Bapji Ni Vato

Bapji Ni Vato

દેહના વીમા તો તમે બધા ઉતારો છો પણ જીવનો વીમો ઉતરાવ્યો છે ? અમે પણ વીમા એજન્ટ છીએ. અમે તમારા જીવનો વીમો ઉતારીએ છીએ. વીમાના બે પ્રકાર છે : એક થર્ડ પાર્ટી વીમો છે અને બીજો ફુલ વીમો. થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. એમાં વળતર કશું મળે નહીં. થર્ડ પાર્ટી વીમો એટલે શું ? તો, તમે બધા મંદિર આવ્યા, કંઠી પહેરી, સત્સંગી થયા તે થર્ડ પાર્ટી વીમો.  અને ફુલ વીમાનું પ્રીમિયમ વધારે છે અને તેનું પ્રીમિયમ ભરવું જોઈએ. જો ન ભરે તો પૉલિસી રદ થઈ જાય. ભગવાનના સાચા સંત સાથે હેત થાય, એમની સાથે આત્મબુદ્ધિ થાય, મહારાજનો યથાર્થ મહિમા સમજાય, તેમનાં વચન મનાય, તનથી, મનથી, ધનથી એમની સેવા કરે અને બીજા પાસે કરાવે આ આપણું પ્રીમિયમ. આ ફુલ વીમો કહેવાય.
ગુરુદેવ પ.પૂ. બાપજી કીર્તનની ટૂંક બોલ્યા :  “સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું; મોંઘો મનુષ્યનો વારો, ફેર ફેર નહિ મળનારો; ડાહ્યા દિલમાં વિચારો.” પછી તેઓએ વાત કરી કે, “હે જીવાત્મા ! આવો મોંઘો મનુષ્યજન્મ આપણને મળ્યો. વળી ઉત્તમ કુળમાં, સારા કુટુંબમાં, સારા સંસ્કારી માબાપને ઘરે આવ્યા. શ્રીજીમહારાજે આપણને રોટલો અને ઓટલો આપ્યો, બુદ્ધિ આપી. હવે જો આપણે મોક્ષનું સાધન ન કરીએ તો શાસ્ત્રો આપણને આત્મઘાતી કહે છે. તમે મનુષ્યજન્મ ધર્યો અને જીવાત્માનો મોક્ષ ન કર્યો તો તમે આત્માના ઘાતી થયા. કેમ એવું ? શું મનુષ્યજન્મ સિવાય જીવાત્માનો મોક્ષ થતો નથી ? એક માણસ જ એવો છે કે જેની પાસે ભગવાન ભજવાનું લાઇસન્સ છે પણ એને ટાઇમ નથી. રખડવાનો ટાઇમ, ટી.વી. જોવાનો ટાઇમ, કોઈનું તોડવા-જોડવાનો ટાઇમ છે અને ભગવાન ભજવાનો ટાઇમ નથી. પણ આપણી આ સિઝન છે. મોંઘો મનુષ્યજન્મ મળ્યો. મોઘામાં મોઘા મહારાજ અને એમના સંત મળ્યા એટલે આ સિઝન કહેવાય. જીવાત્માનો છેલ્લો જન્મ કરવાનું ખરેખર ટાણું છે. માટે કરી લેજો !”
ગઢડા મધ્યનું ૧૪મું વચનામૃત સમજાવતાં કહ્યું કે, “સદ્. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ પ્રકાર છે ?” પછી સભામાં તેઓએ પૂછ્યું જે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછવાનો હેતુ શું હતો ? અને તદાત્મકપણું એટલે શું ? તે કહો. પછી પ.પૂ. બાપજીએ તદાત્મકપણાની વાત કેટલી બધી મહત્ત્વની છે ! તેની કેટલી અગત્યતા છે ! તેનો ખ્યાલ આપતાં તેઓએ કહ્યું કે, “આ તદાત્મકપણું શબ્દ ૨૭૩ વચનામૃતમાં આ એક જ જગ્યાએ છે. એમ કહી પછી પોતે જ તેનો ઉત્તર કર્યો કે, ચાલોચાલ નહિ, એકાંતિક નહિ, પરમએકાંતિક નહિ, તદાત્મકપણું એટલે અનાદિમુક્તની સ્થિતિ. સદ્. મુક્તાનંદ સ્વામીએ સીધી અનાદિની સ્થિતિનો પ્રશ્ન પૂછ્યો છે. અનાદિમુક્તની સ્થિતિ એટલે શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે એકતા. મૂર્તિ સાથે અંદર-બહાર સંપૂર્ણ એકતા. અનાદિમુક્ત રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ છે. હવે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ એટલે શું ? ‘એક રોમ જેટલી જગ્યા પણ પુરુષોત્તમરૂપ થવામાં બાકી નથી એને રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ કહેવાય.’ અનાદિમુક્તનો આકાર પુરુષોત્તમના જેવો છે એટલે પુરુષોત્તમરૂપ છે; પુરુષોત્તમ નથી. પુરુષોત્તમ તો એકમાત્ર શ્રીજીમહારાજ છે.” તદાત્મકપણું કેમ પામવું ? એટલે આવી અનાદિમુક્તની સ્થિતિ કેવી રીતે પમાય ? અર્થાત્ અનાદિમુક્ત કેવી રીતે થવાય ? એવો પ્રશ્ન પૂછવાનો સદ્. મુક્તાનંદ સ્વામીનો હેતુ હતો તે રહસ્યને સરળ રીતે પ.પૂ. બાપજીએ સમજાવ્યું.
ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં આવ્યું કે, “જે સંત તદાત્મકપણાને પામે છે.” તેની ચોખવટ પ.પૂ. બાપજીએ કરી કે, “અહીં સંત શબ્દ વાપર્યો છે. હવે સંત શબ્દની વ્યાખ્યા જગતની દૃષ્ટિએ કરવા જાઓ તો શું થાય ? ભગવું લૂગડું. જો એટલું જ સમજીએ તો મર્યાદા થઈ ગઈ કે સંત સિવાય કોઈ તદાત્મકપણું પામી શકે નહીં. પણ અહીં સંતની વ્યાખ્યા થઈ કે જે અમારા તદાત્મકપણાને પામે તે સંત. હવે ધોળાં લૂગડાંવાળા તદાત્મકપણું ન પામી શકે ? અરે, કોઈ પણ વ્યક્તિ પામી શકે છે. અહીં સંત એટલે માત્ર સાધુ એટલું જ ન સમજવું પણ જે મૂર્તિમાં સંતાય તે સંત.” એવી રીતે એમણે સંત શબ્દની યથાર્થ વ્યાખ્યા કરી દેખાડી અને કહ્યું કે, “તદાત્મકપણું સાધુ કે હરિભક્ત કોઈ પણ પામી શકે છે.”
ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે તદાત્મકપણું સમાધિએ કરીને પમાય ? તે સમાધિ અંગે પ.પૂ. બાપજીએ કહ્યું કે, “જગતમાં સમાધિનું બહુ મહત્ત્વ છે. સમાધિવાળાનો ઉદ્ઘોષ બહુ હોય પણ તેની કોઈ કિંમત નથી. સમાધિમાં રહે ત્યાં સુધી સારું પણ પછી ચાળા ચૂંથવા માંડે. તેની વાત મહારાજે ગઢડા છેલ્લાના ૧લા વચનામૃતમાં નારાયણદાસને મિષે કરી છે.” એમ કહી તેમનો પ્રસંગ કહ્યો. “નારાયણદાસ નામના સાધુ હતા. મહારાજે સાધુઓને નવી ગોદડીઓ આપવાનું કર્યું. પણ જેની ગોદડી ચાલે એવી હોય એને નહિ મળે અને જેની સાવ તૂટી ગયેલી હોય, ખોવાઈ ગયેલી હોય એને મળશે એવું મહારાજે કહ્યું હતું. હવે આ સ્વામીને એવી ગોદડી હતી કે તૂટીએ નો’તી અને નવીયે નો’તી. એટલે ચાલે એવી હતી. હવે જો તે મહારાજને ગોદડી દેખાડે તો એમને નવી ગોદડી મળે નહીં. પછી નારાયણદાસ સ્વામી સભામાંથી ઊભા થઈને ગોદડી ઉકરડામાં સંતાડી આવ્યા. તે એમ વિચારથી જે નવી મળશે પછી આ કાઢી લાવીશ એટલે મારે બે ગોદડી થાય. તેમણે મહારાજ પાસે આવીને કહ્યું કે, મહારાજ મારી પાસે ગોદડી નથી. મહારાજે પૂછ્યું કે, સાવ તૂટેલી હશે કે નહીં ? તો કહે કે મહારાજ સાવ છે જ નહીં ! મહારાજે કહ્યું, હું ગોતી કાઢું તો ? પછી મહારાજે ઉકરડામાંથી કઢાવી અને સભામાં લાવ્યા. મહારાજે ગોદડી સભામાં ઊંચી કરીને કહ્યું કે, આ નારાયણદાસની સમાધિ !!”  પછી સભામાં તેઓએ હરિભક્તોને પૂછ્યું કે, “આમાં સમજાણું ? સમાધિ તો થતી હતી પણ જીવસત્તાએ મૂર્તિ સિદ્ધ નહોતી કરી એટલે ગોદડી સારી લાગી. લોકોને સમાધિનું મહત્ત્વ બહુ લાગે પણ એમાં કશું માલ ન હોય. એ બધી સવિકલ્પ સમાધિ કહેવાય.” ત્યારબાદ તેમણે સમજાવ્યું કે, “ઉઘાડી આંખ હોય પણ જો સમજણની સમાધિ કરી હોય તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય બીજો સંકલ્પ ન થાય તો ક્રિયા તો કેવી રીતે થાય ? મહારાજને આવી સમજણની દૃઢતા કરાવવી છે.” એવી રીતે પ.પૂ. બાપજીએ સવિકલ્પ સમાધિ કરતાં સમજણની સમાધિ અધિક છે તે સમજાવ્યું. 
નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એમ ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં આવ્યું એટલે પ.પૂ. બાપજીએ પૂછ્યું, “ઉત્થાન એટલે શું અને નિરુત્થાન એટલે શું ?”  પછી તેમણે જ ઉત્તર કર્યો કે, “ઉત્થાન એટલે નહિ નિરુત્થાન ! અને નિરુત્થાન એટલે નહિ ઉત્થાન !!”  પછી સમજૂતી આપી કે, “ઉત્થાન ક્યારે રહે ? મહારાજને યથાર્થ જાણ્યા ન હોય તો ઉત્થાન રહે. સ્વામિનારાયણ ભગવાન છે એવું કોણ ના પાડે છે ? કુસંગી પણ ભગવાન તો કહે છે. સત્સંગમાં મહારાજને ભગવાન તો જાણ્યા છે પણ જેમ છે તેમ યથાર્થ જાણ્યા નથી એટલે બીજાનો ભાર રહે છે કે નહીં ?” “હા.”  “પ્રતીતિ રહે છે કે નહીં ?” “હા.”  “બીજાનું કર્તાપણું રહે છે કે નહીં ?” “હા.” “આને શું કહેવાય ?” “ઉત્થાન !!”  “હવે ઉત્થાન ન રહે તેને શું કહેવાય ?” “નિરુત્થાન !!”  “શ્રીજીમહારાજ સિવાય બીજા કોઈ સનાતન ભગવાન નથી એવું નિરુત્થાનપણે નક્કી કર્યું હોય તો પછી એને ઉત્થાન એટલે કે સંકલ્પ-વિકલ્પ રહે નહીં ! કર્તાપણું રહે નહીં. અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ સનાતન ભગવાન નથી ને કોઈની પાસે ચપટીયે (થોડુંકે) નથી એવી દૃઢતા કરેલી હોય તેને નિરુત્થાનપણે નિશ્ચય કહેવાય.”
પ.પૂ. બાપજીએ સભામાં મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું કે, “આ જીવ મરતો નથી અને દેહના તોટા નથી. અનંત જન્મ ધર્યા અને અનંત દેહ ધર્યા છતાં હજુ અંત આવ્યો નથી. એટલે મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે, હે મહારાજ, હે દયાળુ, અમારી આંખ્યું ઓડે (વાંહે) છે. અમને આગલું દેખાતું નથી. આગલું એટલે શું ? આ મોંઘો મનુષ્યજન્મ મળ્યો છે તે શું કરવા મળ્યો છે ? તેની સૂઝ નથી એ આગળ દેખાતું નથી ! માટે અમારી વાંહે (પાછળ) આંખ્યો છે તે આગળ આવે એટલે કે હે મહારાજ, અમારા ઉપર દયા કરો કે, મનુષ્યજન્મે કરીને અમારે શું કરવાનું છે ? અને શું કરીએ છીએ ? એનું જાણપણું આવે.”
પારસમણિનું કરેલું લોઢું સોનું થાય પણ પછી પારસમણિ એ સોનાને લોઢું કરી શકતી નથી. એમ શ્રીજીમહારાજે કરાવેલો નિશ્ચય શ્રીજીમહારાજ પણ ફેરવી શકતા નથી. આ વાક્યનો ગૂઢાર્થ પ.પૂ. બાપજીએ સમજાવ્યો કે, મહારાજના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય ત્યારે એને મહારાજના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ થાય છે પછી એની ખબર કોણ રાખે ? મહારાજ ! એના કર્તા મહારાજ થયા એટલે મહારાજને કોણ ફેરવી શકે ? ભગવાનનો ફેરવ્યો પણ ફરતો નથી એટલે ભગવાન ફેરવે જ નહિ કેમ કે માંહી ભગવાન બેઠા છે પછી ભગવાન કેવી રીતે ફેરવે ? એવો નિશ્ચય તો એમણે જ કરાવ્યો છે પછી એ ફરે ખરા ? આપણે કહ્યું કે, પારસમણિ લોઢાને સોનું કર્યા પછી પાછું લોઢું કરી શકતી નથી તો એનું એટલું અસમર્થપણું જ કહેવાય. પણ અહીં સમજવું કે લોઢું છે તે જીવ છે અને સોનું છે તે મુક્ત છે. શ્રીજીમહારાજ જીવમાંથી મુક્ત કરવા આવ્યા છે. તેઓ જીવ ન કરી શકે તેવું નહિ પણ તેઓ એવું કરતા નથી. મોટો માણસ કોઈને હેઠે ઉતારે નહિ; એ અધ્ધર લઈ જાય. મહારાજ શું કરવા આવ્યા છે ? જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્ત કરવા જ આવ્યા છે એટલે તે જીવમાંથી શિવ જ કરે છે પરંતુ તેઓ શિવમાંથી જીવ કરવા આવ્યા નથી એટલે કરતા નથી માટે તેઓ અસમર્થ છે એવું સમજવું નહીં.
શ્રીજીમહારાજ જીવમાંથી શિવ (અનાદિમુક્ત) કરે છે પછી તેને ફરી જીવ કરતા નથી. આ વાતના અનુસંધાને પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “અત્યારે અમને મોટાપુરુષે વર્તમાન ધરાવી અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા જ છે એવા કોલ આપ્યા છે અને એવા આશીર્વાદ પણ આપ્યા છે તો તે કોલ કે આશીર્વાદ પાછા લઈ લે ખરા ? અથવા તે આશીર્વાદ પાછા જતા રહે ખરા ?” પછી ગુરુદેવ પ.પૂ. બાપજીએ જ ઉત્તર કર્યો કે, “મોટાપુરુષે આપેલા કોલ કે આશીર્વાદ કદી ખોટા હોય નહિ કે કદી ખોટા પડે નહીં ! પરંતુ અવરભાવમાં એટલું વિઘ્ન ખરું કે જો કોઈ છકી જઈને મોટાં મોટાં વર્તમાન લોપીને આડુંઅવળું વર્તે તો એને ફરી શ્રીજીમહારાજ સત્સંગમાં જન્મ ધરાવી એનું પ્રાયશ્ચિત્ત કરાવી પછી પૂરું કરે. માટે કોલ મળવા છતાં એટલું વિઘ્ન કહેવાય ! એવી જ રીતે જો સત્સંગમાં મોટાપુરુષનો અપરાધ કે દ્રોહ કરે તો તેને કોલ મળ્યા હોવા છતાં તેના જીવનો નાશ થઈ જાય.”  પછી દૃષ્ટાંત આપી સમજાવ્યું કે, “કોઈએ મુદ્દતનો ચેક આપ્યો હોય તો તે વચ્ચે પાછો લઈ પણ લે ! ને ચેકને અટકાવેય ખરા ! પરંતુ જેનો ચેક સ્વીકારાઈ ગયો હોય તો પછી કશું જ ન થાય. આપણને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે એવા કોલ આપ્યા છે તે મુદ્દતનો ચેક આપ્યો કહેવાય. આ આશીર્વાદ આપનારા આપેય ખરા અને પાછા લઈ પણ લે ! જેને આપતા આવડે એને લેતા પણ આવડે ! જેણે બૅંકમાંથી લોન ઉપર રિક્ષા લીધી કે ગાડી લીધી પછી જો તે બૅંકના હપ્તા ન ભરે તો બૅંકવાળા આવીને ગાડી ઉપાડી જાય છે ને ! પણ પૈસા ભરપાઈ થઈ ગયા હોય તો ઉપાડી શકે નહીં. પૈસા ભરપાઈ થઈ ગયા એટલે સિદ્ધદશા અને હપ્તા બાકી એટલે સાધનદશા. સાધનદશાવાળાને ભય ખરો પણ સિદ્ધદશાવાળાને કોઈ ભય જ નહીં. એટલે અવરભાવમાં સત્સંગમાં કોઈનો અમહિમા, અવગુણ, અપરાધ ન થઈ જાય તેનો ખૂબ ખટકો રાખવો. તેનાથી જીવનું બહુ બગડે છે. મળેલો જોગ, મળેલા આશીર્વાદ, મળેલો રાજીપો બધું ખોવાઈ જાય માટે અવરભાવમાં આટલું સાચવવું.”
મહારાજે આશીર્વાદ આપ્યા કે, સારંગપુર ગામમાં જેનો દેહ પડે એનો મોક્ષ અમે કરીશું. જેનો મોક્ષ કરવો ન હોય એને એ દિવસે બીજા ગામ મોકલી દે અને જેનો કરવો હોય એને બહારગામથી મહેમાનગતિએ અહીંયાં લાવે અને પછી એનો મોક્ષ થાય. એમ આ બધું મહારાજને આવડે. 
સારંગપુરની સીમના આશીર્વાદની વાત કરીને પછી દૃષ્ટાંત દીધું કે એક પોપટ ઝાડ પર બેઠો હતો ત્યાંથી જમ (યમરાજ)ની સવારી નીકળી. યમરાજા પોપટની સામું જોઈને હસ્યા. આ જોઈને પોપટના હાંજા ગગડી ગયા કે હવે મારું આવી બન્યું. તે એના મિત્ર ગરુડ પાસે ગયો. ગરુડે કહ્યું કે, હું તને એવી જગ્યાએ મૂકી આવું કે તને કંઈ થાય જ નહીં. પછી તેને લોકાલોક પર્વત પર મૂકી આવ્યા. પછી ગરુડ યમરાજા પાસે આનો ખુલાસો કરવા ગયા ને પૂછ્યું કે, પોપટ સામું જોઈને તમે હસ્યા કેમ ? હું એમ હસ્યો કે પોપટ અહીં બેઠો છે ને લોકાલોક પર્વત પર તેનું મૃત્યુ છે તે ત્યાં કેમ પહોંચશે ? ત્યારે ગરુડે કહ્યું, હું એને ત્યાં મૂકી આવ્યો છું. હવે એને મૂકી આવ્યો કે ભગવાને એવું કર્યું ? આપણને એમ લાગે કે આણે આમ કર્યું ! પણ એ બધું ભગવાનનું ગોઠવેલું જ હોય. આપણને ખબર પડતી નથી એટલે એમ કહીએ છીએ કે આ ફલાણાએ કર્યું પણ ફલાણા કરતા નથી, કોઈ કરતું નથી. બધું કરનાર એક મહારાજ જ છે.
“અન્વયની લાઇન અને વ્યતિરેકની લાઇન આ બંને લાઇન શ્રીજીમહારાજની છે. અન્વયવાળાના કર્તા મહારાજ છે અને વ્યતિરેકવાળાના કર્તા પણ મહારાજ છે તો બંનેના કર્તાપણામાં ફેર શું ?” આવો પ્રશ્ન પ.પૂ. બાપજીએ સભામાં પૂછ્યો.  પછી હરિભક્તોએ ઉત્તર કર્યો પણ એમને સંતોષ થયો નહીં.  પછી તેમણે જ સચોટ ઉત્તર કર્યો કે, “વ્યતિરેક સંબંધવાળા જે છે તેના સીધા કર્તા મહારાજ છે એટલે તેનું મહારાજ અહિત ન થવા દે. મહારાજ એને રોકે, એને અટકાવે એટલે તેનું અહિત ન થાય. તેમજ કોઈની તાકાત નથી કે એનું કોઈ કશું બગાડી શકે. એને કોઈ મારી ન શકે, એને કોઈ દંડ આપી ન શકે. અને અન્વયના સંબંધવાળામાં મહારાજ સીધા કર્તા નથી, અન્વય શક્તિ દ્વારા કરે છે. એટલે એને જેમ કરવું હોય એમ કરવા દે પણ રોકે નહિ પણ પાછળથી તેનું ફળ આપે. જેમ હાઇવે ઉપર ૧૦૦ની સ્પીડની લિમિટ હોય અને જવા દે ૧૨૦ ઉપર તો તેને કોઈ રોકશે નહિ પણ તે કેમેરામાં ઝડપાઈ જશે અને પાછળથી તેનો દંડ ભરવાનું કાગળિયું આવે. અને બીજું, વ્યતિરેકના સંબંધવાળાને સાધનદશામાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષ ટાળવા હોય તો મહારાજને પ્રાર્થના કરે તો મહારાજ તેના દોષો જરૂર ટાળે અને અન્વયવાળો તૂટીને મરી જાય તોય તેના એક પણ દોષ ન ટળે. જગતના જીવને કામ, ક્રોધ, લોભ, વાસના ટળે જ નહીં. પણ વ્યતિરેકના સંબંધવાળો હોય તે દાસ થઈને પ્રાર્થના કરે તો મહારાજ એના દોષને ટાળી નાખે આટલો આ બેય લાઇનના કર્તાપણામાં ફેર છે.”
શ્રીજીમહારાજના આશ્રિત થઈને કોઈ પાસે હાથ જોવડાવવા જાય પરંતુ હાથનું તો બધું અન્વયની લાઇનનું હોય. આપણને વ્યતિરેક સંબંધ છે. આપણા સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ છે. એટલે હાથમાં લખેલું છે તે જગતની દૃષ્ટિનું છે પરંતુ મહારાજે આપણું બધું ફેરવી નાખ્યું છે તે હવે પરભાવની દૃષ્ટિનું છે. આપણે સત્સંગી થઈને જોવડાવવા જઈએ ને પૂછીએ કે કેમનું છે ? મને શું નડે છે ? મારું શું થશે ? મારે શેના ઉપર લેણું છે ? ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી મહારાજ સામું હસ્ત કરીને બોલ્યા કે, આવા મહારાજ મળ્યા પછી શું બાકી રહે ? મહારાજનો મહિમા યથાર્થ જાણ્યો નથી એ મોટી પોતાની કસર ઓળખાતી નથી એટલે આ બધા વળગાડ માનવા પડયા છે. પછી દૃષ્ટાંત આપીને બોલ્યા કે, ગાડીનો બાર વાગ્યાનો ટાઇમ હોય ને એ વખતે કાળ ચોઘડિયું હોય તોય બાર વાગ્યાના ટાઇમે મળે અને ગાડીનો ટાઇમ ના હોય ને શુભ ચોઘડિયું હોય તો ગાડી મળે ? ના મળે. તેમ શુકન, અપશુકન, ગ્રહ, ચોઘડિયાં આ બધાનું કર્તાપણું ન રાખવું. જે સ્વામિનારાયણનો આશ્રિત થયો તેના ઉપર સંપૂર્ણ કર્તાપણું એકમાત્ર શ્રીજીમહારાજનું જ છે એમ સમજણ દૃઢ રાખવી.
“એક ગુરુના બે શિષ્ય હતા. તેમને ગુરુએ સમજાવેલું કે બધું બ્રહ્મ જ છે. હું તમને કહું બીડી પીવે તેમાં ભગવાન જોવાય ? આ તો મૂરખ કહેવાય. કોલાપુર ગૉળના એ જ ભાવ અને કોથળાના ગૉળના એ જ ભાવ ! આ તો ડફોળાઈ છે. પછી એ બંને શિષ્યો જતા હતા અને સામેથી ગાંડો હાથી આવે. હવે આઘું ખસવું જોઈએ કે નહીં ? પણ એને એમ થયું કે બધુંય બ્રહ્મ જ છે ને ! આપણેય બ્રહ્મ છીએ ને હાથીએ બ્રહ્મ છે. હાથી નજીક આવ્યો. પેલા માવતે (મહાવતે) કહ્યું, ‘કોરે ખસજો... કોરે ખસજો... હાથી આવે છે.’ પણ એ કોરે ખસ્યો નહિ અને હાથીએ ઉલાળીને વચ્ચે પછાડયો. પછી તે ગુરુ પાસે ગયો અને કહ્યું, તમે આવું શિખવાડયું ? તો ગુરુએ કહ્યું કે, મૂવા, ઓલ્યો માવત કહેતો હતો કે ‘કોરે ખસજો... કોરે ખસજો...’ તો એ બ્રહ્મ નો કહેવાય ? ખસી જવું જોઈએ ને ! માટે બધીય જગ્યાએ શું કરવું તે સમજવું પડશે. એમ ક્યાં કેવી સમજણ રાખવી તેની તેમણે ઘણી શિખામણ આપી.”  પછી તેઓએ કહ્યું, “અવતાર અવતારી સરખા ?” “ના.” “અવતાર અનંત છે અને અવતારી એક છે. બધુંય સરખું સમજે તે બ્રહ્મકોદાળ કહેવાય.”  “સાધુ ને અસાધુ સરખા ?” “ના.”  “પણ આજે સાધુને લોકો અસાધુ કહેતા હોય ને હોકો પીતા હોય, ગાંજો પીતા હોય તોય એને લોકો મોટા સદ્ગુરુ માનતા હોય છે ! સમજણ વગરનો સત્સંગ એટલે કોઈ ધડો જ નહીં.”
મોટા માંધાતા હોય કે સદ્ગુરુ હોય કોઈને મહારાજને કર્તા માન્યા વિના છૂટકો નથી. ખરેખર એક સેકન્ડમાં સુવડાવી દે. પહેલવાન હોય કે ગમે તેવો મોટો હોય, રોગ થયો હોય ને ડૉક્ટરો તૂટીને મરી જાય તોય ના મટે પણ જો મહારાજ ધારે તો મટી જાય. રિપોર્ટ કઢાવો તો કોઈ રોગ ન નીકળે અને રોગ ન હોય પણ જો કર્તા ન મનાય તો રોગ એવો ઘાલી દે તો પતી ગયું !! એટલે લખ્યું છે તે ખોટું નથી,  “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.”  આ વાત ૧૧૦% સાચી છે. ભલે આપણે માનીએ કે ન માનીએ. આપણી બુદ્ધિ કામ ન કરે પણ એમ જ થવાનું, થવાનું ને થવાનું. પછી નિમિત્ત બનાવે કોઈકને !! પણ કર્તા તો મહારાજ જ.
“જો મહારાજનો સાક્ષાત્ સંબંધ હોય તો હું માળા ફેરવું છું એવું થાય ?” “ના.”  “હું બીજાને સત્સંગ કરાવું છું એવું થાય ?” “ના.”  “પરંતુ પળે પળે દરેક સાધનમાં નર્યો અહંકાર જ રહેતો હોય છે. હવે આવી ભક્તિએ કરીને ભગવાનનો રાજીપો થાય કે કુરાજીપો થાય ? જેના ભેગા સાક્ષાત્ મહારાજ હોય એ આવું ન બોલે કે ન માને. અલૈયાખાચરે ઘણા સાધુઓ કર્યા પરંતુ તેનું દેહાભિમાન રહ્યું તો સોળના ભાવમાં જતા રહ્યા. મેં કર્યું, મેં બીજાને સમજાવ્યું પણ એને પોતાને સમજણ કામમાં આવી નહીં.” પછી દૃષ્ટાંત આપ્યું કે, “પીરસનારે માંહી પોતાના માટે જમવાનું મૂકીને પીરસવું જોઈએ, પછી આગ્રહ કરવો જોઈએ. બધું લ્યો, લ્યો કરી પીરસી દીધું પછી એને ભૂખ્યા રહેવાનું થાય તો શું કામનું ? બીજાને વાતું કરીને મોક્ષની હા પડાવે અને પોતાનો મોક્ષ બગડે. મોટો ભાગ એવો જોવા મળે છે કે હરિભક્તોને વિશ્વાસ આવી જાય છે અને ઉપદેષ્ટા કોરા રહી જાય છે. કોઈને પૂછીએ કે આ ચોપડા શાના માટે લખો છો ? તો એ કહેશે કે બીજાને વાતો કરવા માટે ! અલ્યા વાતો કરવા માટે છે કે વર્તવા માટે છે ? જો વાતો કરવા માટે જ હોય તો એમાં સત્સંગનો છાંટોય ઊતર્યો નથી. એ પીરસીને ધરાઈ રહ્યો છે પણ પોતે કોરોધાકોર રહ્યો છે આ હકીકત છે. આપણે માળા ફેરવીએ તો કોના માટે ? મહારાજને રાજી કરવા માટે ને ? પણ એની સામું નજર હોય છે ? આ પૈસાદાર છે ને બહુ મોટા છે એવો ભાર રહેતો હોય છે. એમ કહીને મહારાજ તરફ હાથ કરીને કહ્યું, આના રૂંવાડાં જેટલાય કોઈ છે ? પણ એવા વીરલા બહુ ઓછા હોય.” એમ પ.પૂ. બાપજીએ ત્યાગી સંતો માટે આકરી ભાષામાં ઉપદેશ આપ્યો.
સાબરમતી નદીના પુલ ઉપર બેય બાજુ ત્રણ ત્રણ ફૂટની પેરાફિટ છે. હજારો માણસો અને ગાડીઓ જાય છે. આ પેરાફિટ શું કામ છે ? એકલો પુલ કરે તો ન ચાલે ? પેરાફિટ ન હોય તો રોજ કેટલીય ગાડીઓ અને માણસો નદીમાં ખાબકે (પડે) ! પેરાફિટ હોય તો ગાડી ત્યાં જઈને અટકી રહે, પડે નહીં. આ નિયમ-ધર્મ છે તે પેરાફિટ છે. નિષ્ઠા છે તે પુલ છે. બેય જોઈએ. નિષ્ઠા જોઈએ અને નિયમેય જોઈએ. સારામાં સારું ફરસાણ બનાવો અને એમાં મીઠું જ ન નાખો તો મોઢામાં જાય ? ખાજા જેવું લાગે. એ જ રીતે મીઠાઈમાં પાણી નાખીને લાડવા વાળો તો મોઢામાં જાય ? અને નર્યું ઘી નીતરતું હોય અને ખાંડ ન નાખો તો ચાલે ? મોળો લોટ લાગે ! ખાંડ અને લોટ હોય અને બધું માપસર હોય તો કાયદેસરનું લાગે. માટે નિષ્ઠા વગર તો ચાલે જ નહિ અને નિષ્ઠા થયા પછી નિયમ પણ બરાબર પાળવા. એમ પ.પૂ. બાપજીએ નિષ્ઠા અને નિયમ બંનેનું ખૂબ મહત્ત્વ સમજાવ્યું.
“ગમે તેનો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે.” એમ ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં આવ્યું તે પરથી સમજાવ્યું કે ગમે તેનો સંગ થાય એટલે કે નાસ્તિક અથવા આસ્તિક, નિષ્ઠાવાળો અને નિષ્ઠા વગરનો. એવા ગમે તેનો સંગ થાય પણ જેના ભેળા ભગવાન હોય એનું પરિવર્તન ના થાય. મહારાજ પોતે ભેળા હોય પછી એને ફરવા જ ન દે ! મહારાજે કહ્યું, હું તો ફલાણાનો ભગત છું. ફલાણાનું ધ્યાન કરું છું. પણ આપણે જો નક્કી કર્યું હોય કે આના (મહારાજ) સિવાય કોઈ સનાતન ભગવાન છે જ નહિ તો એ શાસ્ત્રના શબ્દ પણ અસર કરે નહીં ! એટલું જ નહિ, આપણે અત્યારે ગાતાં ગાતાં છેક માંડવે જતા રહીએ છીએ કે નહીં ? અર્થાત્ શાસ્ત્રના બધા શબ્દોનો પ્રત્યક્ષાર્થ કરી મહારાજના સ્વરૂપ સાથે જોઇન્ટ કરી દઈએ છીએ અને ઓલ્યો તરત વિચાર કરે, આમ લખ્યું છે ને ! આમ કીધું છે ને ! આમ કેમ ? પણ જે એરોપ્લેનમાં બેસી ગયો એને કંઈ નડે નહીં. એટલે કે એ પરોક્ષનાં શાસ્ત્ર સાંભળે નહિ અને વાંચેય નહીં. કદાચ સંપ્રદાયના વાંચે અને તેમાં હલકા શબ્દો હોય છતાં એક વાર નક્કી કર્યું હોય કે આમ એટલે આમ તો પછી એ કદી ફરે નહીં. કેળું અને છાલ બંને ખાઓ તો સરખું આવે ? શાસ્ત્રના ભારે શબ્દ કેળું છે અને હલકા શબ્દ છાલ છે. આપણે છાલ કાઢી નાખી અને ગર્ભ રાખ્યો છે. આપણે છાલ કાઢીને કેળું ખાઈએ છીએ એટલે કે આપણે પરોક્ષાર્થ કાઢી પ્રત્યક્ષાર્થ રાખ્યો એટલે બધું સરખું આવે છે.
યથાર્થ નિશ્ચય થાય એને જ સાક્ષાત્ શ્રીજીમહારાજનો વ્યતિરેક સંબંધ થાય. વ્યતિરેકનો સંબંધ થાય એની સત્સંગમાં શરૂઆત કહેવાય. વ્યતિરેકનો સંબંધ એટલે સત્ એવા આત્માને સત્ એવા જે પુરુષોત્તમ ભગવાન તેનો સંગ થઈ ગયો. વ્યતિરેકનો સંબંધ સંપ્રદાયમાં સર્વે આચાર્યને, સદ્ગુરુને, સાધુને, હરિભક્તોને, બાઈઓને બધાને ફરજિયાત જોઈએ જ. વ્યતિરેક સંબંધ એટલે સત્સંગમાં એડમિશન મળ્યું કહેવાય. છોકરાને સારામાં સારી કૉલેજમાં એડમિશન મળ્યું પછી તે મોઢા ઉપર ચોપડી રાખીને સૂઈ રહે તો થર્ડ ક્લાસે પાસ થાય. એટલે કે ચાલોચાલ થાય. એ અનાદિ ન થાય. એના માટે ધ્યાનથી ભણવું પડે. ચાલોચાલ છે તે થર્ડ ક્લાસ, એકાંતિક છે તે સેકન્ડ ક્લાસ, પરમએકાંતિક ફર્સ્ટ ક્લાસ અને અનાદિમુક્ત ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. હવે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્યારે થાય ? તો પહેલાં એને વ્યતિરેકનો સંબંધ થાય અને પછી જ્યારે રોમ રોમ પ્રત્યે એકતા થાય ત્યારે અનાદિમુક્ત થાય. માટે પહેલાં અવરભાવનો નિશ્ચય જોઈએ; પછી જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિનું પ્રતિલોમપણે ધ્યાન કરે ત્યારે શ્રીજીમહારાજ તેને પરભાવનો નિશ્ચય કરાવે છે.
“હે મહારાજ ! દયા કરીને નિભાવજો આવી છેક સુધી પ્રાર્થના કરજો. આપણી કોઈ હોશિયારી ન ચાલે. આ કોઈ બુદ્ધિનો વિષય નથી. ભક્તિનો માર્ગ એટલે સેકન્ડમાં વિવાહનું બારમું થઈને ઊભું રહે. ભિખારી થઈ જાય. પોતે માને કે મેં કર્યું તે બરાબર, મને જ આવડે, હું જ કરું તો સેકન્ડમાં બધો મળેલો લાભ, મળેલી પ્રાપ્તિ, આવો જોગ, આવો કારણ સત્સંગ બધું જ ખતમ થઈ જાય.” એટલું કહી પ.પૂ. બાપજીએ ખૂબ ભારપૂર્વક સૌને આજ્ઞા કરી કે, “સાધુ-હરિભક્તો સહુ સાંભળજો ! રોજ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરજો કે, દયા કરીને મુજને નિભાવજો, જાણી ગાંડો ઘેલો તવ બાળ; એ વર મુને આપજો. હે મહારાજ, છેક મહાપથારી સુધી તમારો કરી નિભાવજો. કોઈ વિઘ્ન ન આવે, તમારામાં મનુષ્યભાવ ન આવે, કોઈનામાં દોષ ન પરઠાય એવી ખૂબ પ્રાર્થના કરવી. એટલું કહી પછી તરત ગુરુદેવ પ.પૂ. બાપજીએ સહુ સંતો-હરિભક્તો માટે પ્રાર્થના કરી કે, હે મહારાજ ! તમારું ભજન કરતા હોય એ કોઈને છોડશો નહીં. સૌને સધ્ધર કરો, સૌના દોષને ટાળી નાખો. એના વાંક-ગુના સામું જોયા વિના ઠેઠ અનાદિની પ્રાપ્તિ સુધી એને લઈ જાવ.”