાજમાં ઓગણચાલીસ જ કલ્યાણકારી ગુણો છે ?” “ના.” “આ મર્યાદા થઈ કે નહીં ?” “હા.” “માટે સમજવાનું તો એમ છે કે ભગવાનમાં તો ઓગણચાલીસ નહિ, અનંત કલ્યાણકારી ગુણો છે.”
Bapji Ni Vato પતિવ્રતા ભક્તિની વાત વચનામૃતમાંથી કેવી રીતે સમજવી તે અંગે વાત કરી કે, ગઢડા મધ્યના ૫મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું કે, “ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો.” તે ઉપર પ.પૂ. બાપજીએ દૃષ્ટાંત આપ્યું કે, પતિવ્રતા સ્ત્રી હોય ને તેનો પતિ રોગી હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, નિર્ધન હોય તોય પતિવ્રતા સ્ત્રીએ પતિવ્રતાપણું મૂકવું નહીં. લખાણ પ્રમાણે જે જેની ભક્તિ કરતો હોય તેને વિષે પતિવ્રતાની ભક્તિ મૂકવી નહિ એવું સમજાય પણ આ દૃષ્ટાંત એકદેશી છે. તે વહેવારિક માર્ગમાં બરાબર છે કે સ્ત્રીએ પતિને વિષે એક પતિવ્રતાપણું રાખવું. આપણો આધ્યાત્મિક માર્ગ છે. આધ્યાત્મિક માર્ગમાં આધુનિક અવતારોને વિષે પતિવ્રતાપણું હોય ને પછી જો સનાતન ભગવાનની પ્રાપ્તિ થાય તો ત્યાં પકડી ન રાખવું. વહેવારિક માર્ગમાં બરાબર છે કે એમાં ફેરફાર ન થાય પણ આ માર્ગમાં મોટી પ્રાપ્તિ થાય તો નીચેની મૂકી દેવી પડે. અહીં મહારાજ એવું કહેવા માગે છે કે, સનાતન ભગવાનને વિષે જ પતિવ્રતા ભક્તિ થાય. તેનું પતિવ્રતાપણું મૂકવું નહીં. જેને આધુનિક ભગવાનની પ્રાપ્તિ હોય ને પછી તેને સનાતન ભગવાનની પ્રાપ્તિ થાય તો આધુનિકને છોડી દેવા પણ જેને સનાતન ભગવાનની પ્રાપ્તિ થઈ હોય તેમણે કદી પતિવ્રતાપણું મૂકવું નહીં.
Bapji Ni Vato પ.પૂ. બાપજીએ આજે લોયાના ૧૩મા વચનામૃતમાંથી શ્રીજીમહારાજને કર્તા, અકર્તા અને અન્યથા કર્તા કેવી રીતે સમજવા તે સમજાવ્યું. કર્તા એટલે અનંતકોટિ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ સિવાય બીજો કોઈ કર્તા નથી. કેમ ? તો બેય લાઇન અન્વય અને વ્યતિરેક મહારાજની સત્તાથી અને સંબંધથી થઈ છે ! એટલે અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈની પાસે પોતાનું ચપટીય નથી. તો પછી કોઈનો ભાર આવે ? કોઈની બીક લાગે ? સત્સંગી હોય તોય કહેતા હોય છે કે, જન્માક્ષર જોવડાવો, પનોતી નડે છે, મંગળ નડે છે, બુધ નડે છે. કાળ ચોઘડિયાંમાં કશુંય ન કરાય ! આપણા કર્તા મહારાજ છે ને આપણા ભેગા જ છે તો એને કાળ ચોઘડિયું નડશે ? શુભ ચોઘડિયાંમાં સારું થાય એવું મનાશે ? તારા ભેળા મહારાજ છે. ચોઘડિયું તારું શું સારું કરે ? એટલે શ્રીજીમહારાજ સિવાય કોઈને કર્તા ન માનવા અને જો બીજાને કર્તા મનાય તો પંચમહાપાપ કરતાં મોટો પાપી છે એમ મહારાજે કહ્યું છે. વળી, મહારાજે કહ્યું કે,  “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી.”
Bapji Ni Vato અકર્તુમ્ એટલે કર્તા થકા અકર્તા મહારાજને સમજવા. આ બરાબર સમજવા જેવું છે. મહારાજ કર્તા થકા અકર્તા છે એટલે કે મહારાજ બીજા પાસે કરાવે છે ને પોતે અકર્તા રહે છે. બધાયને બીજો કરે છે એવું દેખાય પણ એ કરતો નથી. કરે છે તો મહારાજ જ. જેમ કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે એવું દેખાય એટલે ઇન્દ્રને કર્તા માને પણ કોઈની પાસે ચપટીયે છે ? મહારાજ કર્તા થકા અકર્તા રહીને ઇન્દ્ર પાસે વરસાદ કરાવડાવે છે એટલે જે દેખાય છે એને જ લોકો કર્તા માની લે છે. બધાને જે દેખાય છે એનો જ ભાર રહી જાય છે. માટે મહારાજનું અકર્તાપણું બરાબર સમજવું તો કોઈનો ભાર રહે જ નહીં.
Bapji Ni Vato અન્યથા કર્તા એટલે શ્રીજીમહારાજ સિવાય અન્ય કોઈથી કશું થાય જ નહિ અર્થાત્ શ્રીજીમહારાજ સિવાય બીજો કોઈ કરનારો છે જ નહીં. આમ, અન્યથા એટલે આ એક સિવાય કોઈથી કંઈ થાય જ નહીં. કેમ કે કોઈની પાસે ચપટીયે પોતાનું નથી. શ્રીજીમહારાજ અને મુક્તોએ પાપી ને અધર્મી કે જેનાં કોટિ કલ્પે કલ્યાણ ન થાય તે સહજમાં કર્યા છે. તે એમનું અન્યથા કર્તાપણું છે. અન્યથા કર્તાનું દૃષ્ટાંત જોઈએ તો તાવી ગામના નાનજી હાડા હતા. તેમને શૌચક્રિયા પછી હાથપાણી લેવાનો પણ વિવેક નહોતો. તો પછી એમનું બીજું જીવન કેવું હશે ? વિચારી લો. એવા પાપના પર્વત હતા છતાં મહારાજે તેમનું કલ્યાણ કર્યું. આ મહારાજનું અન્યથા કર્તાપણું. એમ કહી દૃષ્ટાંત દીધું કે એક ચોર હતો. એણે વાણિયાને મારી નાખ્યો. પછી રાજા પાસે ચોરને પકડીને લાવ્યા. એ વખતે રાજા સોગઠાની રમત રમતો હતો. છેલ્લું સોગઠું મૂકવાનો એનો વારો હતો. એમાં જો એ દાવ હારે તો રાજાની હાર થાય. પેલો ચોર રમતનો જાણકાર હતો એટલે ચોરે શિખવાડયું કે, રાજન્, આ કુકરી અહીં મૂકો. રાજાએ તે મુજબ કર્યું ને રાજાની થઈ ગઈ જીત ! પછી રાજાએ પૂછ્યું કે, તમે શું કહેતા હતા ? તો કહ્યું કે, આ ચોરે વાણિયાને મારી નાખ્યો. રાજાએ કહ્યું, બનિયા ગયા જાલમમાં. ચોર કો છૂટા કર દો ! કેમ ? રાજીપો થઈ ગયો. એટલે રાજા ધારે તે કરે. આ અન્યથા કર્તાપણું કહેવાય.
Bapji Ni Vato જેને અનંત જન્મના રાજીપાના થર બાઝ્યા હોય એને મહારાજ અને મોટાપુરુષને વિષે દિવ્યભાવ આવે તથા જેને અનંત જન્મના પાપના થર બાઝ્યા હોય એને મહારાજ અને મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે.  વળી, આ કારણ સત્સંગ છે. અહીં જેને મહારાજ લાવે એ જ આવી શકે. લાવ્યા પછી પણ મહારાજ ટકાવે એ જ ટકી શકે અને જેને મહારાજ સાચવે એ જ સચવાય. અહીં કોઈનાથી કશું થાય નહિ કેમ કે આ તો કેવળ કૃપાનો સત્સંગ છે.
Bapji Ni Vato જ્ઞાનનું પણ માન આવે છે. જ્ઞાન છે તે શાહુકાર ચોર છે. શાહુકાર ચોર કપડાં સારાં પહેરે એટલે ચોર જેવો દેખાય નહિ પણ તે તેજાબની સળીથી ખિસ્સું કાપી લે. આ જ્ઞાન કંઈ આપણું પોતાનું છે ? વચનામૃત આપણાં છે ? આપણે બોલીએ કે મારા જેવું જ્ઞાન બીજાને નથી, હું જ સમજું છું. અને કદાચ કોઈ કહે કે તમે બહુ જ્ઞાની છો તો તરત લાઇટ થવી જોઈએ કે જ્ઞાનીમાં જ્ઞાની કોણ ? તો, મહારાજ. એમ એક મહારાજની પાસે જ બધું છે; આપણે કશું નથી એવું સમજવું તો જ્ઞાનનું માન ન આવે. અને આ જ ખરું જ્ઞાન છે ને એવું જે સમજે એ જ ખરો જ્ઞાની કહેવાય.
Bapji Ni Vato પ.પૂ. બાપજી કૃપા કરીને બોલ્યા કે, એક વખત સવારની સભામાં કોઈએ પ્રવચન કર્યું કે સન્માનેય નથી જીરવાતું અને અપમાનેય નથી જીરવાતું. કોઈ અપમાન કરે તો ખમાતું નથી અને બહુ માન આપે તો એય ખમાતું નથી. પછી સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી)નો વારો આવ્યો. ત્યારે તેઓએ કહ્યું કે, માણસ પોતે એકલો સુખી રહી શકતો નથી તો જેને લાખો માણસ માનતા હોય તેની શું સ્થિતિ થતી હોય ? લાખો માણસો જોડાયેલા હોય તેમાં એક આમ કહે, બીજો તેમ કહે, કોઈ કહે આ ન જોઈએ, બીજો કહે જોઈએ. ત્યારે એ વ્યક્તિની કેવી સ્થિતિ થતી હશે ! છતાં તે પોતેય સુખિયો રહે છે ને લાખોનું પોષણ કરીને સુખિયા કરે છે. કેમ ? એના કર્તા મહારાજ છે. તે મહારાજને કર્તા માને છે અને પેલો માણસ દુખિયોય થાય છે અને રાજી પણ થાય છે. એનું કારણ એ સન્માન પોતાનું માને છે અને અપમાનને પણ પોતાનું માને છે.
Bapji Ni Vato મહારાજે લખ્યું કે જો એક જીવને ઉગારો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ થાય છે ને એક જીવને પાડે તો બ્રહ્માંડ ઊભાં થાય ! હજારોને સત્સંગ કરાવી સત્સંગી કર્યા હોય છતાં દેવાળું કેમ ફૂંકે છે ? મેં જ કર્યું, મારાથી જ થાય આવું મનાય છે એટલે. હવે કર્તા કોણ છે ? મહારાજ. જો મહારાજનો કાયદો હાથમાં લઈ લે તો મહારાજ કેટલા બધા કુરાજી થાય ! સત્સંગમાં ઘણા દાખલા જોયા છે જેમાં અત્યારના પણ છે અને પહેલાંના પણ છે. અલૈયાખાચરે જેટલી સેવા કરી હતી એટલી સેવા દાદાખાચરે નહોતી કરી. અલૈયાખાચર સેવા કરતા એમાં પોતાનું કર્તાપણું રહેતું હતું. એમાં મુક્તાનંદ સ્વામીએ માની કીધા તો મારવા તલવાર તાણી. મુક્તાનંદ સ્વામી દિવ્યપુરુષ હતા. જો હાથ જોડી દીધા હોત તો માન કાઢી નાખત. પરંતુ માને કરીને એ ન થયું. અલૈયાખાચરે ૧૪૭ સાધુ કર્યા હતા તો હરિભક્તો તો કેટલાય કર્યા હશે ! અબજો રૂપિયાનો વેપાર કર્યો, નફો કર્યો છતાં કંપની લૉસ (ખોટ)માં ગઈ. કેમ ? તો એનું માન આવ્યું, પોતાપણું મનાયું. માટે આપણે પોતાપણું માનવું નહીં.
Bapji Ni Vato કાર્ય સત્સંગ તો બે પૈસાનો જ છે. પરંતુ આ તો કારણ સત્સંગ છે. કારણ સત્સંગમાં જે નથી આવ્યો તે કોઈક દિવસેય આવશે. પણ કારણ સત્સંગમાંથી જે પડશે એટલે એનું પતી ગયું, એ પ્રસાદીનો થઈ ગયો. આ બધો અનાદિમુક્તનો સમાજ છે. એમાં કોઈનો અભાવ-અવગુણ આવે તો પતી ગયું, ખતમ થઈ જાય. માટે મહારાજને દિવસમાં ત્રણ વાર પ્રાર્થના કરજો કે, હે મહારાજ ! મને દયા કરીને નિભાવજો, આપના વ્યતિરેકના સંબંધવાળા કોઈના અભાવ-અવગુણ કે અમહિમાનો કદી સંકલ્પ ન ઊઠે એવી દયા કરજો, આવી પ્રાર્થના ખૂબ કરવી. કેમ કે કારણ સત્સંગનો વેપાર બહુ મોટો છે, નફોય બહુ મોટો છે પણ સરખી રીતે વેપાર કરતા આવડે તો. અને જો ન આવડે તો નુકસાન પણ બહુ મોટું છે.
Bapji Ni Vato શ્રીજીમહારાજના બધા નિયમો પાળતા હોય, વ્રત કરતા હોય, ધારણાં-પારણાં કરતા હોય, માળા-પ્રદક્ષિણા, એકટાણાં એમ બધું કરતા હોય પણ જો સર્વોપરી નિષ્ઠા ન હોય તો એને મહારાજનો વ્યતિરેક સંબંધ નથી એટલે તેને સત્સંગી કહેવાય પણ છે નહીં ! તિલક-ચાંદલાથી કે ધોળાં-ભગવાં લૂગડાંથી સત્સંગી નથી થવાતું કે આશ્રમે કરીને પણ નથી થવાતું. બાહ્ના ચિહ્યનોથી સત્સંગી કહેવાય એટલે એ કહેવાતો સત્સંગી છે અને બીજાને નિષ્ઠા અને નિયમ બેય છે તેને શ્રીજીમહારાજનો વ્યતિરેક સંબંધ થયો એટલે એ ખરેખર સત્સંગી છે. તેમ છતાં એના સત્સંગની માત્ર શરૂઆત થઈ છે પણ હજુ એ સંપૂર્ણ સત્સંગી નથી બન્યો. સંપૂર્ણ સત્સંગી થતા પૂર્વે સત્સંગની શરૂઆત તો સંપ્રદાયના દરેક આશ્રિતને જોઈએ, જોઈએ ને જોઈએ જ. વ્યતિરેક સંબંધ થયો એટલે સત્સંગી થયો કહેવાય અને અનાદિમુક્તની સ્થિતિ થાય ત્યારે તે સંપૂર્ણ સત્સંગી થયો કહેવાય. સત્સંગી થાય એટલે એકડો અને સંપૂર્ણ સત્સંગી થાય એટલે ભણી રહ્યો, એનું પૂરું થઈ ગયું. ટૂંકમાં, શ્રીજીમહારાજનો વ્યતિરેક સંબંધ થાય એને સત્સંગની શરૂઆત કહેવાય અને જ્યારે શ્રીજીમહારાજ જેવો (પુરુષોત્તમરૂપ) થાય ત્યારે સત્સંગની પૂર્ણાહુતિ કહેવાય.
Bapji Ni Vato ગઢડા પ્રથમના ૬૨મા વચનામૃતમાં આવ્યું કે, “એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે.” પછી પ.પૂ. બાપજીએ પૂછ્યું કે, “આનો ગુજરાતી અર્થ શું થાય ?” પછી તેમણે જ અર્થ કર્યો કે, “શ્રીજીમહારાજનો સાક્ષાત્ વ્યતિરેક સંબંધ તે કેવળ શ્રીજીમહારાજના નિશ્ચયે કરી જ થાય છે અને એનામાં જ મહારાજના બધા કલ્યાણકારી ગુણ આવે છે. પછી તે મંદિરમાં રહે કે દુનિયાના છેડે રહે કે પર્વતની ટોચે રહે. આમાં દેશનું, ગાદીનું, આચાર્યનું, જૂનું મંદિર, નવું મંદિર એવું ક્યાં બંધન રહ્યું ? જેને મહારાજનો આવો સર્વોપરી નિશ્ચય હોય અને તે અમેરિકામાં રહેતો હોય તો એને અક્ષરધામના વિઝા લેવા અહીં આવવું ન પડે; એને ત્યાંથી જ મળી જાય. અને જો મંદિરમાં રહેતો હોય ને મહારાજને આવા સર્વોપરી ન સમજે તો એને અક્ષરધામના વિઝા મળી જાય કે ન મળી જાય ? ન મળે. ભલે ને એ રોજ ટોકરી ખખડાવતો હોય તોપણ મેળ ન પડે.”
Bapji Ni Vato ઇલેક્શનમાં ટિકિટ આપે તો ઊભું રહેવાય. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય અને છતાંય આવે તો આવે ! આ અત્યારે આપણે અહીં સભામાં બેઠા છીએ તે ઇલેક્શનથી બેઠા છીએ ? ના. ઇલેક્શનથી નથી બેઠા. આ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિનું સિલેક્શન છે. આ પટેલ સમાજની સભા નથી, આ રાજકારણની સભા નથી, આ તો અનાદિમુક્તની સભા છે. અનાદિમુક્તની સભામાં શ્રીજીમહારાજ જેનું સિલેક્શન કરે એ જ બેસી શકે. માટે આપણી ઉપર અનહદ કૃપા કે શ્રીજીમહારાજે આપણું સિલેક્શન કર્યું છે અને આ સભામાં બેસાડયા છે. એમની કૃપા વગર આ સભામાં બેસી શકાય જ નહીં.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજીએ સભામાં દૃષ્ટાંત આપતાં કહ્યું કે, હિંમતનગરનો મનિષ આપણો ઘરનો હરિભગત છે. એ મનિષ ક્યાં બેઠો છે ? એ હિંમતનગરમાં નોકરી કરે. અમદાવાદમાં માંદો પડ્યો ને દવાખાને દાખલ કર્યો. ડૉક્ટરે કહી દીધું કે, અડધો કલાક માંડ રહેશે. એના પપ્પા ગોધર મંદિરે સેવામાં હતા અને એનાં બા ધામમાં ગયાં છે. પછી એ બધા વાસણા મંદિરે આવ્યા. ત્યાં આવીને એકદમ પોક મૂકી. અમે (પ.પૂ. બાપજીએ) પૂછ્યું, શું છે ? તો કહ્યું, ડૉક્ટરે કહ્યું છે કે અડધો કલાકમાં... અમે કીધું, ડૉક્ટર એની થિયરી પ્રમાણે કહે પણ ધાર્યું કોનું થાય છે ? આ પ્રસાદીનું પાણી લઈ જાવ. મહારાજની પ્રસાદીનું પાણી પિવડાવ્યું ને બાપાશ્રીની વાતોની સમૂહપારાયણનો સંકલ્પ કર્યો. એ વખતે ગોધર અભિષેક મહારાજ પધરાવ્યા ન હતા. તે બધાયે કહ્યું, તમે (પ.પૂ. બાપજી) અમારી સાથે દવાખાને દર્શન આપવા આવો. અમે કહ્યું, મારી જરૂર નથી. તમે આ પ્રસાદીનું પાણી પિવડાવો. પછી એમણે મનિષને દવાખાને પ્રસાદીનું પાણી પિવડાવ્યું અને તુરત પરિવર્તન ! મહારાજે જન્મ ફેરવી નાખ્યો. ડૉક્ટર આવ્યા. બધું ચેક કર્યું પછી કહ્યું, આને હવે કાંઈ નથી. હવે જે ડૉક્ટર કહેતા હતા કે અડધો કલાક પણ નહિ રહે એ જ હવે કહે છે કે આને કાંઈ નથી. આ કામ કોણે કર્યું ? મહારાજે. સાધુ ભેળા ભગવાન હોય. સાધુનું બળ નહિ હો ! બળ કોનું ? મહારાજનું.
Bapji Ni Vato જન્મ્યા પછી હું અને મારું એ મોટામાં મોટી માયા છે. હું અને મારું એટલે શું ? ખબર છે ? એમ કહી સભામાં પ.પૂ. બાપજીએ એક હરિભક્તને પૂછ્યું, “તમારું નામ શું ?”  હરિભક્ત બોલ્યા, “મહેશ પ્રજાપતિ.” “મહેશ કોનું નામ છે ? મહેશ એવું બોલ્યું કોણ ? આની સ્પષ્ટતા જ નથી. મહેશ એ તમારું નામ નથી; એ તો દેહનું નામ છે. અને જે બોલ્યો તે જીવ છે. પણ સાવ ખોટું જ બફાઈ ગયું છે ને ! ઉપરનું એક જ બટન અવળું બંધ કરે એટલે હેઠેનું બધું અવળું જ આવે. આ દેહમાંથી જીવ જતો રહે પછી મહેશભાઈએ ના બોલે ને પેથાભાઈએ ના બોલે. આ જીવાત્મા દેહ ભેળો ભળી ગયો છે એટલે હું પટેલ છું, પ્રજાપતિ છું એવું અજ્ઞાન પેસી ગયું છે પણ શરીર પર ક્યાંય લખ્યું છે કે પ્રજાપતિ, પટેલ એવું ? પટેલના ત્યાં જન્મ્યો એટલે ઘાલી દીધું પટેલ પરંતુ જીવાત્મા પટેલે નથી અને પ્રજાપતિએ નથી, બ્રાહ્મણ પણ નથી. આત્માને પરમાત્મામાં જોડાવાનું છે. આત્માને પરમાત્માની ઓળખાણ કરવાની છે પણ આપણે જન્મ્યા ત્યારથી આ તારો પપ્પો, આ તારો મામો આવું જ ઘાલી દીધું છે. વળી તેને આપણે સાચું માની લીધું છે. પરંતુ તે સાચું નથી. આપણા સાચા સ્વરૂપને ઓળખો અને ભગવાનના સાચા સ્વરૂપને ઓળખો અને પછી જ્યારે બેયનું મિલન થઈ જાય ત્યારે હું અને મારું એ માયા ટળે એવી છે.”
Bapji Ni Vato “સંત સમાગમ કીજે, હો નિશદિન સંત સમાગમ કીજે.” પ.પૂ. બાપજીએ ગોડીની ટૂંક બોલીને પૂછ્યું જે, સાંભળ્યું તમે ? આમાં એવું ક્યાંય લખ્યું કે બૈરાં, છોકરાંનો સમાગમ કીજે કે કાકા, મામાનો સમાગમ કીજે ? એવું ક્યાંય નહિ આવે ! એ તો તમને છે જ. હવે એમાંથી હેત તોડવું અને સાચા સંતનો સમાગમ કરી લેવો અને તે કેવી રીતે કરવો ? “માન તજી સંતન કે મુખ સે, પ્રેમ સુધારસ પીજે.” કોઈને ગમે તેવી મોટપ હોય, ગમે તેવા મોટા દરજ્જાવાળા કોઈ રાજકારણી હોય, ગમે તેવા પૈસાદાર હોય પણ અહીંયાં સંત પાસે તો નિર્માની થઈ, દાસ થઈ, માન મૂકીને સમાગમ કરવો તો પ્રેમ સુધારસ પીવા મળે. સુધા નામે અમૃત. આ કથા છે તે અમૃત છે. સ્વર્ગનું અમૃત અમર કરે અને આ ભગવાનની કથાવાર્તારૂપી અમૃત છે તે જીવાત્માને અમર કરે ને જીવનો છેલ્લો જન્મ કરી નાખે.
Bapji Ni Vato એક માંકો નામનો મરદ જાત્રા કરવા નીકળ્યો. રસ્તામાં પૈસા ખૂટ્યા. એક વેપારીની પેઢીએ જઈને વાત કરી કે, ભાઈ, જાત્રાએ નીકળ્યો છું ને પૈસા ખૂટ્યા છે. જો તમે મારી ઉપર વિશ્વાસ કરો તો મને ઉછીના પૈસા આપો. હું ઘરે પહોંચીને તમને દૂધે ધોઈને પાછા મોકલી આપીશ. પેલા વેપારીએ વિચાર્યું કે, લાવ જોવા તો દે કે આ માણસ સાચો છે કે ખોટો ? એટલે વેપારીએ કહ્યું, ભાઈ, બદલામાં તારે તારી મૂછનો વાળ આપવો પડશે. માંકાએ મૂછનો વાળ તોડીને આપ્યો અને કહ્યું, લ્યો આ માંકાની મૂછનો વાળ, બસ. વેપારીએ કહ્યું, આ વાળ તો વાંકો છે, બીજો આપો. માંકાએ કહ્યું, શેઠ, વાંકો, વાંકો તોય માંકાની મૂછનો વાળ છે. હવે બીજો વાળ ન મળે. તમારે પૈસા ન આપવા હોય તો કાંઈ નહીં. ચતુર વેપારીએ તેને પૈસા આપી દીધા. ગામમાં પહોંચ્યા પછી માંકાએ આ બધી વાત કરી. આ સાંભળી તેનો મિત્ર પણ ફરતો ફરતો તે વેપારીને ત્યાં પહોંચ્યો ને પૈસા માગ્યા. વેપારીએ એ જ રીતે મૂછનો વાળ માગ્યો. પેલાએ તરત તોડીને આપ્યો. વેપારીએ કહ્યું, આ વાળ તો વાંકો છે. પેલાએ કહ્યું, બીજો લ્યો, એમાં શું ! વેપારીએ કહ્યું, આ પણ વાંકો છે. પેલાએ કહ્યું, લ્યો ત્રીજો. એમ સાત-આઠ વાળ તોડી આપ્યા. વેપારીએ કહ્યું, છાનોમાનો દુકાનના પગથિયાં ઊતર. તું ખોટો છે. તને પૈસા નહિ મળે. પેલાએ કહ્યું, કેમ નહિ મળે ? માંકાને તો આપ્યા હતા. વેપારીએ કહ્યું, તને તારા મૂછના વાળની કિંમત નથી, ગૌરવ નથી જ્યારે માંકાને એની મૂછના એક વાળની કિંમત હતી, ગૌરવ હતું એવા માણસ પર ભરોસો કરાય અને એ માણસ કદી પૈસા ખોટા ન કરે. આપણને આવા સર્વોપરી, સનાતન સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એની આપણને કિંમત છે ? એનું ગૌરવ છે ? કે પછી પરોક્ષવાળાને રાજી કરવાનું, પૈસાદારને રાજી કરવાનું અને માણસોને જેવું સારું લાગે તેવું કરવાનું તાન રહે છે ? અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણની જ એકમાત્ર નિષ્ઠા જોઈએ અને એનું જ એકમાત્ર ગૌરવ જોઈએ તો જ આપણે શ્રીજીના સાચા આશ્રિત.  એવા ગૌરવવાળા, નિષ્ઠા-નિશ્ચયવાળા ભક્ત પર જ શ્રીજીમહારાજ ભરોસો કરે છે ને તેને જ પોતાની મૂર્તિ ધીરે છે. અર્થાત્ એને જ મૂર્તિનું સુખ આપે છે.
Bapji Ni Vato કેટલાકને કહેવું પડે છે કે, ‘દેહાભિમાન ટાળજો.’ અલ્યા, તને અનાદિમુક્ત કર્યો પછી દેહાભિમાન રહે ? આનું જાણપણું નથી રહેતું એટલે દેહાભિમાન નડે છે. ગાડી બરાબર હાંકતા શીખી ગયો પછી બેસનારને કહેવું પડે છે કે ભાઈ, ગાડી બરાબર હાંકજે ? વિમાનમાં પાયલોટને કોઈ કહેવા જાય છે કે ભાઈ, તું સરખું હલાવજે !! જેને પાકું થઈ ગયું હોય એને કહેવું જ ન પડે. એમ જેને જીવસત્તાએ હા પડી જાય કે, હું અનાદિમુક્ત જ છું. મૂર્તિમાં રાખ્યા પછી મહારાજ જ છે એવું દૃઢ થઈ જાય. પછી તેને દેહાભિમાન જેવી વસ્તુ રહેતી જ નથી. તેને દેહાભિમાન ટાળજો એવું કહેવું પડે નહીં. છતાં જેમ મોટા મોટા સમર્થ સદ્ગુરુ સંતો-મુક્તોએ દાસભાવે પ્રાર્થના કરી છે તેમ તે પ્રાર્થના તો અચૂક કરે જ. પરંતુ બીજાના સમાસને અર્થે.
Bapji Ni Vato ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાત: સભામાં વચનામૃત વાંચવાનું શરૂ કરતા પહેલાં જ બોલ્યા કે, “વચનામૃત બરાબર સાંભળજો. વચનામૃતનું મથાળું વાંચો ત્યારે એવું આવે કે શ્રીજીમહારાજ બિરાજમાન હતા. વાઘા ધારણ કર્યા હતાં, સભા ભરાઈને બેઠી હતી. હવે આનો ગુજરાતી અર્થ શું થાય ?” એમ પૂછ્યું. સભામાંથી જવાબ લઈ પછી તેઓ બોલ્યા, “એનો અર્થ એ થાય કે એ સભા ત્યારે હતી અને અત્યારે નથી ! પણ આપણે બોલીએ છીએ કે સભા ભરાઈને બેઠી છે, મહારાજ બિરાજમાન છે, વાઘા ધારણ કર્યા છે. કેમ કે એ જ મહારાજ અત્યારે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે એટલે તેઓ સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. મહારાજ ગયા નથી. જો ગયા હોય તો સભા ભરાઈને બેઠી હતી એવું બોલાય પરંતુ મહારાજ સદાય પ્રગટ, પ્રગટ અને પ્રગટ જ છે. એટલે આપણે ત્યાં પરોક્ષવાદ નથી. હવે આ મહારાજની મૂર્તિનું વર્ણન છે જે વચનામૃતની શરૂઆતમાં આવે છે તે એટલા માટે કે વચનામૃત વાંચતા પહેલાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરો અને આવી રીતે ચિંતન કરવાથી મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે એવો ભાવ પ્રગટ થાય.”
Bapji Ni Vato ગઢડા પ્રથમના ૨૭મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે, “પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે.” આ વચનામૃત કેટલી વાર વાંચે તો મહારાજ હાથમાં આવે ? ના જ આવે. કારણ કે પરમેશ્વરના તો રાફડા ફાટેલા છે. ઘોઘાને લોકો ભગવાન કહે છે ને ખેતરપાળને પણ કહે છે. એમાં કયા પરમેશ્વર હાથમાં આવે ? આપણે થોડો વળાંક લઈએ. સ્વામિનારાયણ ભગવાન એવું કહેવા માગે છે કે, તમે બધા મારું ભજન કરો છો, મારા ભગત છો પણ તમારા બધાની સમજણ સરખી નથી. અને ક્યાં છે ? લ્યો, મંદિરે મંદિરે ઉપાસના જુદી છે. એક કહે છે, નરનારાયણ દેવના પ્રતાપે; બીજો કહે છે, ગોપીનાથ દેવના પ્રતાપે; ત્રીજો કહે છે, મદનમોહન દેવના પ્રતાપે; ચોથો કહે છે, રાધાકૃષ્ણ દેવના પ્રતાપે ! તો પછી સ્વામિનારાયણના પ્રતાપનું શું ? આનું કારણ શું ? મહારાજ કહે છે, તમે મારા ભક્તો મારું ભજન કરો છો પણ મારી યથાર્થ નિષ્ઠા નથી થઈ એટલે સમજણમાં ફેર રહે છે. આખા સંપ્રદાયના ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન હોય તો એમના આશ્રિત આચાર્ય, સાધુ, હરિભક્ત તમામની સમજણ સરખી હોવી જોઈએ કે જુદી જુદી હોવી જોઈએ ? સરખી જ હોવી જોઈએ. ઘરમાં પાંચ માણસ હોય અને પાંચેયના સ્વભાવ જુદા જુદા હોય તો બાર મહિનામાં એક જ વાર ડખો થાય કે રોજ ડખો થાય ? એમ સંપ્રદાયમાં બધાની સમજણ જુદી જુદી હોય તો ડખા થાય જ. પણ જો બધાયને મહારાજની જેમ છે તેમ યથાર્થ નિષ્ઠા હોય તો એકબીજાને આનંદ થાય. એટલે મહારાજ કહે છે કે સમજણમાં ફેર રાખવો નહીં. સમજણ તો બધાયની એકસરખી રાખવી અને એકસરખી જ કરવી.