બાપજીની અમૃત વાતો

Bapji Ni Vato

Bapji Ni Vato દરેક શાસ્ત્રના લખાણમાં ચાર પ્રકારના શબ્દો હોય : રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક. રોચક :  કોઈ વ્યક્તિને રુચિ ઉત્પન્ન કરવા માટે વાત એની પાત્રતા પ્રમાણે થાય તો એને અંદરથી રુચિ ઉત્પન્ન થાય. જેમ કે અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં કીધું કે, “બ્રહ્મમહોલને વિષે બહુ પ્રકારના મહોલ છે ને તે મહોલુંને બહુ પ્રકારના ગોખ છે, ને બહુ પ્રકારના ઝરૂખા છે ને બહુ પ્રકારની તેને અગાસીઓ છે.” આ રોચક શબ્દ કહેવાય પણ એ સિદ્ધાંતિક શબ્દ નથી. ભેદક :  જેમાં ભારે અને હલકી એમ બંને પ્રકારની વાત દર્શાવી ભેદ બતાવ્યો હોય તેને ભેદક શબ્દ કહેવાય. જેમ કે અક્ષરધામની વાત કરતાં છેલ્લાના ૩૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે એવું સમજાવ્યું છે કે, “કોટિ કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે.” જ્યારે લોયાના ૧૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધોઊર્ધ્વ તથા ચારેકોરે પ્રમાણે રહિત છે.” હવે એક વચનામૃતમાં તેજના સમૂહની મર્યાદા બાંધી દીધી. જ્યારે બીજા વચનામૃતમાં પ્રમાણે રહિત કહ્યો. આ ભેદક શબ્દ કહેવાય. ભયાનક :  જેમાં ભય બતાવ્યા હોય કે જોજો ભગવાન નહિ ભજો તો જમ મારી મારીને તોડી નાખશે. જમપુરી ને નર્કનું દુ:ખ આવશે. આમ, ભય બતાવીને ઉપદેશ આપ્યો હોય તેને ભયાનક શબ્દ કહેવાય. જેમ કે છેલ્લાના ૧૭મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે.” આવી રીતે ભયાનક વાત પણ શાસ્ત્રમાં લખી હોય. વાસ્તવિક :  વાસ્તવિક એટલે જેમ છે તેમ જ હોય. જેવું હોય તેવું જ લખ્યું હોય. વાસ્તવિક એટલે સિદ્ધાંતિક. જેમ કે ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં કહ્યું, “અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે.” હવે આ વાસ્તવિક શબ્દ સમજાય તો અધૂરું મનાય ? તરત પૂરું મનાય. એમ આગલા ત્રણ શબ્દ કરતાં આ વાસ્તવિક શબ્દ અધિક છે ને સિદ્ધાંતિક છે.
Bapji Ni Vato શ્રીજીમહારાજ કેવા છે ? દિવ્ય નહિ, દિવ્યાતિદિવ્ય છે. ભવ્ય નહિ, ભવ્યાતિભવ્ય છે. એમને કોઈ ઉપમા આપી શકાય નહીં. મહારાજનું યથાર્થ મહાત્મ્ય વર્ણન કરી શકાય નહીં. ક્યાંક લખાણમાં મહારાજના મહિમાની મર્યાદા લખી હોય પરંતુ મહારાજના મહિમાની મર્યાદા હોય જ નહીં. લખ્યું છે કે મહારાજના દાંત દાઢમ (દાડમ)ની કળિયું જેવા છે. દાડમ તો પાંચ રૂપિયાનું મળે. આ ઉપમા બરાબર છે ? પણ દાડમના દાણા ફર્સ્ટ ક્લાસ ઝગારા મારતા હોય એટલે આવી ઉપમા આપી. પછી કીધું કે મહારાજના અક્ષરધામનું તેજ કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર ને તારા જેવું છે. હવે જેની એક કિરણમાં અનંત અક્ષરકોટિ તેજાયમાન થઈ જતા હોય ત્યાં બિચારા સૂર્યની ક્યાં ગણતરી થાય ! લખાણમાં તો બધુંય અવરભાવનું જ વર્ણન હોય. એણે કરીને મહારાજની મર્યાદા નક્કી થઈ જાય ? પણ સમજી રાખવું કે જે દિવ્યાતિદિવ્ય હોય ને ભવ્યાતિભવ્ય હોય એની મર્યાદા ન હોય. એવા મહારાજને મર્યાદામાં બંધાય નહીં. તેઓ સદાય અપાર ને અપાર જ છે ને સદાય અપાર જ રહે છે.
Bapji Ni Vato (૧) સનાતન-આધુનિક, (૨) અવરભાવ-પરભાવ, (૩) પ્રત્યક્ષાર્થ-પરોક્ષાર્થ, (૪) અન્વય-વ્યતિરેક, (૫) કાર્ય સત્સંગ-કારણ સત્સંગ. આ પાંચેય બાબતોને જેમ છે તેમ યથાર્થ સમજતા આવડે તો એની અંદર બધુંય જ્ઞાન આવી જાય માટે આટલું તો અવશ્ય સમજીને દૃઢ કરી જ દેવું.
Bapji Ni Vato અવરભાવમાં મહારાજ પ્રતિમા જેવા દેખાય, આરસના દેખાય, કાષ્ટના દેખાય કે ધાતુના દેખાય પણ સમજવાના કેવા ? દેખાય એવા નહીં. અવરભાવમાં મહારાજ દેખાય અહીંયાં સ્વામિનારાયણ ધામમાં. હવે આપણે દેખવાના ક્યાં અને સમજવાના ક્યાં ? પરભાવમાં - સદાય તેજના સમૂહમાં જ દેખવાના અને સમજવાના. આખો સત્સંગ જેવું દેખાય છે એવું જ સમજે છે. જુઓ, ઘણા બોલે છે કે, અહોહો... મહારાજની કેવી સરસ મૂર્તિ છે ! આવી મૂર્તિ તો બીજે ક્યાંય નથી. અલ્યા, એવું ન બોલાય. આ મહારાજ બધેય એના એ જ છે. આ તો બધા અવરભાવના ભાવ છે. તમે ચિત્ર-પ્રતિમા બધીય જુઓ; એકેય સરખી લાગે છે ? કદાચ આરસની હોય તોય બધીય એકસરખી લાગે છે ? આ બધો અવરભાવ છે. તે એમને વિષે ના પરઠાય પણ તમે જોજો લોકો એવું જ બોલે છે કે આ ઘનશ્યામ મહારાજ જેવા બીજા નહીં. આ ઘનશ્યામ મહારાજ ફલાણા મંદિરના છે. આનાં દર્શન ના થાય ! આ ફલાણાએ પધરાવ્યા છે. આ વાસણાના ઘનશ્યામ મહારાજ છે. આ ફલાણા મંદિરના ઘનશ્યામ મહારાજ છે. એવું બોલાય ? બહુ અપરાધ થાય. ઘનશ્યામ મહારાજ વાસણાના નથી ને ક્યાંયના નથી. એ કોઈ જગ્યામાં બંધાય કે સમાય એવા નથી. એ તો અક્ષરધામના ધણી છે. બધાયે અવરભાવ પરઠીને ઘનશ્યામ મહારાજનાય ભેદ પાડ્યા કે આ વાસણાના, આ રંગમહોલના, આ વડતાલના !! આવું બોલાય જ નહીં. આ તો ભયંકર દ્રોહ કહેવાય. ઘનશ્યામ મહારાજ તો સદાય અક્ષરધામના જ છે. આ બધો અવરભાવ ખોટો છે. આંખે દેખાય એ ખોટું. આ બધી અણસમજણ કાઢીને જ્યારે મહારાજને વિષે પરભાવ પરઠાશે ત્યારે મહારાજ જેવા દિવ્ય થવાશે.
Bapji Ni Vato પ.પૂ. બાપજીએ વચનામૃત શરૂ કરતા પહેલાં પૂછ્યું, “સંભળાય છે ને ?” હરિભક્તોએ જવાબ આપ્યો, “હા બાપજી, સંભળાય છે.” ફરી તેઓએ પ્રશ્ન પૂછ્યો કે, “સાંભળવું છે કે સમજવું છે ?” હરિભક્તોએ જવાબ આપ્યો, “સમજવું છે.” ફરી તેઓએ પૂછ્યું, “માત્ર સમજવું છે કે વર્તવું પણ છે ?” હરિભક્તોએ કહ્યું, “ના ! સમજ્યા પછી વર્તવું છે.” “મુક્તો, સાંભળવું એ મહત્ત્વનું ખરું પરંતુ તેથી સમજવું એ વધારે મહત્ત્વનું છે અને સમજ્યા પછી વર્તવું એ અતિશય મહત્ત્વનું છે. ઘઉં લાવ્યા, ચોખા લાવ્યા તેને મોઈને મૂકી રાખ્યા પરંતુ તેનાથી પેટ ભરાય નહીં. વળી, રસોઈ કરીને રસોડામાં મૂકી તેનાથી પણ પેટ ભરાય નહીં. પેટ ક્યારે ભરાય ? જમાડે તો ! આ આધ્યાત્મિક માર્ગ વર્તનનો છે, બોલવાનો માર્ગ નથી. અત્યારે દુનિયા બોલવાનું શીખી ગઈ છે પણ વર્તનમાં આવતું નથી.”
Bapji Ni Vato ભાગીદારી કરો તો પાકું લખાણ કરવું, બધાયની સહી લેવી અને જે કમાણી થાય એનો ચોખ્ખો ૧૦% ભગવાનનો ભાગ કાઢવો અને ભાગીદારી લખાણ કર્યા પછી અગડમ્-બગડમ્ કરવું નહીં. ખોટું કરવું નહીં. એ ભગવાન સહન નહિ કરે, ભગવાન ભેળા નહિ ભળે. અમે તમને એવા ખોટા આશીર્વાદ નહિ આપીએ. અમે બિલ્ડરની સ્કીમમાં મહાપૂજા કરવા જઈએ ત્યારે બધાની વચ્ચે કહીએ કે, ભાઈ તમે નફો લેજો પણ એકલી રેતી ના નાખશો, સૂતાં સૂતાં પાણી પીવે એવું ના કરશો. જો એવું કરશો તો પછી ઘરાક કહેશે કે, તારું નખ્ખોદ જાય. તો એની હાય લાગે. પણ આપણે એવી વસ્તુ બનાવવી કે જેથી એ લોકો રાજી થાય, આશીર્વાદ આપે. આપણે મોટા બંગલામાં રહેતા હોય ને એ બિચારાને જીવનમાં એક જ વાર ઘર થતું હોય. તમે ધંધો કરો, નફો કરો પણ નિયમ પ્રમાણે કરો, મહારાજની આજ્ઞા પ્રમાણે કરો તો એમાં અમે રાજી.
Bapji Ni Vato શ્રીજીમહારાજને રાજી કરવાની આપણી દૃષ્ટિ હોય તો દિવસે દિવસે આપણી પ્રગતિ થવી જોઈએ. આપણને જગતનો અભાવ થવો જોઈએ અને ભગવાનમાં ભાવ થવો જોઈએ. જગતની વાસના ઘટવી જોઈએ અને ભગવાનની વાસના વધવી જોઈએ. આપણા સ્વભાવ, આપણા દોષો આ બધું ધીમે ધીમે ટળવું જોઈએ અને ભગવાનના ગુણો આપણામાં આવવા જોઈએ. આપણામાં ધર્મ ન હોય તો ધર્મ આવે, વૈરાગ્ય આવે, ભક્તિ આવે, ભગવાનનો રાજીપો આવે તો તે બધા અધ્યાત્મ માર્ગનાં ફળ છે. હવે વર્ષોથી સત્સંગ કરતા હોઈએ અને ધોયેલા મૂળા જેવા રહેતા હોઈએ તો સત્સંગનો કાંઈ અર્થ ખરો ? કોલસાને તમે ગમે તેટલા દૂધમાં ધોવો તોય ઊજળો થાય નહીં. એમ આપણામાં દિવસે ને દિવસે પરિવર્તન ન આવે તો પછી આપણે કોલસા જેવા જ કહેવાઈએ !!
Bapji Ni Vato અત્યારે જમાનો બદલાઈ ગયો છે. બધામાં સેળભેળ થઈ ગઈ છે. સત્સંગમાં પણ સેળભેળ થઈ ગઈ છે. ઘરાકનું મહત્ત્વ વધી ગયું અને મોક્ષનું ઘટી ગયું છે. સાધુને જે જોગમાં આવે તેને ભગવાન આપવા, એના જીવમાં ભગવાન પધરાવી દેવા એવું રહ્યું નથી અને હરિભક્તને પણ ભગવાન લેવાનો કે જીવમાં ભગવાન પધરાવવાનો ખપ નથી ! આવી મુમુક્ષુતા એકેય પક્ષે જાગતી નથી.
Bapji Ni Vato સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ છે. વૈકુંઠના પતિ જુદા છે. ગોલોકના પતિ જુદા છે. બદ્રિકાશ્રમના પતિ જુદા છે. શ્વેતદ્વીપના પતિ જુદા છે અને અક્ષરધામના પતિ પણ જુદા છે. બધાય ધામોના પતિ એક નથી કે બધાય સરખા નથી. સત્સંગમાં બધાયે આ સમજવું પડશે. જ્યાં સુધી આ નહિ સમજે ત્યાં સુધી બધું એક કુટાશે.
Bapji Ni Vato મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની સાથે જુદી જુદી દસ-પંદર મૂર્તિઓ પધરાવી હોય તો જે દર્શન કરવા આવે તેને નિષ્ઠા પાકી થાય કે ન થાય ? ના જ થાય. સવા બસો વરસ ઉપર સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ થયે થયાં પણ હજુ ઘણાને ક્યાં નિષ્ઠા પાકી થઈ છે ? એમ કહીને પછી દૃષ્ટાંત આપ્યું કે, એક મહેમાનને કીધું કે, તું મારે ત્યાં જમવા આવજે. તો કહે, સારું. પછી તેને બીજાએ કીધું કે, મારે ત્યાં જમવા આવજે. તો કહે, સારું. એમ દસ જણે આમંત્રણ દીધું ને પેલાએ દસેયને સારું સારું કહ્યું. પછી દસેય માણસે વિચાર કર્યો કે, રમણભાઈના ઘરે રાંધશે તો દશરથલાલ કહે મારું બગડશે. અને બીજે વિચાર્યું જે, જો દશરથભાઈ રાંધશે તો ડાયાભાઈ કે’ મારું રાંધેલું બગડશે. એમ દસેય જણાએ રાંધ્યું નહીં. પછી પેલા ભાઈ લબડ્યા !! એકેય ઠેકાણે જમવા મળ્યું નહીં. પરંતુ તેણે એક જ ઠેકાણે કીધું હોત તો આ દશા થાત ? ના. માટે એક સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા રાખવી અને જો બધાયની રાખશો તો તમારો કોઈ ધણી નહિ થાય.
Bapji Ni Vato અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં લખ્યું છે કે, “ભગવાનને ભગવાન જાણ્યા તેને સર્વે અંગે ભગવાનનો નિશ્ચય ડગે નહિ તે અંગ કહો.” ભગવાનને ભગવાન જાણવા અને એનો સર્વે અંગે નિશ્ચય આ બે આવ્યું કે નહીં ? હા. ભગવાનને ભગવાન જાણવા એટલે લોકો ભગવાન બધાય એક જ છે અને બધાય સરખા જ છે આવું જાણે છે. પણ એ બરાબર નથી અને એટલે જ પાછળથી કીધું કે એનો સર્વે અંગે નિશ્ચય ડગે નહિ એ અંગ કહો. ભગવાનનાં અનંત અંગો છે પણ એમાં ચાર અંગ મુખ્ય છે : (૧) સનાતન જાણવા, (૨) સર્વોપરી જાણવા, (૩) સર્વ અવતારના અવતારી જાણવા અને (૪) સર્વ કારણના કારણ જાણવા. અને બીજાં પેટા અંગો પણ છે. જેવાં કે, સદા દિવ્ય છે, સદા સાકાર છે, સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે, અંતર્યામી છે, કર્તુમ્, અકર્તુમ્, અન્યથા કર્તુમ્ છે વગેરે... આ બધાય અંગોને જે પણ મહારાજના આશ્રિત હોય તે સર્વેએ જાણવા ફરજિયાત છે. એમાં કોઈને ચાલે નહીં. જેમ ટપાલ મોકલવા સરનામાં વગર કોઈને ચાલે નહિ એમ આ બધાં અંગો સમજ્યા વગર કોઈને ચાલે નહીં.
Bapji Ni Vato મને સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ મળ્યા છે અને જે દિવસથી મળ્યા છે તે દિવસથી મારું પરિપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે. આવી હા નથી પડતી એનું કારણ શું ? તો, તે એમ માને છે કે મહારાજ ૧૮૩૭માં આવ્યા અને ૧૮૮૬માં ગયા અને હવે અત્યારે નથી ! ભગવાન ગયા તો પછી કલ્યાણ પણ ભગવાનની હારે જ ગયું ! માટે હવે મરીને ભગવાનના ધામમાં જઈશું ત્યારે કલ્યાણ થશે. માટે કાર્ય સત્સંગમાં કલ્યાણની કોઈને હા પડતી નથી.
Bapji Ni Vato સર્વોપરી શબ્દના બે અર્થ સમજાવતાં કહ્યું કે, સર્વોપરી શબ્દના બે અર્થ છે : એક શબ્દાર્થ અને બીજો સિદ્ધાંતિક. સર્વોપરી શબ્દમાં ‘સર્વ’ ને ‘પરી’ એ બે શબ્દો જુદા છે. એમાં ‘સર્વ’ શબ્દ બહુવચન છે અને ‘પરી’ શબ્દ એકવચન છે. એનો શબ્દાર્થ જો તમે કરો તો શું થાય ? સ્વામિનારાયણ ભગવાન બધાયથી મોટા છે આટલું જ થાય. હવે સિદ્ધાંતિક અર્થ સમજીએ તો ‘સર્વ’ શબ્દમાં કોણ કોણ આવે ? એક શ્રીજીમહારાજ સિવાય બધાય ! આ બધાયમાં અન્વય અને વ્યતિરેક બંને લાઇન આવી જાય. અન્વયના સંબંધવાળા અનંત અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ ને જીવકોટિ આ બધાય આવે અને વ્યતિરેકના સંબંધવાળા અનંત અનાદિમુક્ત, પરમએકાંતિક, એકાંતિક અને ચાલોચાલ આવી જાય. અન્વયની લાઇનવાળા અન્વય શક્તિની સત્તાથી અને વ્યતિરેકની લાઇનવાળા વ્યતિરેક સંબંધથી થયા છે અને રહ્યા છે. માટે અન્વયની લાઇનવાળાના શ્રીજીમહારાજ અન્વય સ્વરૂપે ઉપરી છે અને વ્યતિરેકની લાઇનવાળાના સીધા ઉપરી છે. અન્વયની લાઇનવાળા ને વ્યતિરેકની લાઇનવાળા બધાય અનંતાનંત છે ને સ્વામિનારાયણ ભગવાન એક જ છે. આમ, આ બધાયના ‘ઉપરી’ એટલે સર્વોપરી !! આવી રીતે સર્વોપરી શબ્દનો શબ્દાર્થ અને સિદ્ધાંતિક અર્થ સમજાય ત્યારે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણ્યા કહેવાય.
Bapji Ni Vato સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. આવી રીતે જો બધાયથી મોટા મને મળ્યા છે આવી સૂઝ પડે તો અધૂરું મનાય ? ઘરમાં બીજું ઢગલાબંધ રખાય ? જો સર્વોપરી સમજાય તો રહે જ નહીં !! અને જો રહે છે તો એ સમજ્યો જ નથી. જે વ્યક્તિ ભાગીદારી કરે છે એટલે સમજી લેવાનું કે આની પાસે પૂરા પૈસા નથી પણ પૈસાનો ઢગલો હોય તો એ ભાગીદારી કરે ખરો ? મહારાજનું સર્વોપરીપણું સમજાય તો પછી એને બીજાનો ભાર, પ્રતીતિ કે ભાગીદારી રાખવાનું મન થાય ખરું ? પણ રહે છે એનું કારણ શું ? પૂરા જાણ્યા નથી ! કેમ જાણ્યા નથી ? કેમ કે એ જેની સાથે જોડાયેલો છે એણે જ પૂરા જાણ્યા નથી એટલે !! કૂવામાં મોટર મૂકી અને ૩૦ મિનિટમાં પાણી બંધ થઈ જાય છે એનું કારણ શું ? કૂવામાં પાણી નથી એટલે !! અને આખો દા’ડો (દિવસ) ચાલે અને ૬’ની પાઇપ ભરીને પાણી આવે તો સમજવું કે પાતાળ તોડેલું પાણી છે. એમ જેણે મહારાજને સર્વોપરી જાણ્યા હોય એ ઝીકો પાડે. જેણે જાણ્યા જ ન હોય તો એ કહી શકે ખરા ? ના કહી શકે.
Bapji Ni Vato શ્રીજીમહારાજના શબ્દો હલકા પણ હોય અને ભારે પણ હોય. જો ભારે શબ્દ હાથમાં આવે તો હલકા ઊડી જાય. એકડિયાંમાં ભણતો હોય અને કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હોય બેયને વિદ્યાર્થી કહેવાય. પરંતુ ફરક કેટલો બધો છે ? એકડિયાંવાળાની હજુ શરૂઆત છે અને કૉલેજવાળાને પૂરું થવા આવ્યું. બેયને વિદ્યાર્થી કહેવાય પણ વિદ્યાર્થી સરખા નથી ! એમ શ્રીજીમહારાજ પોતે જ શબ્દ બોલ્યા હોય પણ બધાય શબ્દ સરખા ન હોય.  હલકા શબ્દ છે એ એકડિયાંવાળા માટે છે એટલે કે સત્સંગમાં જે નવા આવતા હોય એના માટે છે અને ભારે શબ્દ છે તે કૉલેજવાળા માટે છે. એમ મહારાજ કોના માટે કયું બોલ્યા છે તે સમજી રાખ્યું હોય તો શબ્દ બાધ ન કરે. જુઓ મહારાજ બોલ્યા કે, “હું શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું.” તો મહારાજ ભગત ઠર્યા કે નહીં ? આવા શબ્દો નવા માટે છે, એકડિયાંવાળા માટે છે. લોયાના ૧૧મા વચનામૃતમાં કહ્યું કે, “બીજા અવતારનું ધ્યાન ન કરવું.” આ છેલ્લા શબ્દ છે પણ લખાણનો કોઈ સમન્વય કરતું જ નથી એટલે એકડિયાંના શબ્દો જ હાથ આવે છે ને એમાં જ અટકી પડે છે.
Bapji Ni Vato ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં નિરુત્થાનપણે નિશ્ચયની વાત સમજાવતાં પ.પૂ. બાપજી બોલ્યા જે, “અહીં મહારાજે લીંબડાનું દૃષ્ટાંત આલ્યું છે. લીંબડાને એક વાર જાણીએ કે આ લીંબડો છે પછી એ ડગવું ન જોઈએ. હવે કોઈ બીજો લીંબડો બતાવે તો એને શું કહેશો ? લીંબડો ! તો નિશ્ચય ડગી ગયો કે નહીં ? લીંબડો એક નથી અને લીંબડો અજોડ નથી. બીજો લીંબડો, ત્રીજો લીંબડો એમ બધા લીંબડા જ છે. આ દૃષ્ટાંત એકદેશી છે. તો લીંબડાનું દૃષ્ટાંત કેમ આપ્યું ? મહારાજ લીંબડા નીચે બેઠા હતા એટલે આપ્યું ! લીંબડો એટલે સનાતન એવા શ્રીજીમહારાજ અને આંબો એટલે આધુનિક અન્ય અવતારો ! એનો ગુજરાતી અર્થ શું થાય ?” હરિભક્તો બોલ્યા, “સનાતન એક જ છે અને આધુનિક અનંત છે.”  “વગાડો તાળી ! આ મુદ્દો છે. લીંબડો એ લીંબડો છે પણ આંબો નથી. એમ સનાતન છે એ સનાતન જ છે પણ આધુનિક નથી. સનાતન કોઈ દિવસ આધુનિક થતા નથી અને આધુનિક કોઈ દી’ સનાતન થતા નથી.”
Bapji Ni Vato શાસ્ત્રના શબ્દને બરાબર સમજતા આવડવું જોઈએ એમ કહીને બે દૃષ્ટાંત દીધાં. એક માણસે પૂતળું બનાવ્યું હતું. તેને પોલું કરીને એમાં સોનામહોર ભરી અને પછી પૂતળા ઉપર લખ્યું કે, જે માથું વાઢે એ માલ કાઢે. જે કોઈ આવે તે બધા લખેલું વાંચી વાંચીને જતા રહે કેમ કે માથું વાઢવાની વાત હતી. પોતાનું માથું વાઢીને કરવાનું શું ? પણ વિચાર ન કર્યો કે પોતાનું માથું નહિ પણ પૂતળાનું માથું વાઢવાની વાત છે. પૂતળાનું માથું વાઢે તો જરૂર માલ કાઢે. એક છોકરાનો બાપ ધામમાં ગયો. તેણે ચોપડામાં લખી રાખ્યું હતું કે, ગંગા ને જમનાની વચ્ચે સોનાના ચાર ચરુ દાટેલા છે. છોકરાએ આ લખેલું વાંચ્યું અને તે ગંગા ને જમના નદીને સમજ્યો પણ લખ્યું હોય એવું ના સમજાય. છોકરાએ ચરુ કાઢવા તૈયારી કરી, માપવાની પટ્ટીયો લીધી, ગંગા અને જમના નદીના બે પટને માપીને વચ્ચે ખોદવું એવું નક્કી કર્યું. સો-બસો મજૂરો ભેગા કર્યા. સો-બસો ત્રિકમ-પાવડા ખરીદ્યા. આ ખાતર ઉપર દિવેલ કર્યું કહેવાય કે નહીં ? આ બધું લઈને જતો હતો ત્યાં સામે એના બાપના ગુરુ મળ્યા. તેમણે પૂછ્યું, શું આ બધો તોફો માંડ્યો છે ? ત્યારે છોકરાએ કહ્યું, આવી રીતે છે એમ કહી માંડીને બધી વાત કરી. પેલા ગુરુ અનુભવી હતા તેથી સમજી ગયા કે વાતમાં કંઈક મર્મ છે. કોઈ હજારો ગાઉ દૂર દાટવા થોડા જાય ! ગુરુએ કહ્યું, તારી કંઈક ભૂલ થાય છે. તો છોકરાએ લખાણ વંચાવ્યું કે જુઓ આમાં ચોખ્ખું દીવા જેવું લખ્યું છે ને. સત્સંગમાં બધાય આમ જ બતાવે છે કે જુઓ પાંચ દેવને પૂજ્યપણે કરીને માનવા એવું ચોખ્ખું લખ્યું છે કે નહીં ! પેલા ગુરુએ કીધું, ભલે લખ્યું પણ તેને સમજવું પડે. તું ઉતાવળ ન કર. ચાલ તારા ઘરે હું આવું છું. એમ તેઓ એના ઘરે આવ્યા. ઘરે એક ઘરડા ડોસી હતાં. તેમને પૂછ્યું કે, તમારો દીકરો ઘરમાં ઢોર (પશુ) રાખતો હતો ? ડોસીએ કહ્યું કે, બે ગાય રાખતો હતો. ગુરુએ પૂછ્યું કે, તેનું કોઈ નામ પાડ્યું હતું ? હા, એકને તે ગંગા કહેતો અને બીજીને જમના કહેતો હતો. ગુરુએ કહ્યું કે, હં...અ... તે બેય ગાયોને ક્યાં બાંધતો હતો ? ડોસીએ ઘરમાં ગાય બાંધવાના બે ખીલા બતાવ્યા. ગુરુએ છોકરાને કહ્યું કે, આ બે ખીલા વચ્ચે ત્રિકમથી ખોદ. થોડું ખોદ્યું ત્યાં ચરુ દેખાણા. એવી રીતે શાસ્ત્રનાં લખાણ ઉપરથી વાંચે તો આખી જિંદગી જતી રહે તોય મહારાજનું સ્વરૂપ હાથમાં ન આવે પણ જો અનુભવી સત્પુરુષ મળે તો તરત ઓળખાવે. શાસ્ત્રમાં કયો શબ્દ કોના માટે છે ? શા માટે છે ? કોના માટે બોલ્યા છે ? એ વાંચવાથી ખબર પડે નહીં. એ તો અનુભવી હોય એ જ સમજાવે.
Bapji Ni Vato મંદિરો, સાધુ, બ્રહ્મચારી, આચાર્ય, દેશ, ગાદી, પ્રથા, સત્સંગી આ સર્વે કાર્ય છે. એ જ રીતે કારણ સ્વરૂપ મહારાજની મૂર્તિમાં જોડાવા માટે થતાં રાજીપાનાં સાધનો એ સર્વે પણ કાર્ય છે. આ સર્વે કારણ સ્વરૂપમાં જોડાવા માટેનાં અવરભાવનાં માધ્યમો છે. આમ કાર્ય એટલે બધો અવરભાવ. જે અહીંયાં ને અહીંયાં જ રહે છે. માટે તમે પણ જો કાર્યમાં જોડાવ તો તમે પણ અહીં ને અહીં જ રહો. માટે કાર્ય સત્સંગ માયિકભાવનો છે. આથી કાર્ય સત્સંગમાં કદી મોક્ષની હા પડે નહીં. કારણ મૂર્તિ એવા શ્રીજીમહારાજ તેનો રોમ રોમ પ્રત્યે સંગ એટલે કારણ સત્સંગ. જેનું કોઈ દિવસ પરિવર્તન ન હોય, જે દિવ્યાતિદિવ્ય હોય, જે ભવ્યાતિભવ્ય હોય, જે કોઈના વડે બનેલા ન હોય, એક અને અજોડ હોય. આવું કારણ સ્વરૂપ એક જ હોય અને એ કારણને લઈને અનેક કાર્ય છે પણ કાર્યને લઈને કારણ નથી. આવું અનંતકોટિ બ્રહ્માંડમાં કારણ સ્વરૂપ એકમાત્ર શ્રીજીમહારાજનું છે. અને તેમની સંગાથે રોમ રોમ પ્રત્યે એકતા પામવી એ જ કારણ સત્સંગ.  કારણ સત્સંગ દિવ્ય છે અને તે કેવળ કૃપાથી મળે છે. એમ કહીને કીર્તનની પંક્તિ બોલ્યા કે,  “કાર્ય કારણ જે ઓળખે આ ટાણે, તે જ શ્રીજી રહસ્ય સત્ય જાણે.”
Bapji Ni Vato શ્રીજીમહારાજે વચનામૃતમાં એમ લખ્યું છે કે, “જેટલું સમુદ્રમાં પાણી છે એટલું આ જીવાત્મા અનંત જન્મ ધરીને માતાનું ધાવણ ધાવ્યો છે.” એમ ઘણા જન્મ થયા છે પણ જ્યાં સુધી પોતાનું સાચું સ્વરૂપ ન ઓળખાય, ભગવાનનું સાચું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી જીવાત્માનો મોક્ષ થતો નથી. પૈસાથી, ભણવાથી એન્જિનિયર થવાય પણ મુક્ત ન થવાય. માયાથી જો મુક્ત થવું હોય તો માયાથી મુકાયેલા હોય એ જ આપણને માયામાંથી મુક્ત કરે. એમ કહીને દૃષ્ટાંત આપ્યું કે, અમે ગઢપુર ગયેલા. શ્રીજીમહારાજે સ્નાન કરેલા પ્રસાદીના ધરે બધા સ્નાન કરવા ગયા. તેમાં એક હરિભક્ત પાણીમાં ઊંડા ગયા, તરતા આવડતું નહિ એટલે ડૂબ્યા. એણે બીજા હરિભક્તને પકડ્યા, એને પણ તરતા આવડે નહિ એટલે બેય ડૂબ્યા. પછી ત્રીજાને તરતા આવડતું હતું તેણે આ બેયને બહાર કાઢ્યા. પછી દૃષ્ટાંતનો સાર જણાવતાં બોલ્યા કે, આપણે અનંત જન્મથી જેની જોડે જોડાયેલા છીએ તે સગાંસંબંધીઓ, જગત, જગતનાં પદાર્થો આ બધાંય માયામાં ડૂબેલાં છે. તેને મારા... મારા... ના કરવા. એ ડૂબેલા છે એટલે આપણનેય ડુબાડે છે. પણ કોઈ માયાને તર્યા હોય એવા સાધુ મળે, ભગવાનને મળેલા એવા સાધુ મળે તો જીવને (આપણને) તારી શકે. એવા સાચા સાધુ સાથે હેત અને મમત્વ કરવું તો તે આપણને તારશે. એમ કહી કીર્તનની ટૂંક બોલ્યા :  “સાચાં સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય; ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય.”
Bapji Ni Vato સંત એટલે શું ? માત્ર ભગવું લૂગડું એ સંતની ઓળખ નથી. જે ભગવાનની મૂર્તિમાં સંતાય અને જે એના જોગમાં આવે એને ભગવાનની મૂર્તિમાં સંતાડે એ સંત. લૂગડું પહેરવું એ સાધુનો આશ્રમ છે પણ સાધુ થયા પછી જેણે ભગવાન સાધ્યા હોય એનું નામ સાચા સાધુ. એની પાસે તમે આવો તો તમને ભગવાન આપે. “સાધુ એમ ઓળખાય, હરિરસ પીએ સૌને પાય; સાચા સાધુ એમ ઓળખાય જી.” હરિરસ પીવે ને જે જોગમાં આવે એને હરિરસ પિવડાવે. કોઈના જીવમાં લાકડા ના ઘાલે. જે લાકડા કાઢે ને ભગવાન આપે એ સાચા સાધુ.